<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

સ્‍ક્રેપના વેપારી સાથે ૧ાા કરોડની ઠગાઇમાં અમદાવાદનો ઠગ મધુર અગ્રવાત રિમાન્‍ડ પરઃ મિતલ પટેલ જેલહવાલે

ગોંડલ રોડના સ્‍ક્રેપના વેપારી ભાર્ગવ જોષીને એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનું લાયસન્‍સ કઢાવી આપવા અને કંડલા ઇકોનોમિક ઝોનમાં યુનિટ ભાડે અપાવી દેવાની લાલચ આપી ખંખેર્યા'તાઃ આર્થિક ગુના નિવારણ સેલે તપાસ માટે અમદાવાદ જશે :ભાર્ગવ જોષીનો પરિચય ઓળખીતા મારફત અમદાવાદના મધુર સાથે થયો ત્‍યારે તેણે કસ્‍ટમ અધિકારી ધીરેન રાવલને ઓળખે છે તે તમારુ કામ કરી દેશે કહી ધીરેન સાથે મુલાકાત કરાવ્‍યા બાદ કામના બદલામાં નાણા પડાવ્‍યા હતાં: પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ આર. કે. જાડેજા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ :મધુરે કસ્‍ટમ અધિકારીની ઓળખ આપી ધીરેન રાવલ નામના શખ્‍સ સાથે મુલાકાત કરાવીઃ પછી ધીરેનના નંબર છે કહી પોતાના બીજા નંબર આપી કસ્‍ટમ અધિકારી તરીકે વાત કરી પૈસા મંગાવ્‍યા હતાં :ઝડપાયેલો મધુર અગ્રાવત અગાઉ પણ ફ્રોડમાં સંડોવાઇ ચુક્‍યો હતોઃ એક આરોપી પ્રફુલચંદ્ર અગ્રવાલની શોધખોળ

રાજકોટ તા. ૭: શહેરના સ્‍ક્રેપના વેપારી યુવાનને એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનું લાયસન્‍સ કઢાવી આપવા અને કંડલા પોર્ટમાં ઇકોનોમીક ઝોનમાં યુનિટ ભાડે અપાવી દેવાના બહાને અમદાવાદના ઠગોએ ૧,૫૦,૬૦,૦૦૦ની છેતરપીંડી કરતાં શહેર આર્થિક ગુના નિવારણ શાખાએ સુત્રધાર અને એક મહિલાને પકડી લીધા છે. જેમાં સુત્રધાર શખ્‍સ અગાઉ પણ આવા ફ્રોડમાં સંડોવાયો હોવાનું ખુલ્‍યું છે. તેના સોમવાર સુધી રિમાન્‍ડ મળ્‍યા હોઇ પોલીસ તપાસ માટે અમદાવાદ તરફ જશે. એક આરોપી હજુ ફરાર છે, જેણે નકલી કસ્‍ટમ અધિકારીનો સ્‍વાંગ રચ્‍યો હતો.

આ બનાવમાં ડીસીબી પોલીસે ડો. યાજ્ઞિક રોડ અજય એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૨૩માં રહેતાં ભાર્ગવ ધીરૂભાઇ જોષી (ઉ.વ.૩૦) નામના વેપારીની ફરિયાદ પરથી મધુર અશોકભાઇ અગ્રાવત (રહે. એ-૧૭, કસેલા ટાવર ઇસ્‍કનો મંદિર સામે બોડકદેવ), પ્રફુલ જગદીશચંદ્ર અગ્રવાલ (રહે. કદંબ કોમ્‍પલેક્ષ ચોથો માળ જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ) અને મિતલ રીતેશ પટેલ (રહે. શ્રીજી બંગલો નારોલ જુની કોર્ટ સામે અમદાવાદ) વિરૂધ્‍ધ ૧,૫૦,૬૦,૦૦૦ની ઠગાઇનો ગુનો નોંધી મધુર અગ્રાવત અને મિતલ પટેલની ધરપકડ કરી છે. જેમાં મધુર અગ્રાવતના સોમવાર સુધીના રિમાન્‍ડ મંજુર થયા છે અને મિતલ પટેલ જેલહવાલે થઇ છે. મધુર અગાઉ પણ આ પ્રકારના ત્રણ ચાર ફ્રોડમાં અગાઉ સંડોવાઇ ચુક્‍યો હોવાનું સામે આવ્‍યું છે. આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ તેને સાથે લઇ વધુ તપાસ માટે અમદાવાદ થરફ જશે.

ભાર્ગવ જોષી ગોંડલ રોડ પર આકાંક્ષા કોમ્‍પલેક્ષમાં શ્રી પદ્મ કોર્પોરેશન નામે પેઢી ચલાવે છે અને સ્‍ક્રેપના માલનું કમિશનથી કામ કરે છે. સવા બે વર્ષ પહેલા તેનો પરિચય તેના ઓળખીતા જુનાગઢના જયદેવ નિમાતવ મારફત અમદાવાદના મધુર અગ્રાવત સાથે થયો હતો. ભાર્ગવ જોષીએ જણાવ્‍યુ઼ હતું કે ત્‍યારબાદ મધુર સાથે મારે ધંધા બાબતે ફોનમાં વાતચીત થતી હતી. મારે એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનું કામ ચાલુ કરવું હોઇ તેમજ કંડલા કચ્‍છ ખાતે સ્‍પેશીયલ ઇકોનોમીક ઝોનમાં  એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનું યુનિટ ભાડે રાખવું હોઇ આ બાબતે મધુરને વાત કરતાં તેણે પોતાને કસ્‍ટમ વિભાગમાં ઓળખ છે તેમ કહી પોતે લાયસન્‍સ કઢાવી આપશે  અને કંડલામાં યુનિટ પણ ભાડે અપાવી દેશે તેવો વિશ્વાસ આપ્‍યો હતો.

આ પછી મેં મધુરે મને વાત કરી હતી કે અમદાવાદમાં ધીરેન રાવલ કસ્‍ટમના અધિકારી છે તે મારા ઓળખીતા છે તેના મારફત તમારુ કામ થઇ જશે તેમ કહી લાયસન્‍સ અને યુનિટ ભાડાની કામગીરીની પ્રક્રિયા માટે ૧ાા કરોડ જેવો ખર્ચો થશે તેમ કહ્યું હતું. એ પછી મધુરે મને ફોન કરી તમારે અમદાવાદ કસ્‍ટમ અધિકારી ધીરેન રાવલને મળવા આવવાનું છે તેમ કહેતાં હું તેની સાથે ગયો હતો. જ્‍યાં દેરાસર માર્ગ પ્રેરણા તિર્થ ખાતે અમે ધીરેન રાવલને મળ્‍યા હતાં.

ધીરેન રાવલે પોતે આ કામ કરી આપશે તેમ કહ્યું હતું. એ પછી ફરીથી મેં મધુરને ફોન કરી મારુ કામ ઝડપથી કરાવી આપવા અથવા ધીરેન રાવલ સાથે વાત કરાવવા કે મુલાકાત કરાવવાનું કહેતાં તેણે મને ધીરેન રાવલનો નંબર આપ્‍યો હતો. એ પછી હું અને ધીરેન રાવલ વ્‍હોટ્‍સએપમાં મેસેજથી વાત કરતાં હતાં. તેણે મને બેંક એકાઉન્‍ટ નંબર મોકલ્‍યા હતાં અને મિતલ પટેલના નામના ખાતામાં રકમ જમા કરાવવાનું કહેતાં મેં મારી પેઢીના ખાતામાંથી ૧૪/૧૨/૨૨ના રોજ રૂા. ૨૫ લાખ ટ્રાન્‍સફર કર્યા હતાં. બીજુ પેમેન્‍ટ પ્રફુલ જગદીશચંદ્ર અગ્રવાલ નામના ખાતા ધારકને મોકલવા કહેતાં મેં મિત્ર સર્કલમાંથી ભેગા કરી બીજા ૫૦ લાખ ટ્રાન્‍સફર કર્યા હતાં. તેમજ ફરીથી ૩૦ લાખ અને ૨૦ લાખ પણ ટ્રાન્‍સફર કરી કુલ ૧,૫૦,૬૦,૦૦૦ મેં મધુર અગ્રાવત, ધીરેન રાવલ અને મિતલ પટેલને આપ્‍યા હતાં. પરંતુ મારુ એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનું લાયસન્‍સ પણ નહોતું થયું અને કંડલામાં મને યુનિટ ભાડે અપાવવાનું પણ આ કોઇએ કર્યુ નહોતું. અંતે ફરિયાદ નોંધાવી હતી. મધુરે મને કસ્‍ટમ અધિકારી ધીરેન રાવલના નંબર છે તેમ કહીને જે નંબર આપ્‍યા હતાં તે પણ તેના એટલે કે મધુરના જ હતાં અને તે ધીરેનના નામે મસેજ કરતો હતો.

આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ આર. કે. જાડેજા, વનરાજભાઇ રગીયા, રાહુલભાઇ છૈયાની ટીમે તપાસ શરૂ કરી બે આરોપી મધુર અગ્રાવત અને મિતલ પટેલને પકડી લીધા છે. જેમાં મિતલ જેલહવાલે થયેલ છે અને મધુરના રિમાન્‍ડ મળતાં તેણે આ ફ્રોડથી મેળવેલી રકમ ક્‍યાં વાપરી? કોની પાસે છે? તે સહિતની તપાસ શરૂ થઇ છે. જેના ખાતામાં મોટી રકમ જમા કરાવાઇ હતી તે પ્રફુલચંદ્ર અગ્રવાલ હજુ ફરાર છે. ઝડપાયેલી મહિલા મિતલ પટેલ હાલ પતિથી અલગ રહે છે અને ડાયવોર્સને લગતો કેસ ચાલુ છે. તેણીના ખાતામાં પણ અમુક રકમ જમા કરાવાઇ હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ મધુર અગાઉ પણ ફ્રોડના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. (૧૪.૯)

(3:29 PM IST)