<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

રાજકોટના નિવૃત ફૌજી અને અન્‍ય ત્રણ કર્નલ સાથે પુણેના કર્નલની ૧ કરોડ ૪૬ લાખની ઠગાઇ

બાલાજી હોલ પાસે રહેતાં યુવાન ૨૦૨૦માં નિવૃત થયા ત્‍યારે નાસિકના કર્નલ ધનારજીરાવ પાટીલે ફોન કરી-નિવૃતીના રૂપિયા મને આપીશ તો રોકાણ કરી દર મહિને ૮ ટકા વળતર અપાવીશ કહી લલચાવી ફ્રોડ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ :રાજકોટના જવાને ૪૧ લાખ આપ્‍યા'તા તેમાંથી ૧૧.૪૦ લાખ ધનાજીરાવ પાટીલે પરત ન દીધાઃ બીજા ત્રણ કર્નલના ૫૧ લાખ, ૩૭ લાખ અને ૪૭ લાખ ગયાઃ ધનાજીરાવને સેનામાંથી ડિસમીસ કરી દેવાયા હતાં: પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૭: શહેરના મવડી ૧૫૦ રીંગ રોડ પર રહેતાં નિવૃત ફોૈજી યુવાન સાથે પુણે યેરવડા ખાતે રહેતાં હાલ ભારતીય સેનામાંથી ડિસમીસ કરી દેવાયેલા કર્નલે રોકાણ પર વળતરના નામે લાખો રૂપિયા મેળવી અમુક રકમ પરત આપી દઇ છેલ્લે રૂા. ૧૧,૪૦,૦૦૦ ન ચુકવી ઠગાઇ કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે. આ નિવૃત ફોૈજીએ તપાસ કરતાં ખબર પડી હતી કે પોતાને છેતરનારા કર્નલે ભારતીય સેનાના બીજા ત્રણ કર્નલોને પણ છેતર્યા છે. કુલ ૧,૪૬,૪૦,૦૦૦ની ઠગાઇ થઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ડ્રીમલેન્‍ડ એપાર્ટમેન્‍ટ બી-૨૦૧માં રહેતાં નિવૃત આર્મીમેન હિતેશભાઇ મુંગરાની ફરિયાદ પરથી મહારાષ્‍ટ્રના યેરવડા પુણે ખાતે રહેતાં ધનાજીરાજ શીવાજીરાવ પાટીલ વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

હિતેષભાઇ મુંગરાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ૨૦૦૩માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. ત્‍યારબાદ ૨૦૨૦માં મેં સેનામાંથી નિવૃતી લીધી છે. મારે એસબીઆઇ બેંકમાં ખાતુ છે. મારુ છેલ્લુ પોસ્‍ટીંગ નાસીક ખાતે હતું ત્‍યારે અમારા કંપની કમાન્‍ડર લેફટનન્‍ટ કર્નલ ધનાજીરાવ શીવાજીરાવ પાટીલ (રહે.  બંગલા નંબર-૪૫, નોટીંગ હીલ પ્રાઇડ-૧ સીટી ડી.વાય. પાટી ચરોલી યેરવડા પુણે) હોવાથી હું તેને ઓળખુ છું. હું નાસિક ખાતેથી તા. ૩૧/૩/૨૦ના રોજ સેનામાંથી નિવૃત થયેલો અને મે-૨૦૨૦માં રાજકોટ આવી ગયો હતો. જુલાઇ-૨૦૨૦માં મને મારા લેફટનન્‍ટ કર્નલ ધનાજીરાવ પાટીલે ફોન કરી કહેલુ કે તમારા રિટારમેન્‍ટ પછી જે પૈસા આવવાના છે તે તું મને આપજે, હું સારી જગ્‍યાએ રોકાણ કરી દર મહિને ૮ ટકા જેટલુ વળતર ૩૦ મહિના સુધી આપીશ. તેમજ દર ત્રણ મહિને અમુક ટકા રકમ પણ પરત આપતો જઇશ.

જેથી મેં પહેલા તો અસહમતી દર્શાવી હતી. પણ બાદમાં વારંવાર ધનાજીરાવ મને ફોન કરતાં હું મેં નાસ્‍કિ ખાતે બે વર્ષ નોકરી કરી હોઇ ત્‍યારે તેઓ કર્નલ હોઇ જેથી મને તેના પર વિશ્વાસ આવી ગયો હતો. આથી મેં તેને ૧૫/૯/૨૦ના રોજ મારા બેંક એકાઉન્‍ટમાંથી રૂા. ૭,૫૦,૦૦૦ તેને ચેક દ્વારા અ)પ્‍યા હતાં. એ પછી મારા સાઢુભાઇ અમિતભાઇ વિઠ્ઠલભાઇ દુધાત્રાના બેંક એકાઉન્‍ટમાંથી રૂા. ૩ લાખ મોકલ્‍યા હતાં. આ ઉપરાંત ૧૩/૧૦/૨૦ના રોજ ફરી મારા એકાઉન્‍ટમાંથી ૯,૫૦,૦૦૦ ધનાજીરાવને મોકલ્‍યા હતાં. એ પછી ફરી ૧૪/૧૦/૨૦ના રોજ રૂા. ૫ લાખ, ૧૫/૧૦ના રોજ ફોન પેથી ૧ લાખ મોકલ્‍યા હતાં. ત્‍યારપછી કર્નલે મને બંગ્‍લોર નજીક આવેલ તુમકુર ખાતે આવેલી તેમની મેસર્સ કર્નલ પાટીલ્‍સ કન્‍સલટન્‍સી કંપનીમાં નોકરીની ઓફર કરી હતી. જેથી હું ત્‍યાં નોકરી કરવા જતાં મને ૩૫ હજાર પગારનીઓફર કરી હતી. એ પછી મેં બેંગ્‍લોર પાસે તુમકુરમાં તેની કંપનીમાં એપ્રિલ-૨૦૨૨ સુધી નોકરી કરી હતી.

ત્‍યારબાદ તા. ૧/૧૨/૨૦ના રોજ ધનાજીરાવ મને મળાવ તુમુકર-બેંગ્‍લોર આવ્‍યા હતાં.  ત્‍યારે મેં તેની પાસે મારા લેણા નીકળતા રૂપિયા માંગતા તેણે તા. ૧/૧૨/૨૦ના રોજ ૩ લાખનો ચેક આપ્‍યો હતો. એ પછી મેં ૧/૧૨/૨૦ના રોજ ફરી ૧ લાખ અને ફોનપેથી ધનાજીરાવના ખાતામાં જમા કરાવ્‍યા હતાં. ૩/૧૨/૨૦ના ફરી મેં ૧ લાખ તેને આપ્‍યા હતાં. આ પછી  ૪,૫૦,૦૦૦ ચેકથી મેં ધનાજીરાવના ખાતામાં જમા કરાવ્‍યા હતાં. પછી ફોનપેથી ફરી ૫૦ હજાર જમા કરાવ્‍યા હતાં. તેમજ ધનાજીરાવના ડિફેન્‍સ સેલેરી પેકેજ એકાઉન્‍ટમાં પણ ૩૮ લાખ જમા કરાવ્‍યા હતાં. ૧૩/૧/૨૧ના રોજ ધનાજીરાવની કંપનીનું જીએસટી રજીસ્‍ટ્રેશન થયું હતું. એ પછી એપ્રિલ-૨૦૨૧માં ધનાજીરાવનો દિકરો નરેન પાટીલ મને બેંગલોર કંપની ખાતે મળવા આવ્‍યો હતો. ત્‍યારે મેં નરેનને પણ મારા બાકી નીકળતા પૈસા બાબતે વાત કરતાં તેણે પણ મને પૈસા આપી દેશે તેવી બાહેંધરી આપી હતી.

બાદમાં મારે પૈસાની જરૂર પડતાં મેં માંગણી કરતાં ધનાજીરાવે જુન-૨૦૨૧માં ૧૭ લાખ ચેકથી આપ્‍યા હતાં. ત્‍યારબાદ મેં બીજા ૨૧ લાખ માંગતા તેણે મને કહેલુ કે મારી દિકરીને મારે વિદેશ મોકલવાની છે જેથી હાલ પૈસા નથી, તમને મને ૩ લાખ સામે આપો હું થોડા સમયમાં તમામ રકમ આપી દઇશ. જેથી મેં ફરી તેના પર વિશ્વાસ મુકી ફોન પેથી ત્રણ કટકે ત્રણ લાખ દીધા હતાં. મારી પાસે ધનાજીરાવને રૂપિયા આપ્‍યાનું લેખીતમાં કોઇ લખાણ નહોતું. મેં લખાણ કરવાનું કહેતાં તેણે  બેંગ્‍લોર નોટરી બોલાવી લખાણ કરાવ્‍યું હતું. ત્‍યારે મારી પાસે અને અન્‍ય આર્મીમેન પાસે અંગ્રેજી ભાષામાં કોઇ લખાણ કરાવ્‍યું હતું. તેમાં મેં સહી કરી હતી. પરંતુ કયા ડોક્‍યુમેન્‍ટ હતાં તેની મને ખબર નહોતી.

તે વખતે અમને સિક્‍યુરીટી પેટે ચેક પણ આપો તેવું ધનાજીરાવને અમે કહેતાં તેણે ના પાડી હતી. જેથી અમે તેને કહેલુ કે જો નાણા નહિ આપો તો ફરિયાદ કરીશું. આથી તેણે તેલંગણા રાજ્‍યના પોલકમપલ્લી ગામે તેનો પ્‍લોટ હોઇ તેની કિમત રૂા. ૧૨,૬૦,૦૦૦ની છે તે મારા નામે કરી આપ્‍યો હતો. એ પછી પણ મારે તેની પાસેથી રૂા. ૧૧,૪૦,૦૦૦ લેવાના નીકળતા હતાં. પરંતુ તે વાંરંવાર ઉઘરાણી કરવા છતાં અમને આ રકમ આપતા ન હોઇ તપાસ કરતાં બીજા મિત્રો મારફત જાણવા મળેલુ કે ધનાજીરાવે બીજા ભારતીય સેનાના કર્મચારીઓ, અધિકારી જેમાં હરીશચંદ જોષી સાથે રૂા. ૫૧ લાખની, કર્નલ પ્રતાપ સાથે રૂા. ૩૭ લાખની અને કર્નલ બેનાલકર સાથે રૂા. ૪૭ લાખની છેતરપીંડી કરી છે. તેમજ આ બધાએ આર્મી હેડક્‍વાર્ટર દિલ્‍હી ખાતે ઓગષ્‍ટ-૨૦૨૨માં ધનાજીરાવ વિરૂધ્‍ધ ફરિયાદ કરતાં  ધનાજીરાવને ૧૯/૫/૨૩ના રોજ ભારતીય સેનામાંથી ડીસમીસ કરી દેવાયેલ છે.

આ રીતે ધનાજીરાવે અમારા રીટાયરમેન્‍ટના રૂપિયા આવવાના હોઇ તે રોકાણ કરી વળતર આપવાની લાલચ દઇ મારી પાસેથી કટકે કટકે કુલ ૪૧ લાખ મેળવી તેની સામે ૧૭ લાખ પાછા આપી બાકીના ૧૨,૬૦,૦૦૦નો પ્‍લોટ આપી છેલ્લે ૧૧,૪૦,૦૦૦ ન ચુકવી ઠગાઇ કરી હોઇ અંતે હવે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં નિવૃત ફોૈજી હિતેષભાઇ મુંગરાએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. મયુરભાઇ ઠાકરે ગુનો દાખલ કરતાં પીએસઆઇ બી. વી. સરવૈયાએ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(3:31 PM IST)