તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 8th March 2025
રાજકોટ શહેર-જીલ્લાની ૭૦ હજાર કેસોની મેગા લોક અદાલત યોજાઇ
અકસ્માત કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મંજુર : લેણાના કેસોમાં પણ લાખો રકમની રીકવરીઃ ઇ-મેમાના કેસોમાં મોટી રકમની વસુલાતઃ રાજકોટ ઉપરાંત જીલ્લાના દરેક તાલુકા સ્થળોએ લોક અદાલત દ્વારા ઝડપી ન્યાય આપી કેસોનો નિકાલ કરાયોઃ બપોર સુધીમાં ૩પ ટકાથી વધુ કેસો ફેંસલ કરાયા

રાજકોટ, તા., ૮: આજે ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકા શહેર જીલ્લાની લોક અદાલત યોજાઇ હતી. જેમાં ૭૦ હજાર જેટલા કેસો નિકાલ અર્થે મુકાયા હતા.
આજે યોજાયેલ આ મેગા લોક અદાલતનું સવારે ૧૦.૩૦ કલાકે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય સેસન્સ જજશ્રી સિંઘ તથા અન્ય એડીશ્નલ સેસન્સ જજો સહિતના ન્યાયાધીશો રાજકોટ બાર એશો.ના હોદેદારો, વિમા કંપની, મ્યુનિ. કોર્પોરેશન તેમજ વિવિધ સંલગ્ન ખાતાના જીઇબી સહીતના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આ લોક અદાલતમાં પ્રથમ બપોર સુધીમાં ૩પ ટકા કેસોનો નિકાલ કરાયો હતો. અકસ્માત ઇજા-મૃત્યુના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મંજુર કરાયા હતા. તો બીજી બાજુ બેંક, સિવિલ, જીઇબી, મ્યુનિ. કોર્પોરેશન સહિતની એજન્સીઓના લેણાના કેસોમાં લાખો રકમની રીકવરી કરવામાં આવી હતી.
જયારે ઇ-મેમાના ટ્રાફીક અંગેના કેસોમાં પણ મોટી રકમની વસુલાત થયાનું જાણવા મળે છે. ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ધ્વારા આજે તા. ૦૮/૦૩/૨૦૨૫ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવે છે. સદર લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવે. સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણા ના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવેલ.
લોક અદાલત પહેલાં લોક અદાલતની તૈયારીન ભાગરુપે રાજકોટ બાર એસોશીએશનના સાથ અને સહકારથી જુદી જુદી મીટીંગો યોજી, પ્રિ-સીટીંગનું આયોજન કરી પક્ષકારોને સમાધાન અંગે નજીક લાવવા માટે લગભગ છેલ્લા ત્રણ મહીનાથી પ્રયત્ન કરવામાં આવી રહેલ. ે જેના ભાગરુપે આજે યોજાવેલ લોક અદાલતમાં તમામ કેટેગરીના મળી કુલ ૭૦,૦૦૦ થી વધુ કેસો હાથ પર લેવામાં આવેલ હતો.
લોક-અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.
આજની આ લોક-અદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો હાજર રહ્યા હતા અને તેઓના કેસોના નિકાલ કરવામાં આવ્યો હતો જેથી પક્ષકારોને ઝડપી ન્યાય મળ્યાનનો અહેસાસ થયો હતો. તેમ જીલ્લા કાનૂની સેવામંડળના કે.એમ. ગોહિલે જણાવ્યું હતું.
(4:14 PM IST)










