News of Saturday, 8th March 2025
ટીલાળા ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જવાથી ઇલેક્ટ્રીશીયન યુવાન ભરતભાઇ ઠુમ્મરનું મોત
શાપરથી કણકોટ પાટીયે ઘરે આવતી વખતે બનાવઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૮: નવા ૧૫૦ ફુટ રીંગ રોડથી ગોંડલ રોડ તરફ જતાં ટીલાળા ચોકડી નજીક બાઇક સ્લીપ થઇ જતાં કણકોટના પાટીયા નજીક રહેતાં ઇલેક્ટ્રીશીયન યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ કણકોટ પાટીયે ઇસ્કોન એવીએટર નામના ફલેટમાં રહેતો ભરતભાઇ ધીરૂભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૭) નામનો યુવાન ગઇકાલે કામ સબબ શાપર વેરાવળ ગયો હતો. પોતાનું કામ પતાવી પરત બાઇક પર ઘરે આવી રહ્યો હતો ત્યારે ટીલાળા ચોકડીએ બાઇક કોઇ કારણોસર સ્લીપ થઇ જતાં તેને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ભરતભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને ઇલેક્ટ્રીક કામ કરતો હતો. તેને એક સંતાન છે. બનાવને પગલે ઠુમ્મર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(2:46 PM IST)










