News of Saturday, 8th March 2025
લોક-અદાલતમાં ફેમેલી કોર્ટના માધ્યમથી દંપતિ વચ્ચે સુખદ સમાધાનઃ કોન્ટ્રાકટર પરિવારમાં ખુશીનો માહોલ

રાજકોટ, તા.૮ : રાજકોટ ફેમિલી કોર્ટની મધ્યસ્થીથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું છે. રાજકોટમાં રહેતા અગ્રણી ગર્વમેન્ટ કોન્ટ્રાકટર હરેશભાઈ ચોવટીયાનો પરીવાર ફરીથી ખુશીઓથી ધબકતો થયો છે.
કોઈની હાર નહી કોઈની જીત નહીં. સમાધાન જેવી બીજી કોઈ રીત નહી તે કહેવત મુજબ રાજકોટના અગ્રણી સરકારી કોન્ટ્રાકટર હરેશભાઈ ચોવટીયા (ઉ.વ.૪૨) અને તેમની પત્ની સ્વેતાબેન ચોવટીયા (ઉ.વ. ૪૦) આ બન્ને પક્ષકારોના લગ્ન તા.૨૨/૦૪/૨૦૦૮ ના રોજ ગોંડલ મુકામે થયેલા. ત્યારબાદ બન્ને પતિ-પત્ની તરીકે રાજકોટમાં લગ્ન જીવન પસાર કરતા હતા. પરંતુ લગ્નજીવનમાં બન્ને વચ્ચે તકરારો થવા લાગેલી અને આ તકરારો એટલી હદે આગળ વધી ગયેલ કે બન્ને પતિ-પત્ની વચ્ચે છુટા છેડાની અરજી થયેલી. લગ્ન જીવનથી થયેલ સંતાન હાલ ૧૪ વર્ષના હોય અને જે રાજકોટની પ્રખ્યાત આર.કે.સી. કોલેજમાં અભ્યાસ કરે છે તેનો કબજો મળવા માટે પણ ગાર્ડીયન એન્ડ વોડઝ એકટ હેઠળ અરજીઓ થયેલી હતી. આ દરમ્યાન પોલીસ અરજીઓ પણ થયેલી. અને સ્વેતાબેન તેના પતિ હરેશભાઈ ચોવટીયા સામે ભરણપોષણની અરજી પણ કરેલી હતી. વર્ષ ૨૦૨૨ થી આ તકરારો ચાલતી હતી.
કાયદામાં નવા પ્રસ્થાપીત થયેલ સીધ્ધાંત પ્રમાણે જયારે કૌટુંબીક તકરારો ઉપસ્થીત થયેલ હોય ત્યારે અદાલતોએ પક્ષકારો વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયત્નો કરાવવાના હોય છે. તે માટે અદાલતોમાં મીડીએશન સેન્ટર ચાલે છે. લોક-અદાલતોમાં પક્ષકારો વચ્ચે તકરારનું સુખદ નિરાકરણ થાય તે માટે પક્ષકારોના વકીલો તેમજ જજો દ્વારા તેમજ મીડીએટર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આવા પ્રકારની અભિગમ વાળી લોક-અદાલત આજરોજ ફેમેલી કોર્ટ મુકામે પણ યોજવામાં આવેલ. જે લોક-અદાલતમાં આ બન્ને પતિ-પત્નીનું કાઉન્સીલીંગ પક્ષકારોના એડવોકેટ અર્જુન પટેલ, આર.કે.પટેલ, હેતલબેન રાજદેવ દ્વારા કરવામાં આવેલુ તેમજ હાજર રહેલ ફેમેલી કોર્ટના જજ બી.એસ.પરમાર, જી.ડી. યાદવ અને હિના એન. દેસાઈ દ્વારા કાઉન્સીલીંગ કરવામાં આવેલુ. અને સમજાવટ ના અંતે પક્ષકારોનુ લગ્ન જીવન પુનઃ ધબકતુ થયેલુ છે. પરીવારમાં ફરીથી ખુશીઓનુ વાતાવરણ મહેકેલ છે.
આમ લોક-અદાલતનો જે મુળભુત આશય લોક-અદાલતો યોજવા પાછળ રહેલો છે તે આ કેસમાં સાર્થક થયેલ છે. જેથી વકીલો અને જજોમાં પણ કોઈકનું સારૂ અને ભલુ થયાની સંતોષની લાગણી ઉત્પન્ન થયેલ છે. અર્જુન પટેલ-એડવોકેટે પ્રતિસાદ આપતા જણાવેલ છે કે કોઈકનું પડી ભાંગેલુ લગ્ન જીવન પુનઃ ધબકતુ થાય તેથી વિશેષ વકીલો માટે કોઈ મોટી ફીઝ હોઈ શકે નહી. ફીઝ કરતા ધણી વખત કશુક સારૂ કર્યાની લાગણી વધારે ખુશીઓ આપતી હોય છે. માનવીય સંવેદનાઓ દરેકના હદયમાં ધબકતી રહેવી જોઈએ તો જ લોક-અદાલતો તેના ખરા અર્થમાં કાનુની ઈતિહાસમાં સાર્થક થયેલી ગણાશે
(3:15 PM IST)










