News of Saturday, 8th March 2025
હૃદય બંધ પડી જવાથી અશોકભાઇ ગણાત્રાનું મૃત્યુ
આરકે નગર બસેરા પાર્કમાં રહેતાં હતાં અને ટ્રેડીંગનું કામ કરતાં હતાં: બીજા બનાવમાં સ્લમ ક્વાર્ટરના જયાબેન વાઘેલા પણ હૃદય બેસી જવાને કારણે મૃત્યુ

રાજકોટ તા. ૮: હૃદય રોગના હુમલાથી મૃત્યુના બનાવો યથાવત રહ્યા છે. વધુ આવા બે બનાવમાં એક પ્રોૈઢ અને એક મહિલાના મૃત્યુ થયા છે. કાલાવડ રોડ પર રાણી ટાવર પાછળ આરકે નગર બસેરા પાર્કમાં રહેતાં અશોકભાઇ કરસનદાસ ગણાત્રા (ઉ.વ.૫૭) ઘરે હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
અશોકભાઇને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ટ્રેડીંગનું કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર ભાગ્યેશભાઇ અને રાજભાઇ છે. ગાંધીગ્રામ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરી હતી. મોભીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બીજા બનાવમાં જામનગર રોડ સ્લમ ક્વાર્ટરમાં રહેતાં જયાબેન ચમનભાઇ વાઘેલા (ઉ.વ.૫૪) ઘરે વહેલી સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. શ્વાસ ચડયા બાદ હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. (૧૪.૫)
(3:35 PM IST)










