<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

હત્‍યાના ગુનામાં વચગાળાના જામીન પર છુટી ફરી ગુના આચર્યા હતાં: શહેર ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

હત્‍યા, લાખોની એટીએમ ચોરીમાં સામેલ બે બહુનામધારી શખ્‍સ હનુમાન મઢી નજીકથી પિસ્‍તોલ સાથે પકડાયા : ક્રાઇમ બ્રાંચના રણજીતસિંહ, સંજયભાઇ, રામશીભાઇની બાતમી પરથી હનુમાન મઢી નજીક રંગઉપવનના ગેઇટ પાસેથી બંનેને પકડી લેવાયાઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએઅસાઇ એમ. કે. મોવલીયાની ટીમની કામગીરી : બનાસકાંઠાના ૨૦૨૩ના ચકચારી મફાભાઇ મર્ડર કેસમાં, ભરૂચના ૩.૫૨ લાખની એટીએમ ચોરી, મહારાષ્‍ટ્રની ૨૬.૨૩ લાખની એટીએમ ચોરીના ગુનાઓમાં ફરાર હતાં : લીંબડીનો ધર્મેશ ઉર્ફ કાળુ ઉર્ફ સૂર્યા ઉર્ફ સૂરજ ઉર્ફ દેવો ઉર્ફ દેવેન્‍દ્ર જેજરીયા અને મહારાષ્‍ટનો સમાધાન ઉર્ફ અધિકાર ઉર્ફ જીગર ગીરાસ મજૂરી શોધવા રાજકોટ આવ્‍યા ને પકડાયાઃ ધમાએ મર્ડર કર્યુ હોઇ હુમલાનો ભય હોવાથી હથીયાર સાથે રાખતો હતો

રાજકોટ તા. ૮: બનાસકાંઠાના ચર્ચાસ્‍પદ મફાભાઈ પટેલ મર્ડર કેસમાં વોન્‍ટેડ બે આરોપીને શહેર ક્રાઇમ બ્રાંચે રૈયા રોડ હનુમાન મઢી નજીક રંગ ઉપવનના ગેઇટ પાસેથી દેશી બનાવટની પિસ્‍તોલ સાથે દબોચી લીધા છે. આ બંને ૨૦૨૩માં થયેલા મર્ડર કેસમાં વોન્‍ટેડ હતાં. તેમજ લીંબડીના હત્‍યાના ગુનામાં જામીન પર છુટયા બાદ બે વર્ષથી ફરાર હતાં. તેમજ ભરૂચના એટીએમ ચોરીના કેસમાં અને નંદુરબાર મહારાષ્‍ટ્રની ૨૬,૨૩,૭૦૦ની એટીએમ ચોરીના ગુનામાં પણ બંને વોન્‍ટેડ હતાં. બહુનામધારી એવા આ બંને શખ્‍સ મુળ લીંબડી પંથકના છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર ચોરી, લૂંટ, ખૂન, ખૂનની કોશિષ સહિતના બનાવોની ગંભીરતાને ધ્‍યાને લઇ તેમજ અનડિટેક્‍ટ ગુનાઓ શોધી કાઢવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમો પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડીસીબીના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડકોન્‍સ. સંજયભાઇ દાફડા, કોન્‍સ. રામશીભાઇ કાળોતરાને બાતમી મળી હતી કે વર્ષ ૨૦૨૧માં લીંબડીમાં હત્‍યાના ગુનામાં પકડાયા બાદ સાબરમતી જેલમાંથી વચગાળાના જામની લઇ સવા બે વર્ષથી ફરાર થઇ ગયેલા બે શખ્‍સ રૈયા રોડ હનુમાન મઢીથી જુના એરપોર્ટ જવાના રસ્‍તે આવ્‍યા છે અને આ બંનેએ ૨૦૨૪માં બનાાસકાંઠાના માવસરી પોલીસ સ્‍ટેશનના ચકચારી મફાભાઇ પટેલ મર્ડર કેસમાં પણ સામેલ છે, તેમજ ભરૂચ અને મહારાષ્‍ટ્રમા લાખોની એટીએમ ચોરીમાં પણ ફરાર છે.

આ માહિતી પરથી ટૂકડી હનુમાન મઢી નજીક પહોંચતા બાતમી મુજબના બે શખ્‍સ મળી આવતાં સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાના નામ ધર્મેશ ઉર્ફે કાળુ ઉર્ફે સુર્યા ઉર્ફે સુરજ ઉર્ફે દેવો ઉર્ફે દેવેન્‍દ્ર અંબારામ ઉર્ફે વાલજી જેજરીયા (ઉ.વ.૨૫, રહે. મોટા મંદિર પાસે પૂલ નજીક, લીંબડી, મૂળ ગામ રળોલ, તા. લીંબડી) અને સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસિંગ ગીરાસે (ઉ.વ.૨૭, રહે. અમલનેર, તા.અમલનેર, જી. જલગાંવ, મૂળ ધુલે, મહારાષ્‍ટ્ર) જણાવ્‍યા હતાં. બંનેની તલાસી લેતાં રૂા. ૨૫ હજારની દેશી બનાવટની પિસ્‍તોલ મળી આવી હતી. પોલીસે પિસ્‍તોલ તથા બે મોબાઇલ ફોન મળી ૪૫ હજારનો મુદ્દામાલ કબ્‍જે કરી બંનેની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્‍યા મુજબ   ૨૦૨૧ની સાલમાં લીંબડી પોલીસ મથકની હદમાં મર્ડર થયું હતું. જેમાં આરોપી ધર્મેશ ઉર્ફે કાળુની ધરપકડ થઈ હતી. તેને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્‍યો હતો. જયાંથી તેને ગઈ તા. ૧૦-૧-૨૦૨૩થી તા. ૧૮-૧-૨૦૨૩ સુધી વચગાળાના જામીન મળ્‍યા હતા. ત્‍યાર પછી તે જેલમાં હાજર થયો ન હતો. અને ફરાર થઈ ગયો હતો. ત્‍યારબાદ ૨૦૨૪માં બનાસકાંઠા જીલ્લામાં મફાભાઈ પટેલનું મર્ડર થયું હતું. જેમાં અનિલ કાઠી ગેંગના અનિલ કાઠી ગેંગના શૂટર તરીકે સાબરમતી જેલમાંથી ફરાર ધર્મેશ ઉર્ફે કાળુ અને સમાધાન ઉર્ફે અધિકારની સંડોવણી ખુલી હતી. આ બંને આરોપીઓ કેસમાં વોન્‍ટેડ આ મર્ડર કેસમાં વોન્‍ટેડ હતા. બાદમાં આ બંને આરોપીઓએ ભરૂચના વાગરા પોલીસ મથક અને દહેજ પોલીસ મથકની હદમાં એટીએમમાંથી ચોરી કરી હતી.આ બંને ગુનામાં પણ વોન્‍ટેડ હતા.

આ ઉપરાંત મહારાષ્‍ટ્રના નંદુરબારના ઉપનગર પોલીસ સ્‍ટેશનની હદમાં એટીએમમાંથી રૂા.૨૬.૨૩ લાખની ચોરી કરી હતી. જેમાં પણ બંનેની સંડોવણી ખુલી છે. આ ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગય ગયો છે. આ રીતે આ બંને આરોપીઓ બનાસકાંઠાના મફાભાઈ પટેલ મર્ડર કેસ અંગે માવસરી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના ઉપરાંત ભરૂચના બે એટીએમ ચોરીના ગુના મળી કુલ ત્રણ ગુનામાં વોન્‍ટેડ હતા. જયારે નંદુરબાર એટીએમ ચોરીમાં સંડોવણી ખુલી છે. બનાસકાંઠામાં સોપારી લઇ મર્ડર કર્યુ તેમાં તેને પૈસા મળ્‍યા નહોતાં. હાલમાં બંને કામધંધો-મજૂરી શોધવા માટે રાજકોટ તરફ આવ્‍યા હતાં. ધમાએ અગાઉ તેની બહેનની છેડતી કરનાર મુસ્‍લિમ શખ્‍સનું મર્ડર કર્યુ હોઇ જેના કારણે હુમલાનો ભય હોવાથી હથીયાર સાથે રાખતો હોવાનું રટણ કર્યુ હતું.  આરોપી ધર્મેશ સામે લીંબડી ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં ખુનનો ગુનો નોંધાયો છે. જયારે બીજા આરોપી સમાધાન ઉર્ફે અધિકાર સામે મહારાષ્‍ટ્ર અને ગુજરાતમાં હત્‍યા, હત્‍યાની કોશિષ, પ્રોહિબીશન સહિતના પાંચ ગુના નોંધાયેલા છે.

બંને આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્‍તોલ મળી આવતા તે અંગે ક્રાઈમ બ્રાંચે આર્મ્‍સ એકટ હેઠળ ગુનો દાખલ કરી પિસ્‍તોલ કોની પાસેથી લીધી? તેની તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. રામશીભાઇ કાળોતરા, તુલસીભાઇ ચુડાસમા, રમેશભાઇ માલકીયા, સંજયભાઇ ખાખરીયાએ કરી હતી. (૧૪.૭)

(3:36 PM IST)