<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રે કુદરત...ગોંડલના રીબ ગામેથી રાજકોટ સગપણ માટે આવેલા ૨૯ વર્ષના પ્રદિપનું ઢળી પડતાં મોત

રૈયા રોડ અમૃત પાર્કમાં બનાવઃ યુવાન અને કન્યાના ભાઇ સહિતના પાનની દૂકાને ઉભા રહ્યા અને સોડાનો ઓર્ડર આપ્યો ત્યાં જ હૃદયરોગનો હુમલો આવ્યોઃ મૃત્યુ પામનાર યુવાન પરિવારનો એકનો એક પુત્રઃ લીલા-પટેલ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ રોજબરોજ બની રહી છે. વયોવૃધ્ધ, પ્રોૈઢ અને આધેડ વયના લોકોની સાથે સાથે યુવાનોના હૃદય પણ બંધ પડી જતાં મૃત્યુ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. એક અરેરાટીભરી ઘટનામાં ગોંડલના રીબ ગામેથી રાજકોટ સગપણ નક્કી કરવા આવેલા યુવાનનું પાનની દૂકાને સોડા પીવા ઉભો રહ્યો ત્યારે એકાએક હૃદય બંધ પડી જતાં મોત નિપજતાં પરિવારોની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ રીબ ગામે રહેતો પ્રદિપભાઇ ગીરધરભાઇ લીલા (ઉ.વ.૨૯) ગઇકાલે રાજકોટ રૈયા રોડ પર અમૃત પાર્કમાં પટેલ પાન નામની દૂકાન પાસે એકાએક બેભાન થઇ ઢળી પડતાં રિક્ષા મારફત નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ મારફત જાણ થતાં યુનિવર્સિટીના એએસઆઇ જયસિંહ ઝાલા અને કિર્તેનભાઇએ જરૃરી કાર્યવાહી કરી હતી.

તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનાર પ્રદિપભાઇ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને ખેતી કરવા સાથે વેપાર કરતો હતો. તેના પ્રથમ લગ્ન બાદ છુટુ થઇ ગયું હતું. રાજકોટ અમૃતપાર્કમાં રહેતાં પરિવારની દિકરી સાથે સગપણ નક્કી કરવાનું હોઇ ગઇકાલે પ્રદિપભાઇ અને તેમના પરિવારજનો રાજકોટ અમૃત પાર્કમાં આવ્યા હતાં. અહિ સગપણની વાત પણ નક્કી થઇ ગઇ હતી.  એ પછી આ યુવાન પ્રદિપભાઇ, કન્યાના ભાઇ સહિતના લોકો ઘર નજીક પટેલ પાન નામની દૂકાને સોડા પીવા ગયા હતાં.

અહિ સોડાનો ઓર્ડર અપાયો ત્યાં જ એકાએક પ્રદિપભાઇને છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં ઢળી પડતાં દેકારો મચી ગયો હતો. તુરત જ રિક્ષા મારફત નજીકમાં જ આવેલી સેલસ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જણાવતાં પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડતાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર થયું હતું. (૧૪.૭)

(11:13 AM IST)