<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

કાળઝાળ ગરમીઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ ડીમાન્‍ડ ૮પ૦૦ મેગાવોટને વટાવી ગઇઃ હજુ વધશે

પંખા-કુલર-એસી પુર જોશમાં ચાલુઃ મે મહિનામાં વીજ માંગ ૯ હજાર મેગાવોટને વટાવી જશે

રાજકોટ, તા. ૧૦: રાજકોટ સૌરાષ્‍ટ્રમાં ચાલી રહેલા હીટવેવના પગલે સૌરાષ્‍ટ્રની વીજમાંગ ૮પ૦૦ મેગાવોટને પાર થઇ છે. પીજીવીસીએલના વીજળીની માંગ નોંધાતા સેન્‍ટરમાં છેલ્લા ૧૦ થી ૧પ દિવસ દરમિયાન જ સૌરાષ્‍ટ્રમાં વીજળીની ડિમાન્‍ડ ૮પ૦૦  મેગાવોટને પાર થઇ ગઇ છે.

અગાઉ જાન્‍યુઆરી અને ફેબ્રુઆરીમાં જાયરે જયારે ઠંડીનો માહોલ હતો ત્‍યારે સૌરાષ્‍ટ્રમાં વીજળીની ડિમાન્‍ડ આશરે પ થી ૬ હજાર મેગાવોટ જેટલી રહેતી હતી. પરંતુ  જેમ જેમ તાપમાનનો પારો ઉંચે જતો ગયો તેમ તેમ વીજળીની ખપત વધવા લાગી છે. લોકોના ઘરમાં એ.સી., કુલર, પંખા, રેફ્રિજરેટર સહિતના ઉપકરણોનો વપરાશ પણ વધ્‍યો છે જેની સીધી અસર વીજળીની માંગ ઉપર પડી છે.

ગરમીના કારણે બપોર બાદ લોકોના પંખા, કુલર અને એસી પુરજોશમાં ચાલી રહયા છે. પીજીવીસીએલના સુત્રોનું કહેવુ છે કે, ઉનાળાનું જોર વધ્‍યું છે અને તેના કારણે આગામી દિવસોમાં વીજમાંગ હજી પણ વધી શકે છે. વીજકંપનીના અંદાજ અનુસાર મેં મહિનાના અંત સુધીમાં સૌરાષ્‍ટ્રની વીજ માંગ હજુ વધે તેવી શકયતા છે જેને ધ્‍યાનમાં રાખીને વીજમાંગને પહોંચી વળવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહયુ છે.

(2:56 PM IST)