News of Monday, 10th March 2025
છાત્રાનો કારચાલક શખ્સે પીછો કરી ઇન્સ્ટાગ્રામ આઇડી, ફોન નંબર માંગ્યા : પોલીસે સકંજામાં લીધો
કેકેવી ચોકથી કોટેચા ચોક તરફ જતી વખતે બનાવઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો : આંબેડકરગનરના નિર્મેશ મકવાણા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસની કાર્યવાહીઃ છાત્રા તેની બહેનપણી સાથે નાસ્તો કરીને ઘરે જતી હતી ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૦: શહેરના કાલાવડ રોડ કેકેવી હોલથી કોટેચા ચોક તરફ ટુવ્હીલર પર બહેનપણીને બેસાડીને આવી રહેલી કોલેજીયન છાત્રાનો એક કારચાલકે પીછો કરી રસ્તામાં કાર સાથે સાથે ચલાવી આ છાત્રા પાસે ઇન્સ્ટાગ્રામ આઇડી અને ફોન નંબર માંગી હેરાન કરતાં પોલીસને જાણ કરવામાં આવતાં ગુનો નોંધી આ શખ્સને સકંજામાં લેવાયો છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે શહેરમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની છાત્રાની ફરિયાદ પરથી આંબેડકરનગર-૧૬માં રહેતાં નિર્મેશ પોપટભાઇ મકવાણા વિરૂધ્ધ બીએનએસની કલમ-૭૮ મુજબ છાત્રાનો કારથી પીછો કરી તેણીના ટુવ્હીલરની સાથે સાથે ચલાવી ઇન્સ્ટાગ્રામ આઇડી માંગી તેમજ ફોન નંબર માંગી છેડતી હેરાન કરવાનો ગુનો નોંધ્યો છે.
છાત્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને અભ્યાસ કરુ છું. મારી પાસે એક ટુવ્હીલર છે. રવિવારે રાતે દસેક વાગ્યે હું અને મારી બહેનપણી ટુવ્હીલર લઇને મારા કાકા સાથે નાસ્તો કરવા કેકેવી હોલ પાસે ગઇ હતી. ત્યાંથી રાતે સાડા અગિયારેક વાગ્યે નાસ્તો કરીને પાછા ઘરે આવતાં હતાં ત્યારે મારા કાકા આગળ હતાં અને હું તથા મારી બહેનપણી પાછળ મારા વાહનમાં હતાં. અમે કાલાવડ રોડ કેકેવી હોલ પાસે પહોંચતા વાળદી રંગની જીજે૦૩એનબી-૬૪૯૪ નંબરની કાર અમારી નજીક આવી હતી અને તેના ચાલકે અમારા ટુવ્હીલરની પાછળ પાછળ કાર હ઼કારી હતી. પછી થોડે આગળ જઇ તેણે કાર અમારા વાહનની સાથે ચલાવવાનું ચાલુ કર્યુ હતું. ત્યારબાદ એ કાર ચાલકે મને ‘તમારુ ઇન્સ્ટાગ્રામ આઇડી આપો, તમારો ફોન નંબર આપો' તેમ કહેતાં હું કંઇ બોલી નહોતી.
આ પછી હું નિર્મલા રોડ તરફ વળાંક લઇ આગળ વધી ત્યાં સુધી કારચાલક મારી પાછળ પાછળ આવ્યો હતો. ત્યાંથી તે ભાગી ગયો હતો. બાદમાં મેં મારા કાકાને વાત કરી હતી. એ પછી રાતે અયોધ્યા ચોક ખાતે ચાયવાલા કાફે ખાતે ચા પીવા ગયા ત્યારે ત્યાં પણ કારચાલક તેની કાર સાથે ઉભો હોઇ મેં મારા કાકાને ફોન કરી બોલાવતાં મારા કાકા ત્યાં આવ્યા હતાં. ત્યારે તેને મારા કાકો પુછતાછ કરતાં તે જવાબ આપતો ન હોઇ પોલીસને ફોન કરતાં પોલીસ આવી હતી અને અમને પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. આ કારચાલકને પોલીસે પુછતાં તેણે પોતાનું નામ નિર્મેશ પોપટપભાઇ મકવાણા (ઉ.વ.૨૩-રહે. આંબેડકરનગર-૧૬) જણાવ્યું હતું.
છાત્રાએ આગળ કહ્યું હતું કે હું અને મારી બહેનપણી નાસ્તો કરીને આવતી હતી ત્યારે આ શખ્સે કારથી પીછો કરી મારી પાસે ઇન્સ્ટા આઇડી અને ફોન નંબર માંગી પીછો કર્યો હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધી આરોપીની ધરપકડકની તજવીજ કરી હતી.
(3:21 PM IST)










