<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજકોટના મયુરભાઇ મોવલીયા અને ભાગીદાર પર અરડોઇની પેપર મીલમાં હુમલોઃ ટોળકીનો આતંક

પેપર મીલ માટે સરપંચ પાસેથી પાણીનું ટેન્‍કર મંગાવતાં હોઇ તે રામકુ સહિતને ન ગમતાં ધારીયા-ધોકા સાથે ધસી આવી ધમાલ મચાવી મયુરભાઇને આંગળીમાં ફ્રેકચર, ખભો ખડી ગયોઃ ભાગીદાર રશ્‍મીનભાઇને ઇજાઃ જતાં જતાં વાહનમાં પણ ધારીયાના ઘા મારી નુકસાન કર્યુઃ કોટડા સાંગાણી પોલીસે રામકુ, મજબુત, યુવરાજ, બે અજાણયા વિરૂધ્‍ધ ગુનો નોંધવા તજવીજ આદરી

રાજકોટ તા. ૧૧: રાજકોટ મવડી વિશ્વનગરમાં રહેતાં અને કોટડા સાંગાણીના અરડોઇ ગામે ભાગીદારીમાં પેપર મીલ ચલાવતાં યુવાન અને તેના ભાગીદાર પર અરડોઇના શખ્‍સોએ કારમાં આવી મીલમાં ઘુસી ધારીયા, ધોકાથી હુમલો કરી પેપરમીલના સંચાલકનો ખભો ખેડવી નાંખી તેમજ હાથની આંગળી ભાંગી નાંખી ભાગીદારને પણ માર મારી તને તો રીબડા ચોકડીએ જ પતાવી દેવાનો હતો, તને ભડાકે દેવાો છે કહી ધમકી આપી જતાં જતાં બહાર પાર્ક કરેલા વાહનમાં પણ ધારીયાના ઘા મારી નુકસાન કરી આતંક મચાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં ગોંડલના ચરખડીના વતની અને હાલ રાજકોટ વિશ્વનરગ-૪ પટેલ બોર્ડિંગ પાસે રહેતાં મયુરભાઇ વિઠ્ઠલભાઇ મોવલીયા (ઉ.વ.૪૪) હુમલામાં ઇજા થતાં ગોંડલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે. તેણે કોટડા સાંગાણી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને અરડોઇ ગામની સીમમાં જય સોમનાથ પેપર મીલ ચલાવી વેપાર કરુ છું. તા. ૧૦ના સવારથી હું તથા મારા ભાગીદાર બકુલભાઇ વારડીયા તથા ગિરીશભાઇ કથીરીયા એમ બધા અમારી જય સોમનાથ પેપર મીલ ખાતે ઓફિસમાં હતાં. આ વખતે પોણા બે વાગ્‍યા આસપાસ અરોડો ગામના રામકુ બાવકુભાઇ માંજરીયા, તેની સાથે યુવરાજ, મજબુત અને બે અજાણ્‍યા એક સ્‍વીફટ કાર જીજે૦૩એનકે-૮૧૮૭ લઇને આવ્‍યા હતાં. ગાડી મારી સોમનાથ મીલ પાસે ઉભી રાખી રામકુભાઇએ ધારીયુ કાઢયું હતું. એ પછી મજબુતે પણ ધારીયુ કાઢયું હતું.

બાદમાં યુવરાજ, બે અજાણ્‍યા પણ ઉતર્યા હતાં. આ બધાએ મીલ અંદર આવી ઝઘડો કરતાં મેં તથા બકુલભાઇ સહિતે તેને ઓફિસની સીડી પાસે રોકીને ઝઘડો નહિ કરવા સમજતાં રામકુભાઇએ અમારા ભાગીદાર રશ્‍મીનભાઇ બકુલભાઇ વીરડીયા (ઉ.વ.૨૯)ને જમણા હાથે ધારીયુ મારી દીધુ હતું. હું વચ્‍ચે પડતાં મને પણ ડાબા હાથે ધારીયાનો ઘા મારી દીધો હતો. યુવરાજ અને મજબુતે તથા  બે અજાણ્‍યા શખ્‍સે ધોકાથી માર માર્યો હતો. આ બધા કહેવા માંડયા હતાં કે આજે તો આને ચારણી કરી દેવો છે, તને મારી નાખવો છે, ભડાકે દેવો છે.

આ ઉપરાંત એવુ પણ કહેલું કે રીબડા ચોકડીએ અમે રાહ જોઇને ઉભા હતાં, તને ત્‍યાં જ મારી નાખવો હતો. આ દરમિયાન  મીલના માણસો ભેગા થઇ જતાં રામકુભાઇ સહિતના જતાં રહ્યા હતાં. મને અમારી મીલના ભાગીદાર રશ્‍મીનભાઇને ઇજા થઇ હોઇ મારો ડ્રાઇવર અમને સારવાર માટે ગોંડલ લઇ ગયો હતો. મને ડાબા હાથની ટચલી આંગળીમાં ફ્રેકચર થયાનું ડોક્‍ટરે નિદાન કર્યુ હતું. તેમજ ધોકો ખભામાં લાગતાં હાથ ખભેથી ખડી ગયો હતો. રશ્‍મ્‍ીનને પણ જમણા હાથે ઇજા થઇ હતી.

આ માથાકુટનું કારણ એવુ છે કે અમારી પેપર મીલમાં અમારે પાણીની જરૂર ઉભી થાય ત્‍યારે અરડોઇના સરપંચ અને અમારા સગા એવા નરસીભાઇ ખોડાભાઇ ગજેરા પાસેથી પાણીના ટેન્‍કર મંગાવીએ છીએ. હવે રામકુભાઇએ ટેન્‍કર લીધું હોઇ તેણે આ બાબતનો ખાર રાખી સરપંચનું નહિ અમારુ જ ટેન્‍કર મંગાવવાનું તેમ કહી માથાકુટ કરી પેપર મીલમાં ઘુસી આતંક મચાવ્‍યો હતો. મયુરભાઇ મોવલીયાએ વધુમાં આક્ષેપો સાથે કહ્યું હતું કે આ રીતે આ લોકો સતત વર્ષોથી અમને હેરાન પરેશાન કરે છે. આ વખતે મીલમાં ઘુસીને આતંક મચાવાયો છે. પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરી અમને ન્‍યાય અપાવે તે જરૂરી છે.

(3:06 PM IST)