હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટને નચિકેત એવોર્ડ પૂ. મોરારીબાપુના હસ્તે અર્પણ થશે
ર૩ માર્ચે રાજકોટમાં યોજાનાર સમારોહમાં લેખક-પત્રકાર નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં

રાજકોટઃ જાણીતા પત્રકાર, લેખક, ચિંતક અને વકતા નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન કરનારને નચિકેત એવોર્ડ અપાય છે. આ વર્ષે આ એવોર્ડ વરિષ્ઠ પત્રકાર, લેખક અને સંદેશની સુરત આવૃત્તિનાં નિવાસી તંત્રી શ્રી કૃષ્ણકાંત ઉનડકટને અપાશે. રાજકોટમાં તા. ર૩ માર્ચના સાંજે સાડા પાંચ વાગ્યે ધોળકિયા સ્કુલનાં હોલમાં શ્રી મોરારીબાપુનાં હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે તેમનાં ત્રણ પુસ્તકોનું વિમોચન પણ થશે.
જુનાગઢમાં જન્મેલા કૃષ્ણકાંત ઉનડકટે પિતાએ શરૂ કરેલા અખબાર 'શરૂઆત' થી કારકિર્દીનો પ્રારંભ કરેલો અને એ પછી 'જનસત્તા' થી વ્યવસાયિક કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં 'ચિત્રલેખા','ગુજરાત સમાચાર', 'દિવ્યભાસ્કર', 'અભિયાન', 'સમકાલીન' વિગેરે અખબારોમાં કામ કર્યું અને આજે 'સંદેશ'ની સુરત આવૃત્તિના નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
પત્રકાર તરીકે એમણે અનેક એકસકલુઝીવ સ્ટોરી કરી હતી અને લેખક તરીકે પણ નામના મેળવી છે. એમની કટાર 'ચિંતનની પળે' એ એમને ખ્યાતી અપાવી છે અને એના અનેક પુસ્તકો થયા છે. જે બેસ્ટસેલર પણ બન્યા છે. 'સંદેશ'ની બુધ પૂર્તિમાં તેઓ 'દૂરબીન' કોલમ લખે છે અને કરંટ અફેર્સ પર રોજ 'એકસ્ટ્રા કોમેન્ટ' નામે કોલમ લખે છે એ પણ બહુ વંચાય છે. એમના અત્યાર સુધીમાં ર૮ પુસ્તકો થઇ ચુકયા છે.
નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિનાં સભ્યો તરીકે વરિષ્ઠ પત્રકાર શ્રી ભરતભાઇ ઘેલાણી અને શ્રી જયંતીભાઇ ચાંદ્રા સેવા આપી રહ્યા છે. તેમ નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિની યાદીમાં જણાવાયું છે.










