News of Tuesday, 11th March 2025
મને રોકાય જ કેમ, હું સદરનો ડોન સમીર...લોધાવાડ ચોકમાં ટ્રાફિક પોલીસમેનને ગાળો દઇ ખૂનની ધમકી
સાઇડ બંધ થઇ ગઇ છતાં નંબર વગરનું ટુવ્હીલર ભગાવતો હોઇ અટકાવતાં ઉશ્કેરાઇ ગયો વરદી ઉતરાવી નાંખીશ કહી દેકારો મચાવી ઝપાઝપી કરીઃ એ-ડિવીઝન પોલીસે કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ રાણાની ફરિયાદ પરથી હરિહર ચોકના સમીર બ્લોચ સામે ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૮: શહેરમાં અવાર-નવાર વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકુટ થતી રહે છે. વધુ એક વખત આવો ડખ્ખો થયો છે. જેમાં લોધાવાડ ચોકમાં ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે સાઇડ બંધ હોવા છતાં નંબર વગરના ટુવ્હીલરને હંકારીને ભાગી રહેલા શખ્સને અટકાવતાં તેણે ‘હું સદર બજારનો ડોન સમીર બ્લોચ છું, મને તારાથી રોકાય જ કેમ, હું તારી વરદી ઉતરાવી નાંખીશ, તને મારી નાંખીશ' કહી જાહેરમાં ધમાલ મચાવી ગાળો દઇ ઝપાઝપી કરતાં ટોળા ભેગા થઇ ગયા હતાં. આ શખ્સને પકડી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવતાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પોલીસ હેડક્વાર્ટરમા વિશ્રામ ગૃહમાં રહેતાં અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં કોન્સ. ઋતુરાજસિંહ ખુમાનસિંહ રાણા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી સદર બજારના સમીર બ્લોચ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કરી વરદી ઉતરાવી નાખવાની ધમકી આપી હુમલો અને ઝપાઝપી કરવાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો.
ઋતુરાજસિંહ રાણાએ જણાવ્યું છે કે હું ટ્રાફિક શાખામાં પાંચેક મહિનાથી નોકરી કરુ છું. બપોરે ત્રણથી રાતના અગિયાર સુધી મારી ફરજ ભુતખાના ચોક પાલજી સોડા નામની દુકાન પાસે હતી. મારી સાથે ટીઆરબી બ્રિગેડ ગણેશા અશ્વીન, મૈયડ પ્રસાદ પણ હતાં. સાંજે સાડા સાતેક વાગ્યે અમે ટ્રાફિક ક્લીયર કરાવતાં હતાં ત્યારે લોધાવાડ ચોક તરફની સાઇડ બંધ કરાવી બીજી સાઇડનું ટ્રાફિક ક્લીયર કરાવતા હતાં ત્યારે નંબર પ્લેટ વગરના એક્સેસ ટુવ્હીલર પર એક શખ્સ આવ્યો હતો. સાઇડ બંધ હોવા છતાં તે ત્યાંથી આગળ જતો હોઇ જેથી મેં તેને ઉભો રાખી તમારી સાઇડ બંધ છે છતાં કેમ વાહન ચલાવીને જાવ છો? તેમ પુછતાં તેણે ઉશ્કેરાઇને ‘હું સદર બજારનો ડોન છું અને મારું નામ સમીર બ્લોચ છે, બધી પોલીસ મારા હાથમાં છે, તું હજી મને ઓળખતો નથી, તારાથી મારી ગાડી રોકાય જ કેમ?' કહી જોઇ લેવાની ધમકી આપી હતી.
આ પછી સમીર બ્લોચ પોતાનું વાહન બીજા વાહનો સાથે ભટકાય એ રીતે હંકારી ભાગવા માંડતાં તેને અમે ઉભો રાખતાં અભદ્ર ભાષામાં ગાળો બોલવા માંડયો હતો. તેને શાંતિ રાખવાનું કહેતાં તે વધુ ઉશ્કેરાઇને કહેવા લાગેલો કે હું તને મારી નાખીશ, તારે જે કરવું હોય તે કરી લે, હું તારી વર્દી ઉતરવાની નાંખીશ. તેમ કહી તે મારી સાથે જાહેર રોડ પર ઝપાઝપી કરવા માંડયો હતો. બાદમાં મેં કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ગાડી મંગાવી હતી. પીસીઆર આવતાં સમીર બ્લોચને લઇ એ-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણાએ ગુનો નોંધી સમીર કાસમભાઇ બ્લોચ (ઉ.વ.૩૨-રહે. સદર બજાર હરીહર ચોક)ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવા તજવીજ કરી હતી. ઝડપાયેલો શખ્સ છુટક મજૂરી કરે છે.
(3:09 PM IST)










