<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

માધાપર ચોકનું એસટી બસ સ્‍ટેશન પુનઃ શરૂ કરો : મુસાફર હિતરક્ષક સમિતિ

જો સમયસર યોગ્‍ય ન થાય તો ધરણા - ઘંટારવ સાથે આંદોલનની ચીમકી

રાજકોટ તા. ૧૧ : ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જયંતિભાઈ હિરપરા, ગોપાલભાઈ મોરવાડિયા, એસ. પી રાજાણી, જીગ્નેશભાઈ પાટડીયાની સંયુક્‍ત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ વિભાગના જામનગર રોડ પરના ૧૫૦ ફુટ રીંગ રોડના માધાપર ચોક એસ.ટી બસ સ્‍ટેશન મુસાફરોના હિતમાં પુનઃ ચાલુ કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

થોડા સમય પહેલા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત લાખોના ખર્ચે બનાવેલ આ બસ સ્‍ટેશનની સાઈટ વિઝીટ કરતા યુરીનલોમાં દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. જે પગલે સમિતિ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને પણ લેખિત ફરિયાદ કરી હતી. એક પણ બસની અહીં અવરજવર ન હોવાથી બસ સ્‍ટેશન ભેંકાર ભાસતુ હતુ. જેનો ઉપયોગ અસામાજીક તત્‍વો કરી રહ્યા છે.

આ અંગે એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા મુખ્‍ય પરિવહન અને વાણિજ્‍ય વ્‍યવસ્‍થાપક શ્રી, ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમની વડી કચેરી, અમદાવાદ ખાતે અને રાજકોટના વિભાગીય નિયામકને આ એસ.ટી બસ સ્‍ટેશન પુનઃ શરૂ કરવા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જેની નકલો ધારાસભ્‍ય અને સંસદ સભ્‍યને પણ પહોંચતી કરાઇ છે.

હાલ ઉનાળાના દિવસો છે. આગામી દિવસોમાં ગરમી ભુક્કા બોલાવવાની છે. ત્‍યારે માધાપર ચોકડીએ હાલ જે સ્‍થળે બસો ઉભી રહે છે, ત્‍યાં કોઈ જાતની મુસાફરો માટે સગવડતા છે નહીં. છાયડાની વ્‍યવસ્‍થા નથી, બેઠક વ્‍યવસ્‍થા પણ નથી. યુરીનલ નથી. પીવાનું પાણી નથી. બસોનું સમયપત્રક નથી. પ્રાઇવેટ પેસેન્‍જર વાહનોનો ત્રાસ છે.

જેથી તાત્‍કાલિક ધોરણે એસ.ટી બસ સ્‍ટેશન માધાપર ચોક શરૂ કરવા જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્‍યમંત્રી સ્‍વાગત કાર્યક્રમમાં હજારો મુસાફરોના હિતોને ધ્‍યાનમાં રાખીને ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યોએ ફરિયાદ કરી છે.

નિંભર તંત્ર વાહકોને દસ દિવસનું અલ્‍ટીમેટમ છે. આ માંગ સમયસર નહીં સ્‍વીકારવામાં આવે તો અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને  સાથે રાખીને ધરણા, ઘંટારવ, ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા અંતમાં  ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬) દ્વારા ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

(3:13 PM IST)