<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

જિલ્લા પંચાયતનું બજેટ કારોબારીમાં મંજુરઃ સભ્‍ય દિઠ ગ્રાન્‍ટ વધારીને ત્રીસ-ત્રીસ લાખ

સ્‍વભંડોળના ર૧.૯૩ કરોડ સહિત કુલ ૧૧૧૩.પ૭ કરોડની જોગવાઇ વૈકલ્‍પિક જગ્‍યાએ મરામત માટે ૮ લાખ ફાળવાયાઃ શિક્ષણ, આરોગ્‍ય ક્ષેત્રે મોટી જોગવાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક અધ્‍યક્ષ પી. જી. કયાડાની અધ્‍યક્ષતામાં મળેલ જેમાં પ્રમુખ પ્રવીણાબેન સંજયભાઇ રંગાણી, જિલ્લા વિકાશ અધિકારી અનદુ સુરેશ ગોવિંદ, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ ઇલાબેન ગોહિલ, પ્રિયંક ગલચર અને જય ગોસ્‍વામી તથા કારોબારી સભ્‍યો અને વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે સવારે અધ્‍યક્ષ પી. જી. કયાડાની અધ્‍યક્ષતામાં ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં મળેલ જેમાં કુલ ૧૧૧૩.પ૭ કરોડના બજેટને બહાલી આપવામાં આવેલ. બજેટ હવે તા. ર૪મીએ સામાન્‍ય સભામાં રજુ થશે. અધ્‍યક્ષસ્‍થાનેથી બાંધકામને લગતી મંજુરીના પાંચ ઠરાવ કરવામાં આવ્‍યા હતા. હાલ પંચાયત કચેરી વચગાળાની વ્‍યવસ્‍થામાં જયાં બેસે છે ત્‍યાં પાણી લીકેજ (કોર્ટ બિલ્‍ડીંગ) સમસ્‍યા નિવારવા ૮ લાખની જોગવાઇ કરવામાં આવી છે.  પંચાયતના સભ્‍ય દિઠ સ્‍વભંડોળની ગ્રાન્‍ટ ચાલુ વર્ષે રૂા. રર-રર લાખ ફાળવવામાં આવેલ આગામી ચૂંટણીને ધ્‍યાને રાખીને સભા દિઠ રૂપિયા ૩૦ લાખ ગ્રાન્‍ટ ફાળવવાની આર્થિક વ્‍યવસ્‍થા નવી ગ્રાન્‍ટમાં કરવામાં આવી છે. કારોબારી અધ્‍યક્ષ પી. જી. કયાડાએ જણાવેલ કે રાજકોટ જિલ્લા પંચાયતના સને ર૦ર૪-રપના સુધારેલ અંદાજપત્રમાં કુલ રૂ. ૯પ૮.૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્‍વભંડોળ અંતર્ગત કુલ રૂ. ર૧.૯૩ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા પંચાયતનું સને ર૦રપ-ર૬ના અંદાજપત્રમાં કુલ રૂ. ૧૦૯૧-૬૪ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્‍વભંડોળ અંતર્ગત કુલ રૂ. રર કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

સને ર૦રપ-ર૬નાં અંદાજપત્રમાં સ્‍વભંડોળમાં (૧) વિકાસનાં કામો માટે ૧૦ કરોડ ૮૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. (ર) વિચરતી-વિમુકત જાતીના દિકરા-દિકરી માટે શિક્ષણ સહાય માટે ર૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. (૩) રાજકોટ જિલ્લાને કુપોષણ મુકત કરવાના અભિયાનના ભાગરૂપે ICDS વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુકત આહાર પુરો પાડવા માટે ૩ર લાખની જોગવાઇ કરવામાં આવે છે (૪) સગર્ભા માતાઓની ચકાસણી અને સારવાર અંગે તથા થેલેસેમીયા અને સિકલસેલ એનીમિયા સારવાર અંગે સહાય માટે ૧૦ લાખની જોગવાઇ. (પ) ઇન્‍ફન્‍ટ બેબી વોર્મર, સેલ કાઉન્‍ટર, ગ્‍લુકોમીટર, આરોગ્‍યલક્ષી સાધન સામગ્રી, સર્જીકલ સાધનો અને રીએજંન્‍ટ નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્‍પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેનાં જરૂરી સ્‍થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્‍ય આરોગ્‍ય લક્ષી પ્રવૃતિ માટે ૧૮ લાખની જોગવાઇ કરવામાં આવે છે (૬) જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્‍તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા પ્રતિ સૈનિકના પરીવારને રૂા. ર લાખ ચુકવવા ૧૦ લાખની જોગવાઇ છે.

(૭) જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના પંચાયત સેવાના વર્ગ-૩ તથા વર્ગ-૪ ના જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ સિવાયના (પ્રાથમિક શિક્ષકો અને કેળવણી નિરીક્ષક તથા શાળાઓ હસ્‍તકનો સ્‍ટાફ) કર્મચારીઓને ચાલુ નોકરી દરમ્‍યાન અવસાનના કિસ્‍સામાં નાણાકીય સહાય ચુકવવા પ્રતિ સ્‍વ. કર્મચારીના કુટુંબ દીઠ ૧ લાખ ચુકવવા ૧૦ લાખની જોગવાઇ તથા (૮) તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે ૩પ લાખની જોગવાઇ કરવામાં આવે છે. (૯) વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્‍ય કક્ષાના કામો માટે રપ લાખની જોગવાઇ કરવામાં આવે છે. (૧૦) પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો, આધુનિક ટેકનોલોજીના પ્રશિક્ષણ અંગેના કાર્યક્રમો માટે ૭ લાખની જોગવાઇ કરવામાં આવે છે. (૧૧) શ્રેષ્‍ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્‍પર્ધા માટે રર લાખની જોગવાઇ રાખવામાં આવેલ છે.

(4:10 PM IST)