<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજકોટમાં આજથી ત્રણ દિવસ આંતરરાષ્ટ્રીય વ્‍યાપાર મેળા એસવીયુમ ૨૦૨પનો આરંભ

સ્‍વામી પરમાત્‍માનંદજી તેમજ વિજયભાઈ રૂપાણીના હસ્‍તે વ્‍યાપાર મેળો ખુલ્લો મુકાયોઃ ૨૦થી વધુ દેશના ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીઃ કાલે ટુરીઝમ ચિંતન શિબીર

રાજકોટઃ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા એસવીયુએમ ૨૦૨૫ નો આજથી એન એસ આઇ સી ગ્રાઉન્‍ડ ખાતે પ્રારંભ થયો હતો. આર્ષ વિદ્યામંદિરના સ્‍વામી પરમાત્‍માનંદજી તેમજ રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે ખુલો મુકાયો હતો. ઉલેખનીય છે કે વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત ૧૧મી વાર આ વેપાર મેળો યોજાઈ રહ્યો છે  જે આજથી  ત્રણ દિવસ એટલે કે ૧૩ માર્ચ સુધી ચાલશે. ૨૦થી વધુ દેશના ૧૦૦ સૌથી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે   તેમજ ૨૫ હજારથી વધુ સ્‍થાનિક લોકો મુલાકાત લેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

રાજકોટના આજી વસાહત અમૂલ સર્કલ પાસે આવેલા એનએસઆઇસી ગ્રાઉન્‍ડ ખાતે આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો સવારે ૧૦થી સાંજે ૬ કલાક સુધી ચાલુ રહેશે. પ્રવેશ  વિનામૂલ્‍યે રાખવામાં આવ્‍યો છે. આ મેળામાં ૯૦થી વધુ કંપની ભાગ લઇ રહી છે. સૌથી મહત્ત્વનું સ્‍ટાર્ટઅપ અને મહિલા ઉદ્યમીને પણ સ્‍ટોલ ફાળવવામાં આવ્‍યા છે. જેમાં નાનામાં નાના ઉત્‍પાદક કે વેપારીઓ સરકારની સબસિડીના માધ્‍યમથી દેશ વિદેશનો વેપાર વિકસાવી શકશે.

આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં શ્રીલંકા, ઝિમ્‍બાબ્‍વે અને સાઉથ આફ્રિકાના ડેલિગેટ્‍સ જોડાશે. જેઓ એગ્રિકલ્‍ચર ઇક્‍વિપમેન્‍ટ, ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્‍જિન પાર્ટસ, બિલ્‍ડિંગ મટિરિયલ્‍સ, એન્‍જિનિયરિંગ એસેસરીઝ, હર્બલ પ્રોડક્‍ટ સહિતની ખરીદી કરશે. તેમજ ૧૪થી ૧૬ માર્ચ ૩ દિવસ રાજકોટની અલગ અલગ ફેક્‍ટરીની મુલાકાત લઇ ત્‍યાં બનતી પ્રોડક્‍ટની માહિતી મેળવશે. શ્રીલંકાનું ૧૫ સભ્‍યનું પ્રતિનિધિ મંડળ આ વેપાર મેળામાં જોડાઇ બિલ્‍ડિંગ મટિરિયલ્‍સને લગતી તમામ પ્રોડક્‍ટની માહિતી લેશે. આ ઉપરાંત ઝિમ્‍બાબ્‍વે સરકારના ૩૬ સભ્‍યનું પ્રતિનિધિ મંડળ જોડાઇ મહિલાઓ દ્વારા તૈયાર થતી વસ્‍તુઓ પર આયાત જકાત માફ કરશે.

લોકોને વધુ સમજણ મળે તે માટે  સેમિનાર, શિબિર અને ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. કાલે ટૂરિઝમ ચિંતન શિબિર અને ગુરૂવારે ખેડૂત સંમેલન યોજાશે જેમાં ઓર્ગેનિક, પ્રાકૃતિક અને ગૌ-આધારિત ખેતી ઉપર માર્ગદર્શન અપાશે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળા ને સફળ બનાવવા સંસ્‍થાના પરાગભાઈ તેજુરા સહિતના ટીમના  સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:01 PM IST)