<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

ગઇકાલે બપોરે ઘરેથી નીકળેલા અમિતની આજીડેમમાંથી લાશ મળીઃ હત્‍યાનો આક્ષેપ

મૃતકના ભાઇ વિક્કી મકવાણાએ કહ્યું-ગઇકાલે બપોરે મારા ભાઇને સુજલ અને વિશાલ ઉર્ફ ગેડરો લઇ ગયા'તાઃ મારે ગેડરા સાથે માથાકુટ ચાલતી હતીઃ વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ બધાએ મચ્‍છી ખાધી પછી શું થયું તે અંગે બંને અજાણ હોવાનું કહે છેઃ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૨: શહેરના નવા થોરાળા વિસ્‍તારના કુબલીયાપરામાં રહેતો બાવીસ વર્ષનો યુવાન ગઇકાલે બપોરે ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થતાં પરિવારજનોએ ઠેર ઠેર શોધખોળ આદરી હતી. દરમિયાન આજે તેની આજીડેમ નજીક ગોૈશાળા પાસે ડેમમાંથી લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આ યુવાન બે મિત્રો સાથે ગઇકાલે આ સ્‍થળે ગયો હતો અને ત્‍યાં મચ્‍છી ખાવા સહિતની મીજબાની માણી હતી. જો કે બાદમાં શું થયું? તે અંગે તેના મિત્રોએ અજાણ હોવાનું રટણ કર્યુ હતું. આ બનાવ હત્‍યાનો હોવાની શંકા મૃતકના ભાઇએ વ્‍યક્‍ત કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ વિઠ્ઠલવાવ ગોૈશાળા પાછળ આવેલા આજીડેમમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળતાં આજીડેમ પોલીસ મથકના હરપાલસિંહ સોલંકી સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન આ મૃતદેહ કુબલીયાપરા-૫માં રહેતાં અમિત રાજુભાઇ મકવાણા (ઉ.વ.૨૨)નો હોવાનું ખુલતાં તેના પરિવારજનો દોડી આવ્‍યા હતાં. મૃત્‍યુ પામનાર અમિત બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો તથા અપરિણીત હતો તેમજ તે છુટક મજૂરી કરતો હતો.

મૃતકના ભાઇ વિક્કી મકવાણાએ જણાવ્‍યું હતું કે મારો ભાઇ અમિત ગઇકાલે ઘરેથી નીકળ્‍યા બાદ મોડી રાત સુધી પાછો ન આવતાં અમે શોધખોળ ચાલુ કરી હતી. એ દરમિયાન મને ખબર પડી હતી કે મારો ભાઇ અમારા જ વિસ્‍તારના વિજય ઉર્ફ ગેડરો અને અને સુજલની સાથે ગયો હતો. આ બંને તેને વિઠ્ઠલવાવ ગોૈશાળા પાછળ આજીડેમ કાંઠે લઇ ગયા હતાં. જ્‍યાં બધાએ મચ્‍છી પકડીને ખાધી હતી. જો કે મેં ગેડરા અને સજુલને રાતે જ મારા ભાઇ વિશે પુછતાં બંનેએ પોતાને કંઇ ખબર ન હોવાના ગાણા ગાયા હતાં. બાદમાં એવુ રટણ કર્યુ હતું કે મચ્‍છી ખાધા બાદ બધા છુટા પડી ગયા હતાં પછી શું થયું તેની અમને ખબર નથી.

આ દરમિયાન આજે સવારે મારા ભાઇની ડેમમાંથી લાશ મળી હતી. વિક્કી મકવાણાએ કહ્યું હતું કે મારે અને ગેડરાને છ મહિના પહેલા માથાકુટ થઇ હોઇ મનદુઃખ હતું. કદાચ આ કારણે મારા ભાઇની હત્‍યા થઇ હોઇ તેવી શંકા છે. વિક્કીની આ શંકાને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખરેખર આ ત્રણેયે મચ્‍છીની કે બીજી કોઇ મીજબાની માણી હતી કે કેમ? જ્‍યાંથી લાશ મળી ત્‍યાં શું થયું હતું? અમિત કઇ રીતે ડુબી ગયો? નશાની હાલતમાં ન્‍હાવા પડતાં ડુબી ગયો કે પછી બીજુ કંઇ બન્‍યું? સહિતની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ બનાવને પગલે પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે. (૧૪.૧૦)

(2:51 PM IST)