<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

કાઉન્‍સીલર એપઃ આંગળીના ટેરવે મળશે ફરિયાદ-નિકાલની માહિતી

મનપાની ટેકનોલોજી ક્ષેત્રે વધુ એક સુવિધાઃ કચરો, ડ્રેનેજ, ખાડા, પાણીની તકલીફ સાથે લગ્ન નોંધાણી, મિલ્‍કત વેરા, જન્‍મ-મરણ સહિતના વિભાગોને પણ આવરી લેવાયા :નગરસેવકો પોતાના વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓ સીધી નોંધાવી શકશેઃ હલ થતા સંબંધીત કર્મચારી દ્વારા ફોટો પણ અપલોડ કરાશેઃ મ્‍યુ. કમિશનર તુષાર સુમેરાનું તંત્રને વધુ અદ્યતન બનાવવા પગલુ

રાજકોટ તા.૧૨: મનપા દ્વારા શહેરીજનોની સુવીધા વધારવાની સાથે ટેકનોલોજી સાથે તાલથી તાલ મીલાવવામાં આવે છે. જેના ભાગરૂપે મનપા દ્વારા કાઉન્‍સિલર મોબાઇલ એપ બનાવવામાં આવી છે. જેનું આજે સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે મ્‍યુ.કમિશનર તુષાર સુમેરા દ્વારા લોન્‍ચીંગ કરવામાં આવ્‍યું હતું.

આ એપ રાજકોટ શહેરનાં નગરસેવકોને તેમના વિસ્‍તારોના પ્રશ્નો બાબતે ફરીયાદ,તેમજ કોર્પોરેશન બાબતની અધ્‍યતન માહિતી મેળવવા માટેનું માધ્‍યમ એટલે બની રહેશે.

આ એપ દ્વારા નગરસેવકો  તેમના વિસ્‍તારની પ્રજાલક્ષી ફરીયાદો જેવી કે પડતર કચરો, ડ્રેનેજ ઉભરાવો, રસ્‍તામાં ખાડો, પાણીની લાઇનમાં લીકેજ વિગેરે જીઓ લોકેશન સાથે એપ મારફત નોંધાવી શકશે. ફરિયાદની વિગત સીધી સંબંધીત વોર્ડના જવાબદાર કર્મચારીને પહોંચશે.

ત્‍યારબાદ જવાબદાર કર્મચારી દ્વારા ફરીયાદનો નિકાલ કરીને તેની નોંધ એપમાં કરવામાં આવશે જેની જાણ આ એપ દ્વારા નગરસેવકોને થશે. ફરિયાદનો નિકાલ થયે નિકાલની નોંધ સાથે ફોટો પણ અપલોડ કરવાની સગવડતા આ એપમાં છે.

આ ઉપરાંત કોર્પોરેટરની તમામ ફરીયાદોની યાદી, તમામ અખબારી યાદી, કોર્પોરેશનની ભરતી સંબંધી તમામ જાહેરાતો, કોર્પોરેશનની ટેન્‍ડર સંબંધી તમામ જાહેરાતો, ટેલીફોન નંબરો માટે મીની ડાયરી પણ કાઉન્‍સીલર એપમાં ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત કોર્પોરેશનની વિવિધ સેવાઓને લગત ફોર્મસ જેવા કે લગ્ન નોંધણી, મિલ્‍કત વેરા નામ ટ્રાન્‍સફર, જન્‍મ મરણ, લાઇબ્રેરી, શોપ, ફાયર  વિગેરે પણ એપ ઉપર સરળતાથી મળી રહેશે.

આમ ફરિયાદ માટેનો કોલ સેન્‍ટર બાદ મનપા દ્વારા વધુ એક સુવિધા લોકો માટે ઉપલબ્‍ધ બનાવી છે.(૨.૩૧)

(4:10 PM IST)