<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

બે દિવસથી તાવ હતો, ચક્કર આવ્યા બાદ ઢળી પડ્યાઃ જયશ્રીબેન બદ્રકીયાનું મોત

પુનિતનગર કવાર્ટરના મહિલાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ અન્ય બનાવોમાં ચુનારાવાડના અનિલભાઇ અને અટિકાના પ્રકાશભાઇના બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૩ : તાવ અને ચક્કર બાદ બેભાન થઇ જતાં ગોંડલ રોડ વાવડી પુનિતનગર પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં મહિલા જયશ્રીબેન નિતીનભાઇ બદ્રકીયા (ઉ.વ.૪૦)નું મૃત્યુ થયું છે.

જાણવા મળ્યા મુજબ જયશ્રીબેન રાતે બારેક વાગ્યે બાથરૃમ ગયા ત્યારે એકાએક ચક્કર આવ્યા બાદ બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.  બે દિવસથી તાવ આવતો હોઇ રાતે એકાએક ચક્કર આવ્યા બાદ ઢળી પડ્યાનું સગાએ કહ્યું હતું. તેમના પતિ છુટક મજૂરી કરે છે. સંતાનમાંં એક પુત્ર છે. તાલુકા પોલીસ સ્ટેશનના કિરીટભાઇ રામાવતે જરૃરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ચુનારાવાડ-૮/૫ના ખુણે રહેતો અનિલભાઇ બચુભાઇ એન્દરીયા (ઉ.વ.૪૨) સાંજે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત થયું હતું. તે પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો અને છુટક મજૂરી કરતો હતો. સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. લાંબા સમયથી તે બિમાર હોવાનું સગાએ કહ્યું હતું.

ત્રીજા બનાવમાં અટીકા ફાટક નજીક ખોડિયાર ટ્રાન્સપોર્ટ પાસે ઝૂપડામાં રહેતો પ્રકાશ વિનુભાઇ સોલંકી (ઉ.વ.૩૫) કેન્સરને કારણે બિમાર રહેતો હોઇ સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. બકાલુ વેંચી ગુજરાન ચલાવતો હતો. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જે તે પોલીસ સ્ટેશનોમાં નોંધ કરાવી હતી. (૧૪.૫)

(3:02 PM IST)