<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ધુળેટી અને રમઝાનના જુમ્‍માનો દિવસ એકસાથેઃ ૧૬૮૦નો પોલીસ કાફલો જાળવશે બંદોબસ્‍ત : ડ્રોનની મદદ લેવાશે

તહેવારની શાંતિપુર્વક રીતે ઉજવણી થાય તે માટે ઉચ્‍ચ અધિકારીઓનો ખાસ એકશન પ્‍લાનઃ ડો. પાર્થરાજસિંહ ગોહિલ : તમામ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, ઇઓડબલ્‍યુ, પેરોલ ફરલોની ટીમો, વજ્ર-વરૂણ, સ્‍ટ્રાઇકીંગ ફોર્સ, પીસીઆર સતત પેટ્રોલીંગમાં રહેશેઃ ધરાર રંગ ઉડાડનારા, છેડતીબાજો સામે થશે કડક કાર્યવાહીઃ શી ટીમ, દુર્ગાશક્‍તિની ટીમો રાખશે નજર

શહેરમાં કુલ ૩૨ સંવેદનશીલ પોઇન્‍ટ પર ખાસ નજર રખાશેઃ ભક્‍તિનગર, થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળ સોૈથી વધુ આવા પોઇન્‍ટ

રાજકોટ તા. ૧૨: આજે હોળી અને આવતીકાલે ધુળેટી પર્વની શહેરમાં ઉત્‍સાહથી અને શાંતિથી ઉજવણી થાય એ માટે પોલીસ સજ્જ બની છે. કાલે રંગોનું પર્વ ધુળેટી ઉજવાશે તો સાથે સાથે રમઝાન મહિનાનો જુમ્‍માનો દિવસ પણ હોઇ પોલીસ વધુ સતર્ક બની છે. ખાસ એક્‍શન પ્‍લાન તૈયાર કરીને આજે તથા આવતીકાલે કોઇ અનઇચ્‍છનીય બનાવ ન બને તે માટે   ઉચ્‍ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ૧૬૮૦ પોલીસ જવાનોનો બંદોબસ્‍ત ગોઠવાયો છે. ડ્રોન કેમેરા ઉપરાંત વજ્ર-વરૂણ અને ક્‍યુઆરટી, સ્‍ટ્રાઇકીંગ ફોર્સ પણ સતત પેટ્રોલીંગ કરશે અને સંવેદનશીલ વિસ્‍તારોમાં ધાબા પોઇન્‍ટ પરથી પણ પોલીસ વોચ રાખશે.

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે આજે રાત્રે હોળી અને આવતીકાલે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી થવાની છે અને સાથે સાથે રમઝાન માસનાં કાલે જુમ્‍માના દિવસનું પણ ખાસ મહત્‍વ હોઇ ધુળેટી પર્વ અને જુમ્‍માની નમાઝ અંતર્ગત બંને સમાજના લોકો શાંતિ પુર્વક માહોલમાં ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસે ખાસ એક્‍શન પ્‍લાન સાથે બંદોબસ્‍ત ગોઠવણી કરી છે.  ઉચ્‍ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ તમામ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ અને તેમની ટીમો, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફરલો સ્‍ક્‍વોડ, ઇઓડબલ્‍યુની ટીમો ધુળેટીના દિવસે સતત પેટ્રોલિંગમાં રહેશે. આ ઉપરાંત વ્રજ-વરૂણ, કયુઆરટી સેલની ટીમ દ્વારા પણ સતત દરેક હિલચાલ પર નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્‍તારોમાં ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવશે તો ચોક્કસ ધાબા પોઇન્‍ટ પણ નક્કી કરવામાં આવ્‍યા છે.

ધુળેટી અને રમઝાનના જુમ્‍માનો દિવસ એકસાથે આવ્‍યો હોઇ પોલીસ સ્‍ટેશન વાઇઝ બંને સમાજના આગેવાનોની શાંતિ સમિતીની બેઠકો યોજી લઇ સમજણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ધુળેટી પર્વમાં જાહેરમાં રંગ ઉડાડનારા, છેડતી કરનારા કે આવારાગર્દી કરનારાઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે.  ધુળેટી પર્વ દરમિયાન યુવતીઓની છેડતીના બનાવોને અટકાવવા માટે દુર્ગા શક્‍તિ અને શી ટીમ સતત પેટ્રોલિંગમાં રહેશે. તહેવાર દરમિયાન સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્‍ય ફેલાવતા મેસેજ કરનાર પર નજર રાખવા માટે સાઇબર સેલની ટીમ સોશિયલ મીડિયા એક્‍ટિવિટી પર ઉપર પણ ખાસ નજર રાખશે.

ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે વધુમાં જણાવ્‍યું હતું કે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્‍તની કામગીરી કરવામાં આવશે. શહેરભરના અલગ અલગ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારોમાં કુલ ૩૨ સંવેદનશીલ પોઇન્‍ટ શોધી કઢાયા છે. આ વિસ્‍તારમાં વધારાનું પેટ્રોલીંગ સતત કરવામાં આવશે. એસઓજી દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે અને નજર રખાશે. સોૈથી વધુ સંવેદનશીલ પોઇન્‍ટ ભક્‍તિનગર અને થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના છે. ધુળેટીની ઉજવણી માટે કોઇ ખાસ કોમર્શિયલ આયોજનની મંજુરી લાયસન્‍સ બ્રાંચ પાસે મંગાઇ નથી. પરંતુ જે તે પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં આવા આયોજનો થયા હોય તો ત્‍યાં ખાસ પેટ્રોલીંગ રાખવા, પીસીઆરનું પેટ્રોલીંગ રાખવા સુચના અપાઇ છે. (૧૪.૯)

(3:18 PM IST)