<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

કણકોટના રવિની પારડીમાં છરીના ૯ ઘા ઝીંકી હત્‍યા

લોધીકાના પારડીના પૂલ પાસે રાતે હત્‍યા કરાયેલી લાશ મળતાં મકવાણા પરિવારમાં અરેરાટીઃ શાપર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : દોઢ મહિના પહેલા જ પૂજા નામની યુવતિ સાથે લવમેરેજ કર્યા હતાં: પૂજા ઉર્ફ પૂનમે પ્રથમ લગ્નમાં છુટાછેડા બાદ ઉપલેટાના શખ્‍સ સાથે મૈત્રીકરાર કર્યા હતાં: છેલ્લે રવિ સાથે લગ્ન કરીને રહેતી હતીઃ અગાઉ રવિને પૂજાના આ પુર્વ પ્રેમીએ ધમકી આપ્‍યાનો અને તેણે જ હત્‍યા કર્યાનો પરિવારજનોનો આક્ષેપ : રવિ બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ માતા-પિતા કાલાવડ રોડના કણકોટમાં રહે છેઃ પૂજા સાથે લવમેરેજ બાદ પંદર દિવસ પહેલા જેતપુર રહેવા ગયો હતોઃ બે ત્રણ દિવસથી પારડીમાં પૂજાના માવતરના ગામે બંને રૂમ રાખીને રહેતાં હતાં

તસ્‍વીરમાં રવિ મકવાણાનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને શોકમય માતા સહિતના સ્‍વજનો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૫: શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટના મુળ વતની અને દોઢ મહિના પહેલા જ લોધીકા તાબેના પારડી ગામની યુવતિ સાથે લવમેરેજ કરનારા ૨૮ વર્ષના યુવાનની રાતે પારડીના પૂલ પાસે છરીના ૯ ઘા ઝીંકી હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. શાપર પોલીસે તપાસ શરૂ કરી છે. આ યુવાને જેની સાથે લવમેરેજ કર્યા હતાં તે યુવતિના પુર્વ પ્રેમીએ હત્‍યા કર્યાની શંકા પરિવારજનોએ વ્‍યક્‍ત કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ કણકોટની એકલવ્‍ય સોસાયટી મફતીયાપરામાં રહેતો રવિ દિલીપભાઇ મકવાણા (ઉ.વ.૨૮) હાલમાં પારડી ગામે રૂમ રાખીને પત્‍નિ પૂજા ઉર્ફ પૂનમ સાથે રહેતો હતો. રાતે તેની લાશ પારડીના પૂલ પાસે પડી હોવાની જાણ થતાં શાપર પોલીસ મથકના પીએસઆઇ વી. જી. જેઠવા સહિતના સ્‍ટાફે દોડી જઇ તપાસ શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.

બનાવની જાણ થતાં હત્‍યાનો ભોગ બનનાર રવિના માતા હંસાબેન, પિતા દિલીપભાઇ હીરાભાઇ મકવાણા સહિતના પરિવારજનો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. પરિવારજનોએ કહ્યું હતું કે-રવિ બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો અને અગાઉ છુટક મજૂરી કરતો હતો. તેણે દોઢ મહિના પહેલા જ પારડીની પૂજા ઉર્ફ પૂનમ સાથે પ્રેમ થઇ જતાં બંનેએ લવમેરેજ કર્યા હતાં. એ પછી બંને થોડા દિવસ કણકોટ અમારી સાથે રહ્યા હતાં. બાદમાં જેતપુરમાં કારખાનામાં કામ મળ્‍યું હોઇ ત્‍યાં રૂમ રાખીને રહેવા જવાનું કહીને કણકોટથી જેતપુર રહેવા ગયા હતાં. જો કે ત્‍યાંથી બે ત્રણ દિવસ પહેલા જ બંને ફરી પારડી પૂજાના માવતરના ગામમાં રૂમ રાખીને રહેતાં હતાં.

ગત રાતે રવિને કોઇપણ રીતે બોલાવી જઇ કે દગાથી આંતરીને હત્‍યા કરી નાખવામાં આવી હતી. તેના શરીર પર અલગ અલગ જગ્‍યાએ તિક્ષ્ણ હથીયારના આઠથી નવ જેટલા ઘા છે. માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે રવિએ જેની સાથે લવમેરેજ કર્યા હતાં એ પૂજાના પ્રથમ લગ્ન અનીડાવાછડાના યુવાન સાથે થયા હતાં. પહેલા લગ્નથી તે એક સંતાની માતા બની હતી. એ પછી તેણીએ છુટાછેડા લીધા હતાં અને બાદમાં ઉપલેટાના આહિર શખ્‍સ સાથે મૈત્રીકરારથી રહેતી હતી. છેલ્લે અમારા દિકરા રવિ સાથે દોઢેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. આ વાત તેણીના પુર્વ પ્રેમી એવા ઉપલેટાના શખ્‍સને ગમતી ન હોઇ જેથી તેણે અગાઉ રવિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી અમને શંકા છે કે પૂજાના પુર્વ પ્રેમીએ જ આ હત્‍યા કરી છે. શાપર પોલીસે આ મામલે ગુનો નોંધવા અને આરોપી અંગે તપાસ કરવા તજવીજ હાથ ધરી છે. યુવાન દિકરાની હત્‍યાથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. (૧૪.૧૧)

(2:32 PM IST)