<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

બેડી યાર્ડ નજીક ખુંટીયો બાઇક સાથે અથડાતાં વૃંદાવન સોસાયટીના સુરેશભાઇ અજાણીનું મોત

રાજકોટથી ગવરીદળ વાડીએ જતી વખતે બનાવ બન્‍યો હતોઃ સારવારમાં ધુળેટીના દિવસ દમ તોડયોઃ મોરબી રોડ વૃંદાવન સોસાયટીના પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૪: રખડતા ઢોરને કારણે વાહન અકસ્‍માત, જીવલેણ અકસ્‍માતની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. વધુ એક બનાવમાં મોરબી રોડ પર બેડી યાર્ડ નજીક અચાનક રોડ પર ધસી આવેલો ખૂંટીયો બાઇક સાથે અથડાતાં બાઇકસવાર રાજકોટના મોરબી રોડ પર વૃંદાવન સોસાયટી-૨માં રહેતાં સુરેશભાઇ સવદાસભાઇ અજાણી (ઉ.વ.૬૯)નું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ વૃંદાવન સોસાયટીમાં રહેતાં સુરેશભાઇ અજાણી તા. ૧૭/૨ના રોજ સવારે સાડા છએક વાગ્‍યે ઘરેથી મોટરસાઇકલ હંકારીને ગવરીદળ ગામે પોતાની વાડીએ જવા રવાના થયા ત્‍યારે બેડી યાર્ડ અને મારવાડી કોલેજ વચ્‍ચે પહોંચતા અચાનક ખૂંટીયો દોડીને રોડ પર આવી ગયો હતો અને બાઇક સાથે અથડાઇ જતાં સુરેશભાઇ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. અલગ અલગ હોસ્‍પિટલમાં સારવાર બાદ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ધુળેટીના દિવસે સાંજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, ચંદ્રસિંહ સહિતે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સુરેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. મોભીના મૃત્‍યુથી અજાણી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. (૧૪.૧૭)

 

(11:39 AM IST)