<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

મેહુલનગરમાં જસુબેને મચ્‍છર ભગાડવા કોથળો સળગાવતાં દાઝી જતાં મોતઃ અંતિમવિધીમાં આવેલા આયદાનભાઇ સબાડનું હાર્ટએટેકથી મૃત્‍યુ

હોળીની સાંજે ઘટના, ધુળેટીની સવારે દમ તોડી દીધો હતોઃ મેટોડાથી અંતિમવિધીમાં હાજરી આપવા આવેલા વેવાઇ પક્ષના આયદાનભાઇ મૃતક જસુબેનના ઘર બહાર બેઠા ત્‍યાં જ ઢળી પડયાઃ પરિવારોમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: શહેરના મેહુલનગરમાં રહેતાં વૃધ્‍ધાનું હોળીની સાંજે દાઝી ગયા બાદ ધુળેટીની સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. અંતિમવિધીની બપોરે તૈયારી થઇ રહી હતી ત્‍યારે મેટોડાથી અંતિમવિધીમાં હાજરી આપવા આવેલા વેવાઇ પક્ષના સદસ્‍ય એવા પ્રોૈઢનું આ વૃધ્‍ધાના ઘર બહાર જ હૃદય રોગનો હુમલો આવી જતાં મોત નિપજતાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતાં જસુબેન લાખાભાઇ ડાવેરા (ઉ.વ.૮૦) નામના વૃધ્‍ધાએ હોળીની  સાંજે આઠેક વાગ્‍યે ઘરમાં મચ્‍છરો હોઇ તેને ભગાડવા માટે ધુમાડો કરવા કોથળો સળગાવતાં અચાનક મોટો ભડકો થતાં તે લપેટમાં આવી જતાં દાઝી ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ધુળેટીની સવારે તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર જસુબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી ડાવેરા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

બીજી તરફ પોસ્‍ટમોર્ટમ બાદ મૃતદેહને અંતિમવિધી માટે મેહુલનગરના નિવાસ્‍થાને લઇ જવાયો હતો. સગા સંબંધીઓ મોટી સંખ્‍યામાં અંતિમયાત્રામાં સામેલ થવા આવી પહોંચ્‍યા હતાં. જેમાં મેટોડા જીઆઇડીસી રીયલ હાઇટ્‍સ ગેઇટ-સી સામે રહેતાં મૃતક જસુબેનના વેવાઇ પક્ષમાં થતાં આયદાનભાઇ મૈસુરભાઇ સબાડ (ઉ.વ.૫૮) પણ મેટોડાથી રાજકોટ આવ્‍યા હતાં. તેઓ મૃતક જસુબેનના ઘરની બહાર બેઠા હતાં ત્‍યાં જ એકાએક ઢળી પડયા હતાં. તુરત જ બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મૃત્‍યુ પામનાર આયદાનભાઇ જેસીબી, હીટાચીનો વ્‍યવસાય કરતાં હતાં. તેઓ ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. આ ઘટનાઓને પગલે ડાવેરા અને સબાડ પરિવારોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. (૧૪.૧૦)

(11:58 AM IST)