News of Saturday, 15th March 2025
તસ્કરોએ હોળી-ધુળેટી ઉજવીઃ કરણપરામાં ડ્રેસના વેપારી જગદીશ જોગીના ઘરે ૩.૨૫ લાખની ચોરી
વેપારી સપરિવાર તહેવાર ઉજવવા મુળ વતન બગસરા ગયા ત્યારે રેઢા ફલેટના તાળા નકુચા તોડી હાથફેરોઃ ધંધાના, બાળકોની બચતના નાણા ગયાઃ એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધીઃ એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા નથી, આવવા જવાનો એક જ રસ્તો

રાજકોટ તા. ૧૫: કરણપરામાં રહેતાં અને આશાપુરા રોડ પર ડ્રેસની દુકાન ધરાવતાં મુળ બગસરાના વેપારી ધુળેટીનો તહેવાર મનાવવા પત્નિ, બાળકોને લઇ બગસરા માતા-પિતાને ત્યાં જતાં પાછળથી રેઢા પડેલા ફલેટમાં ચોર ત્રાટકી સવા ત્રણ લાખની રોકડ ચોરી ગયા હતાં. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મુળ બગસરાના વતની અને હાલ કરણપરા શેરી નં. ૨૬માં વિશાલ એપાર્ટમેન્ટ બીજા માળે ફલેટ નં. ૨૦૨માં રહેતાં જગદીશભાઇ રાજેન્દ્રભાઇ જોગી (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.
જગદીશભાઇ જોગી આશાપુરા મેઇન રોડ પર કાઉ હોટેલ પાસે શ્રીજી ડ્રેસીસ નામે દુકાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે તેરમીએ હોળીનો તહેવાર પુરો કરી હું મારા માતા બગસરા ખાતે રહેતાં હોઇ ત્યાં ધુળેટીનો તહેવાર કરવા જવા રાતે નવેક વાગ્યે મારા પત્નિ રીમા તથા દિકરા-દિકરીને લઇને મારી કારમાં બગસરા જવા રવાના થયો હતો. રાતે સાડા અગિયારેક વાગ્યે ત્યાં પહોચી ગયો હતો. બીજા દિવસે ધુળેટી હોઇ બપોરે બે વાગ્યે મને મારા ફલેટની ઉપરના માળે રહેતાં મોહિતભાઇ સોનીએ ફોન કરી જણાવેલ કે તમારા ફલેટના દરવાજાના નકુચા તૂટેલા છે, દરવાજો ખુલ્લી હાલતમાં છે અને લાઇટ પણ ચાલુ છે તેમ કહ્યું હતું.
આથી મેં મારા નાના ભાઇ રાકેશભાઇ જે અમીન માર્ગ પર જાનકી એપાર્ટમેન્ટમાં રહે છે તેને જાણ કરી હતી અને હું પણ પત્નિ બાળકોને લઇ બગસરાથી પરત રાજકોટ આવવા નીકળી ગયો હતો. સાંજે છએક વાગ્યે અમે રાજકોટ ઘરે પહોંચ્યા હતાં. ઘરમાં ચેક કરતાં દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં ખુરશી પરથી મળ્યો હતો. અમે રૂમમાં તપાકસ રતાં મારા પત્નિને ધંધાના રોકડા રૂપિયા ઘરમાં સાચવવા આપ્યા હોઇ તે રૂા. ૧,૩૫,૦૦૦ કાળા પર્સમાં રાખેલા હતાં તે ગાયબ જણાયા હતાં. તેમજ બાળકોના બચના રૂપિયા ૧,૯૦,૦૦૦ બીજા પર્સમાં હતાં તે પણ ગાયબ હતાં. આ બંને પર્સ બેડરૂમના મારબલના કબાટમાં કપડાની નીચે મુકેલા હતાં. કુલ રૂા. ૩,૨૫,૦૦૦ની રોકડ તસ્કર ચોરી ગયા હતા. અમારા એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા નથી અને જવા આવવાનો પણ એક જ રસ્તો છે. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. રાણાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:41 PM IST)










