News of Saturday, 15th March 2025
બેડીપરા સગર શેરીના સુરેશભાઇ મકવાણા અને ભત્રીજા સાગર પર ચાર શખ્સોની ધોકાવાળીઃ હાથ-પગમાં ફ્રેકચર
ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો હોઇ તેમાં ભરવાડનો છોકરો હશે એવું પ્રોૈઢે કહેતાં માથાકુટ ધુળેટીની રાતે ધબાધબીઃ બી-ડિવીઝન પોલીસે ખીંટ શેરીના મુન્નો ખીંટ, વંશ, અમિત અને વિક્કી સામે ગુનો નોંધ્યો હુમલામાં ઘાયલ સુરેશભાઇ મકવાણા અને તેનો ભત્રીજો સાગર મકવાણા સારવાર હેઠળ છે

રાજકોટ તા. ૧૫: ધુળેટીની રાતે બેડીપરા સગર શેરીમાં બટાઝટી બોલી ગઇ હતી. અહિ રહેતાં પ્રોૈઢે ભાવનગર રોડ પર વાહન અકસ્માત થયો હોઇ તેમાં કોઇએ કોણે અકસ્માત કર્યો? પુછતાં આ પ્રોૈઢે ભરવાડનો છોકરો હશે તેમ કહેતાં આ અંગે ખાર રાખી ચાર શખ્સોએ કેમ તું ભરવાડનું નામ લે છો? કહી ઝઘડો કરી બાદમાં ધોકાથી હુમલો કરતાં આ પ્રોૈઢ અને વચ્ચે પડેલા તેના ગેરેજ સંચાલક ભત્રીજાને પણ માર મારતાં બંનેને સારવાર માટે દાખલ કરાયા છે. જેમાં કાકાને હાથના પંજામાં અને ભત્રીજાને પગના ઘુંટણમાં ફ્રેકચર થઇ ગયું હતું.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બેડીપરા સગર શેરીમાં ગંગેશ્વર રોડ પર રહેતાં અને સંત કબીર રોડ પર ગેરેજ ચલાવતાં સાગર અશોકભાઇ મકવાણા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી બેડીપરા નજીકની ખીંટ શેરીમાં રહેતાં મુન્નો ખીંટ, વંશ ભાવેશભાઇ ભરવાડ, અમિત ભરવાડ અને વિક્કી ભરવાડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સાગર મકવાણાએ કહ્યું હતું કે ધુળેટીની રાતે આઠેક વાગ્યે હું ઘરે હતો ત્યારે અમારી શેરીમાં કેટલાક માણસો જોર જોરથી અવાજ કરતાં હોઇ હું નીચે જોવા જતાં મારા મકાનના બીજા માળે રહેતાં મારા સગા કાકા સુરેશભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૪૯) સાથે અમારા લત્તામાં ખીંટ શેરીમાં રહેતો મુન્ના ભરવાડ, વંશ અને અમિત તથા વિક્કી ઝઘડો કરતાં હોઇ હું નીચે ગયો હતો અને મારા કાકાને ઝઘડાનુ કારણ પુછતાં તેણે કહેલુ કે થોડીવાર પહેલા હું ભાવનગર રોડ પર હતો ત્યારે કોઇ વાહન અકસ્માત થયો હોઇ જેમાં મને કોઇએ પુછેલુ કે અકસ્માત કોણે કર્યો? જેથી મેં કોઇ ભરવાડનો છોકરો હતો તેમ કહ્યું હતું. આ બાબતનું મનમાં રાખી મુન્નો, વંશ સહિત ચારેયએ મને બોલાવી તું કેમ ભરવાડનું નામ લે છે? કહી જઘડો કર્યો હતો. બાદમાં જતાં રહ્યા હતા. આ વાત મારા કાકાએ મને કરી હતી.
બાદમાં રાતે પોણા દસેક વાગ્યે મારા કાકા ઘર નજીક નંદાણી નિવાસ પાસે ઉભા હતાં ત્યારે વંશ સહિતના ચરોયએ આવી મારા કાકાને ગાળો દઇ ધોકાથી હુમલો કર્યો હતો. હું તથા મારા કાકાનો દિકરો અંકિત ત્યાં જતાં મુન્નાએ ધોકાથી હુમલો કરી મારા કાકાને બેફામ માર મારી મને પણ ફટકાર્યો હતો અને ગાળો દઇ ઢીકાપાટુ પણ માર્યા હતાં. આ પછી દેકારો થતાં આ ચારેય ભાગી ગયા હતાં. પછી મારા ઘરના સભ્યો આવી જતાં ૧૦૮ બોલાવી મને અને મારા કાકાને હોસ્પિટલમાં ખસેડયા હતાં. જેમાં નિદાન થતાં મને ડાબા ઘુંટણમાં અને મારા કાકા સુરેશભાઇને જમણા હાથના પંજામાં ફ્રેકચર હોવાનું ડોક્ટરે કહ્યું હતું. તેમ વધુમાં સાગર મકવાણાએ જણાવતાં બી-ડિવીઝન પીએસઆઇ એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:44 PM IST)










