<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

રાજકોટના બસપોર્ટ પર ફરીયાદ બુક આપવામાં તંત્રનો ફરી નનૈયો

હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત

રાજકોટ તા. ૧૫ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીજ્ઞેશભાઈ બોરડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, સોની જીજ્ઞેશભાઈ વાગડિયા, ગોપાલભાઈ મોરવાડિયા, એસ. પી. રાજાણીની સંયુક્‍ત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ એસ. ટી બસ પોર્ટના અમુક અધિકારીઓના ઉધ્‍ધતાઈ પૂર્વકના વર્તન, મનમાની, તાનાશાહી અને જોહુકમીના પગલે રાજકોટ એસ.ટી બસ બસપોર્ટ પર આવતા તમામ મુસાફરો ને ફરિયાદ અને સૂચન કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્‍યો છે.

રાજકોટ એ સૌરાષ્‍ટ્રનું પાટનગર સમાન શહેર છે અને બસપોર્ટ પર ૧૫૦૦થી વધુ બસોની અવરજવર રહે છે. ચાર ચાર ટ્રાફિક કંટ્રોલર બેસે છે. હજારો મુસાફરોની અવરજવર રહે છે. ત્‍યારે આ બસપોર્ટ પર કોઈ મુસાફર ફરિયાદ કે સૂચન કરવા ફરિયાદ બુક માંગે તો આપવામાં આવતી નથી અને ઠાગાઠૈયા કરવામાં આવે છે. તારીખ ૧૩/૩ ના સવારે ૯.૩૫ કલાકે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાં ફરિયાદ બુક માંગવામાં આવતા ફરિયાદ બુક ન આપને કહેવામાં આવ્‍યું કે ઓનલાઇન જ ફરિયાદ કરો. ફરિયાદ બુક નથી. જે પગલે ફરજ પરના એ.ટી.આઈ સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જોને આ બાબતે રાવ કરવામાં આવી હતી. વીસ મિનિટ સુધી ફરિયાદ બુક ન અપાતા આ અંગે ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના મેનેજિંગ ડાયરેક્‍ટને અને રાજકોટના વિભાગીય નિયામકને ફરિયાદ બુકો ગુમ કરી દેવામાં કોની ભૂમિકા છે તે અંગેની તટસ્‍થ તપાસ કરી ફરિયાદ બુક ગુમ કરી દેવાના કારણની સ્‍પષ્ટતા કરવા રજુઆત કરવામાં આવી હતી.

અગાઉ વર્ષ ૨૦૨૩ માં આ પ્રકારે અધિકારીએ તોછડાઇપૂર્વકનું વર્તન કરી સત્તાના મદમા ફરિયાદ બુક ન આપતા તત્‍કાલીન સમયે લોક સંસદ વિચાર મંચ દ્વારા વિસ્‍તળત લેખિત ફરિયાદ કરવામાં આવતા વિભાગીય નિયામક દ્વારા દિલગીરી વ્‍યક્‍ત કરી રાજકોટ ડેપોના ઇન્‍કવાયરી ઓફિસમાં તમામ ટ્રાફિક કંટ્રોલરને  ફરિયાદ બુક રાખવા અને કોઇ માંગે તો અચુક આપવા આદેશો કર્યા હતા. પરંતુ હાલમાં આ આદેશનો ઉલાળીયો કરી ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરો અને સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ દ્વારા ફરીયાદ બુક આપવા નનૈયો કેમ ભણી દેવાયો તે અંગે તપાસ કરવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬) દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

(3:49 PM IST)