<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

હવે રહેણાક માટે આવશે કડક નિયમો : મનપામાં બેઠક ‘‘ઘોડા છુટયા બાદ તબેલાને તાળા'' જેવી સ્‍થિતિ

સમગ્ર શહેરમાં ચેકીંગ ઝુંબેશ : નોટીસો આપી એન.ઓ.સી.ના સાધનો ચેક કરાશે

રાજકોટ :  મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આગ લાગ્‍યા બાદ કુવો ખોદવા જેવી સ્‍થિતિનું નિર્માણ  થયું છે. ગઇકાલે શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર એટલાન્‍ટિસ બિલ્‍ડીંગમાં આગ લાગી હતી જેમાં નિર્દોષ ત્રણ ના મોત થયા છે. કોર્પોરેશનના સત્તાવાર સુત્રમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ બિલ્‍ડીંગને ફાયર એનઓસી રિન્‍યુ બાબતે બબ્‍બે વખત માત્ર નોટીસ આપી તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્‍યો હતો. આ ઘટના ના પરિણામે હવે મનપા તંત્ર સફારૂ જાગ્‍યું છે. સમગ્ર શહેરમાં ફાયર એનઓેસી અને ફાયર સાધનો બાબત ચેકીંગ હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્‍યો છે આમ ઘોડા છુટયા બાદ, તબેલાને તાળાની કહેવતની સ્‍થિતિ જોવા મળી રહી છે.

એટલાન્‍ટિસ અગ્નિકાંડ બાદ પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે કે, આ રહેણાકની ઈમારતમાં ફિટ કરવામાં આવેલ ફાયર સેફ્‌ટીના  સાધનો ર્વકિંગ કંડીશનમાં ન હોવાનું તેમજ બે વીંગ પાસે ફાયર એનઓસી હતી અને બે વીંગની ફાયર એનઓસી રિન્‍યુ થઈ નથી આ જાણકારી મળ્‍યા બાદ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કોમર્શીયલ ઈમારતોમાં ચેકીંગ અને સીલીંગની કાર્યવાહી કરેલ તે મુજબની કાર્યવાહી હવે રહેણાકના બિલ્‍ડીંગોમાં પણ કરવી પડે તેવી જરૂરિયાત એટલાન્‍ટિસની ઘટના બાદ ઉભી થઈ છે. આથી મહાનગરપલિકા દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે બેઠક યોજાશે તેમ જાણવા મળેલ છે. બેઠકમાં નિર્ણય લેવાયા બાદ મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા આગામી પગલા લેવામાં આવશે.

(4:18 PM IST)