News of Saturday, 15th March 2025
એટ્લાન્ટિસ બિલ્ડિંગને ફાયર એન.ઓ.સી જ નથી : નવો ધડાકોઃ બે-બે નોટીસો ફટકારેલઃ ગુનાહીત બેદરકારી
કુલ ચાર વિંગઃ બે વિંગનું ૧૦ વર્ષથી એન.ઓ.સી રીન્યુ નથી કરાવ્યુઃ ૨ વિંગમાં એન.ઓ.સી ન હોવાનું ખુલ્યુઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૩માં ફાયરે નોટીસ આપી હતીઃ હવે મનપા ફરી નોટીસ આપશે : ફાયર સેફટીના તમામ સાધનો શોભાના ગાંઠીયા સમાન : કાર્યરત જ ન હતા

રાજકોટ તા. ૧૫: શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર બીગબઝારની સામે આવેલ એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આગ લાગતા ૩ નિર્દોષ યુવાનોના મોત નિપજ્યા હતાં. જેના લીધે તંત્ર દ્વારા ફરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં પ્રાથમિક તબક્કે એટલાન્ટિસની ચાર વીંગ પૈકી બે વીંગ પાસે ફાયર એનઓસી ન હોવાનું અને બાકીની બે વીંગની ફાયર એનઓસી ૨૦૧૫માં એક્સપાયર થઈ ગયેલ છે. તેમજ ફીટ કરવામાં આવેલા ફાયર સેફ્ટીના તમામ સાધનો કાર્યરત હાલતમાં ન હોવાનું ખુલતા આ બનાવ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમ મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું.
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફાયર એર્નંઓસી અને બીયુ સર્ટી અંતર્ગત સઘન તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ પરંતુ કોમર્શીયલ બિલ્ડીંગો અને એકમોમાં તપાસ કરી સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરેલ જેની સામે રહેણાકના એપાર્ટમેન્ટમાં ફક્ત ચેકીંગ કરેલ કારણ કે, રહેણાકનું બીલ્ડીંગ સીલ થઈ શકે તેમ ન હોય ફક્ત ફાયર એનઓસી મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ બિલ્ડીંગમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ-ર૦ર૧ અને ર૦ર૩માં ફાયર એનઓસી બાબતે નોટીસ પાઠવી તંત્રએ સંતોષ માની લીધો હતો.
ગઈકાલે એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની દુર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થતાં ફરી તંત્ર સફાળુ જાગ્યું છે. અને બીયુ સર્ટી તેમજ ફાયર એનઓસી મુદ્દે તપાસ હાથ ધરાતા પ્રાથમિક ધોરણે એટલાન્ટીસની ચાર વીંગ પૈકી બે વીંગ માટે ફાયર એનઓસી લેવામાં આવેલ જેની મુદત ૨૦૧૫માં પૂર્ણ થઈ જવા છતાં બિલ્ડીંગધારકો દ્વારા ટીઆરપી ગેમઝોનનો બોધ પાઠ લઈ આજ સુધી રિન્યુ કરાવેલ નથી. તેવી જ રીતે બન્ને વીંગમાં ફીટ કરવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો પણ ૧૦ વર્ષથી પડતર હાલતમાં હોય હાલ કાર્યરત થઈ શકે તેવી સ્થિતિમાં ન હોવાનું જાણવા મળ્યું છે.
મહાનગરપાલિકાની પ્રાથમિક તપાસમાં બહાર આવેલ વિગત મુજબ એટલાન્ટીસમાં ફાયર એનઓસી લેવામાં આવેલ જે ફક્ત બે વીંગ માટે શા માટે લેવામાં આવી તેવો સવાલ ઉભો થયો છે. જેની સામે ૨૦૧૫માં ફાયર એનઓસી બે વીંનું ઈસ્યુ કરવામાં આવેલ જે આજ સુધી રિન્યુ થયેલ નથી. ફાયર વિભાગ દ્વારા રોજે રોજ રહેણાકના એપાર્ટમેન્ટમાં મોકડ્રીલ યોજવામાં આવતી હતી. જેના લીધે લોકો ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા શીખી શકે અને ફાયર સેફ્ટીના સાધનો પણ કાર્યરત છે કે નહીં તે જાણ ફાયર વિભાગને થઈ શકે તેવી કાર્યવાહી દરમિયાન પણ એટલાન્ટિસના એસોસીએશન દ્વારા મોકડ્રીલ યોજવામાં કેમ ન આવી તે સહિતના સવાલો ઉભા થયા છે. અબજો રૂપિયાના એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીમાં બીન ઉપયોગી સાધનો અને ફાયર એનઓસી રિન્યુ ન થઈ તેમજ ફાયર એનઓસી લેવામાં પણ ન આવી હોવાની બેદરકારીઓ બહાર આવી છે.
ફાયર સેફટી અંતર્ગત તપાસના આદેશ
ફાયર વિભાગની કામગીરી પર સવાલો
રાજકોટ : એટલાન્ટિસ ઈમારતમાં આગની દર્ઘટના બાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગની તપાસમાં પ્રાથમિક ધોરણે ફાયરના સાધનો નકામા હોવાનું તેમજ ૧૦ વર્ષથી બે વિંગની ફાયર એનઓસી રિન્યુ ન થયાનું અને બે વીંગ પાસે ફાયર એનઓસી ન હોવાનું પણ ખુલવા પામ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. અને હવે આ પ્રકરણમાં સંપૂર્ણ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. તેમ જાણવા મળેલ છે.
(4:11 PM IST)










