News of Monday, 17th March 2025
ત્રંબાના વડાળીમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકનારા સગીર ભત્રીજાને લાફો મારતાં કાકાની હત્યા
આ ગયે હૈ મેદાનમેં, અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી...! : સગીર વયના આરોપી વિરૂધ્ધ હત્યાનો ભોગ બનનાર ભરતભાઇ મુછડીયાના મોટા બાપુના દિકરા મયુરભાઇ મુછડીયાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધ્યોઃ ક્રાઇમ બ્રાંચે ૮૦ ફુટ રોડ આંબેડકરનગર પાસેથી આરોપીને પકડયો : મૃતક ભરતભાઇ બે બહેનનો એકનો એક ભાઇ અને વિધવા માતાનો આધારસ્તંભ હતોઃ બે માસુમ પુત્ર, પત્નિ સહિતના સ્વજનો નોધારાઃ ક્રાઇમ બ્રાંચના રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, કનકસિંહ સોલંકી, રામશીભાઇ કાળોતરા, પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી આરોપીને પકડી લેવાયો

રાજકોટ તા. ૧૭: શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર આવેલા ત્રંબા નજીકના વડાળી ગામે રાતે હત્યાની ઘટના બનતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વડાળીમાં પાડાસણ રોડ પર રહેતાં ભરતભાઇ નાગજીભાઇ મુછડીયા (ઉ.વ.૩૨) નામના યુવાનને તેના જ કુટુંબી સગીર ભત્રીજાએ પડખા, વાંસામાં છરીના ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આરોપીને રાતોરાત ક્રાઇમ બ્રાંચની ટીમે સકંજામાં લીધો છે. ‘આ ગયે હૈ મેદાનમેં, અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી!'...સગીર ભત્રીજાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આવુ સ્ટેટસ મુકતાં કાકા ભરતભાઇને ન ગમતાં તેણે લાફો મારતાં સગીર ભત્રીજો ઉશ્કેરાયો હતો અને છરીથી તૂટી પડી કાકાની હત્યા કરી નાંખી હતી.
બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર વડાળીમાં રહેતાં ભરતભાઇ મુછડીયા પર રાતે તેની બાજુમાં જ રહેતાં કુટુંબી ભત્રીજાએ છરીના ઘા મારી દેતાં માથા, વાંસામાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ સહિતે કરતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, રાઇટર લક્ષ્મણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા, હારૂનભાઇ ચાનીયા સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી.વી. ચુડાસમા અને ટીમ તથા ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. એલ. ડામોર, પ્રદિપસિંહ જાડેજા સહિતની ટીમ પણ દોડી ગઇ હતી.
પોલીસે હત્યાનો ભોગ બનનાર ભરતભાઇના કુટુંબી ભાઇ મયુરભાઇ રાજાભાઇ મુછડીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી તેના કુટુંબી સગીર ભત્રીજા વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૩ (૧), જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે.
મયુરભાઇએ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે વિગતો આપતાં જણાવ્યું હતું કે હત્યાનો ભોગ બનનાર ભરતભાઇ મારા કાકા નાગજીભાઇનો દિકરો થતો હતો. ભરતભાઇ બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતી. તેનાથી નાની બે બહેનો સાસરે છે. ભરતભાઇના લગ્ન હલેન્ડાના પ્રેમજીભાઇ સોહલીયાની દિકરી નીતાબેન સાથે થયા મહતાં. ભરતભાઇને સંતાનમાં બે પુત્ર શિવમ (ઉ.વ.૬) અને દીકુ (ઉ.વ.૧૨) છે. રવિવારે રાતે સાડા આઠેક વાગ્યે હું અને મારા ઘરના સભ્યો ઘરે હતાં ત્યારે બહાર દેકારો થતાં અમે બહાર જતાં મારા કાકાના દિકરા ભરતભાઇ સાથે કુટુંબી ભત્રીજો બોલાચાલી કરતો જોવા મળ્યો હતો.
અમે ત્યાં પહોંચ્યા એ પહેલા જ ભત્રીજાએ કાકા ભરતભાઇને છરીનો ઘા માથા, પડખામાં મારીદેતાં ભરતભાઇ લોહીલુહાણ થઇ પડી ગયો હતો. ત્યાં બીજા કુટુંબીઓ ભેગા થઇ ગયા હતાં. તેણે અમને વાત કરી હતી કે ભરતભાઇ અને સગીર ભત્રીજાને મોબાઇલમા સ્ટેટસ રાખવા મામલે ઝઘડો થયો હતો. આ પછી અમે કાર મારફત ભરતભાઇને રાજકોટ સારવાર માટે ખસેડયો હતો. રસ્તામાં ૧૦૮ મળતાં તેના મારફત રાજકોટ સિવિલમાં પહોંચાડયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દીધાનું ડોક્ટરે જણાવ્યું હતું.
દરમિયાન આ ઘટનામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. સંજયભાઇ દાફડા, કનકસિંહ સોલંકી, પ્રદિપસિંહ જાડેજા અને રામશીભાઇ કાળોતરાને મળેલી બાતમી પરથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં આરોપીને ૮૦ ફુટ રોડ આંબેડકરનગર પાસેથી પકડી લેવાયો હતો. ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આરોપીએ અગાઉ એક વખત પોતાના મોબાઇલમાં વાંધાજનક સ્ટેટસ રાખ્યું હતું ત્યારે ઝઘડો થયો હતો. ફરીથી ગઇકાલે આ સગીર ભત્રીજાએ ‘આ ગયે હૈ મેદાનમેં, અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી!' એવી સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં રાખતાં કાકા ભરતભાઇને તે ન ગમતાં ઝઘડો થતાં તેણે તેને લાફા મારી લીધા હતાં. આથી તેણે ઉશ્કેરાઇ જઇ કાકાને છરીના ઘા ઝીંકી દીધા હતાં. આજીડેમ પોલીસ વધુ તપાસ કરશે.
હત્યાનો ભોગ બનનાર ભરતભાઇ બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો અને કડીયા કામની મજૂરી કરતો હતો. પિતા હયાત નથી. વિધવા માતા લક્ષ્મીબેન, પત્નિ નીતાબેન, બે માસુમ પુત્રો આ ઘટનાથી નોધારા થઇ ગયા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ સી. એન. જાદવ, એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયા, વી. ડી. ડોડીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. સંજયભાઇ દાફડા, ઉમેશભાઇ ચાવડા, કનકસિંહ સોલંકી, દિપકભાઇ ચોૈહાણ, વિજયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. સંજયભાઇ ખાખરીયા, રામશીભાઇ કાળોતરા, પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઇ દવે, તુલસીભાઇ ચુડાસમાએ આ કામગીરી કરી હતી. (૧૪.૭)
(3:06 PM IST)










