News of Monday, 17th March 2025
કોઠારીયામાં ૩પ થી ૪૦ મકાનધારકોને નોટીસો આપનાર તાલુકા મામલતદાર સામે કલેકટરને રજૂઆત
દબાણો દૂર નહિ કરવા અપીલઃ મામલતદાર તંત્ર સામે ગંભીર આક્ષેપો... : ઇંટોના ભઠ્ઠાવાળાનું પણ દબાણ છે તે કેમ દૂર કરાતું નથીઃ મામલતદાર કહે છે ત્યાં પણ બૂલડોઝર ફેરવાશે

રાજકોટ તા. ૧૭: કોઠારીયા-લાપાસરી રોડ પર રહેતા ૪૦ જેટલા કુટુંબોએ કલેકટરને આવેદન પાઠવી ડીમોલીશન નહિ કરવા અપીલ કરી હતી.
આવેદનમાં જણાવેલ કે અમારી સાથે આવેલા ૩પ ઘર પરિવારના સભ્યો સાથે આપને આ મૌખિક તથા લેખિત રજુઆત આપીએ છીએ.
અમો અરજદારો વર્ષોથી આ જગ્યા પર રહીએ છીએ. અને અબાલ-વૃધ્ધ અપંગત-વિધવા ત્યકતા વગેરે રહેતા હોય અમારા નાના બાળકો હાલ અહિં રહીને અભ્યાસ કરતા હોય અને આગામી દિવસોમાં આ બાળકોની પરિક્ષાઓ આવતી હોય, હાલ ગરમીનો પણ માહોલ હોય આવા સંજોગોમાં અમો ગરીબ, મજુર, દલીતો, પછાતો, વૃધ્ધ, અપંગો, વિધવા-બાળકો સાથે અન્ય કયા વસવાટ કરીએ.
આથી માનવતાના ધોરણે આપને અમારી અરજ છે કે આ ઉપરોકત જગ્યામાં ડિમોલીશન ન કરો. અને તેમ છતાં તમારી ફરજમાં અમે અડચણ રૂપી ન થાય અમને વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવી આપો તેવી વિનંતી છે.
આજે આ ૩પ થી ૪૦ પરીવારના લેડીઝ-જેન્ટસ સભ્યો કલેકટર કચેરીએ રૂબરૂ દોડી આવેલ, પત્રકારોને જણાવેલ કે તાલુકા મામલતદાર તંત્ર અમ જેવા ગરીબોને હેરાન કરી રહ્યું છે, વહાલા-દવલાની નીતિ અપનાવે છે, અન્ય પણ બેફામ આક્ષેપો કર્યા હતા.
દરમિયાન આ અંગે તાલુકા મામલતદાર શ્રી મકવાણાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ લોકોને નોટીસો અપાઇ છે, તેમજ તેમની બાજુની સરકારી જગ્યામાં દબાણ કરનાર ઇંટોના ભઠ્ઠાવાળાઓને પણ નોટીસો અપાઇ છે, આ દબાણ પણ કેસો ચલાવી દૂર કરાશે.
(2:36 PM IST)










