News of Monday, 17th March 2025
કોઠારીયા ચોકડી નજીક ઇંડા ખાવાના મુદ્દે થયેલી હત્યાના કેસમાં હિમત ઉર્ફ કાળુને આજીવન કેદ
સીસીટીવી ફુટેજ એફ.એસ.એલ. રિપોર્ટ સાહેદોની જુબાનીથી કેસ પુરવાર થાય છેઃ કોર્ટ : ભક્તિનગર પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમે તપાસ કરી હતીઃ કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજાની બાતમી પરથી ભવનાથ તળેટીમાંથી આરોપીને દબોચી લેવાયો હતો

રાજકોટ, તા.૧૭: રાજકોટ શહેરમાં કોઠારીયા ચોકડી નજીક આવેલ શ્રી માધવ ર્પાકિંગના ગેટ પાસે એક શખ્સે સ્કૂટર સવારને આંતરી ઈંડા ખાવાના રૂપિયા માંગ્યા હતા. સ્કૂટર ચાલકે રૂપિયા આપવાની ના પાડતા સ્કૂટર ચાલક ઉપર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. જે ચકચારી હત્યા કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન સજા અને રૂ.૨૫ હજારનો દંડનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ હુડકો ક્વાર્ટરમાં રહેતા કાળુભાઈ રામજીભાઈ ભાદરકા નામનો ૪૨ વર્ષનો યુવાન ગત તા.૫-૧૨-૨૦૨૧ ના રોજ પોતાનું સ્કૂટર લઈ કોઠારીયા ચોકડી પાસે આવેલ શ્રી માધવ ર્પાકિંગના ગેઇટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઠારીયા ચોકડી નજીક રહેતા હિમત ઉર્ફે કાળુ ગઢવી નામના શખ્સે કાળુભાઈ ભાદરકાના સ્કૂટરને આંતરી ઈંડા ખાવા માટે રૂપિયા માંગ્યા હતા. કાળુભાઈ ભાદરકાએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી હિમત ઉર્ફે કાળુ ગઢવીએ કાળુભાઈ ભાદરકા સાથે ઝઘડો કરી પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઇ ભાદરકાએ ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારી અરમાન નામના યુવકની મદદ માગતા કાળુભાઈ ભાદરકાને તેના સ્કૂટરમાં રાહદારી અરમાન તેના ઘરે લઈ ગયો હતો જ્યાં પત્ની રંભાબેન ભાદરકા, રાહદારી અરમાન અને તેના પુત્રની હાજરીમાં કાળુભાઈ ભાદરકાએ મરણોન્મુખ નિવેદન આપ્યું હતું પરિવાર દ્વારા ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈ ભાદરકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવવા હત્યામાં પલટાયો હતો આ અંગે મળતક કાળુભાઈ ભાદરકાની પત્ની રંભાબેન ભાદરકા પતિના હત્યારા હિમ્મત ઉર્ફે કાળુ ગઢવી વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી હિમત ઉર્ફે કાળુ ગઢવીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા મળતકે પરિવારની હાજરીમાં આપેલ નિવેદન, ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને તબીબની જુબાની તેમજ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ દાલકના ચુકાદાને ધ્યાને લઇ એડિશનલ ડિસ્ટ્રીક જજ એસ.સી. મકવાણાએ આરોપી હિમત ઉર્ફે કાળુ ગઢવીને હત્યા કેસમાં તકસીરવાન ઠેરવી આજીવન સજા અને રૂ.૨૫ હજારનો દંડનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ બીનલબેન રવેશીયા રોકાયા હતા.
આ કેસમાં આરોપી હત્યા કરી જુનાગઢ ભવનાથ તરફ હોવાની બાતમી તે વખતના કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજાને મળતાં તેને ભવનાથ તળેટીમાંથી આઠ દસ કલાક સર્ચ કરી ઝડપી લેવાયો હતો. આ કામગીરી બદલ આ કર્મચારીઓનુ એસીપી એચ. એલ. રાઠોડે સન્માન પણ કર્યુ હતું. આ કેસની તપાસ પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ રાઇટર નિલેષભાઇ મકાવણા, હેડકોન્સ. હિરેનભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા અને હાર્દિકભાઇ પીપળીયાએ કરી હતી. (૨૩.૨૧)
(2:38 PM IST)










