News of Monday, 17th March 2025
પૂ.કનુભાઇ પટેલ (કનુકાકા)નું મહાપ્રયાણ
રાજકોટ-અમદાવાદ ખાતેની શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલને ધબકતી કરનાર અને સૌરાષ્ટ્રમાં સેવાનું સામ્રાજય સર્જનાર મહામાનવ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સેવાનું વટવૃક્ષ સર્જનાર પૂજય કનુભાઇ પટેલ (બાન્કો ઇન્ડસ્ટ્રીઝ) નું દુઃખદ અવસાન થયું છે. મુળ વડોદરાના વતની કનુકાકા ૧૯૬૬માં પોતાના ગુરૂ ભગવાન શ્રી સત્ય સાઇ બાબાના આદેશને માન આપીને રાજકોટમાં કાલાવડ રોડ પર પાયાથી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ ( કે જે છેલ્લા ર૪ વર્ષથી વિનામુલ્યે હાર્ટના ઓપરેશન કરે છે) તેને ઉભી કરી. જેનો વિસ્તાર થઇને અમદાવાદમાં પણ શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ ધબકતી કરી.
તેઓ ખુબ જ જાણીતા ઉદ્યોગસાહસીક, પરોપકારી અને વડોદરા ખાતેના બાંકો ફાઉન્ડેશનના ચેરમેન તરીકે જાણીતા અપાર ચાહના ધરાવતા હતાં. ચાર દાયકાથી વધુ સમયની કારકીર્દી સાથે શ્રી કનુભાઇ પટેલે વ્યવસાય, શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
તેમનામાં સામાજીક જવાબદારીની મજબુત ભાવના હતી. જેણે પાછળથી તેમના પરોપકારી પ્રયાસોને આકાર આપ્યો. આવા મુઠી ઉચેરા માનવી શ્રી કનુભાઇ પટેલનું આજે તા.૧૭/૩/રપના રોજ માંદગીના કારણે દુઃખદ અવસાન થયેલ છે.
કનુભાઇના નેતૃત્વમાં મોરબી પાસે પીપળીયા ખાતે માનવ મુલ્યો પર આધારીત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સ્કુલ સાથે વિનામુલ્યે જરૂરીયાતમંદ દીકરીઓની હોસ્ટેલની સ્થાપના પણ કરી છે.
તેઓ જાતે તેમના ઉદ્યોગ સાહસીક અને પરોપકારી યોગદાન માટે તેમને અનેક માન-સન્માનો મળ્યા છે. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ'' ઇન્ડીયન ફીલાન્થ્રોપી એવોર્ડસ દ્વારા ‘‘ફ્રીલાન્થ્રોપીસ્ટ ઓફ ધ યર'' અને ગુજરાત બીઝનેશ દ્વારા ‘‘બીઝનેશ લીડર ઓફ ધ યર'' મુખ્ય છે. પૂ.કનુકાકાના માર્ગદર્શન હેઠળ શ્રી મનોજભાઇ ભીમાણીના નેતૃત્વમાં સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ, અમદાવાદ ખાતે હજારો હાર્ટ ઓપરેશનો નિઃશુલ્ક થયા છે, થઇ રહયાં છે, થતા જ રહેશે. અકિલા પરીવારે ર મીનીટ મૌન પાળી પુજય કનુકાકાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં.
(4:45 PM IST)










