<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

નર્સિંગની છાત્રાનું મોતઃ ભુવાએ ઝેર પાઇ દીધાનો આક્ષેપ

એક વર્ષ પહેલા માતાજીના માંડવામાં સંપર્કકમાં આવ્‍યા બાદ ભુવાએ-તારા પિતા ગુજરી જશે, તેની વિધી કરાવવી પડશે કહેતાં તેને ત્‍યાં દાણા જોવડાવવા જતી હતી અને ફસાઇ ગઇઃ અગાઉ ૧મેના રોજ પણ ઝેરી દવા પીધી ત્‍યારે સ્‍યુસાઇડ નોટમાં કેતનના ત્રાસની વિગતો લખી હતીઃ અમે તેને પાછી લાવ્‍યા પછી ૯મેએ ફરી તે જતી રહીઃ ત્રણેક મહિના પછી ત્રાસ હોવાની ફરિયાદ કરતાં અમે તેડવા ગયા પણ આવવા ન દીધીઃ પિત્રાઇ બહેનનો આક્ષેપ : ૧૩મીએ હોળીની રાતે કોમલબેને ઝેર પી લેતાં પોલીસે માવતરને જાણ કરી હતીઃ સારવાર દરમિયાન ગત રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોકની કાલીમા : ભગવતીપરાની કોમલ સોલંકીને મવડીના ભુવાજી કેતન સાગઠીયાએ ફસાવ્‍યાનો મારી નાંખ્‍યાનો આક્ષેપઃ અગાઉ પણ બે લગ્ન કરી ચુક્‍યાનો પિતા-બહેનનો આક્ષેપઃ શરીર પર ચાંભાના, બટકા ભર્યા હોય તેવા નિશાનઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ પિતા ધીરજલાલ સોલંકી આરએમસીના કર્મચારીઃ બીજાની દિકરી સાથે આવુ ન થાય તે માટે કડક કાર્યવાહીની માંગણી

કોમલબેનનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અન છેલ્લે કેતન ભુવાજીનો ફોટો જોઇ શકાય છે જે કોમલબેનના માવતર પક્ષે આપ્‍યો હતો : ઘટનાની વિગતો જણાવતી મૃતકની કુટુંબી બહેન જોઇ શકાય છે. વિગત આપતી વખતે તે રડી પડી હતી. મૃતકના પિતા સહિતના સ્‍વજનો શોકમય નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮: શહેરના ભગવતીપરામાં રહેતી યુવતિ એકાદ વર્ષથી મવડી ગામમાં ગેલ પાનવાળી શેરીમાં રહેતાં અને પોતાને ભુવાજી તરીકે ઓળખાવતા કેતન સાગઠીયા સાથે રહેતી હોઇ હોળીની સાંજે તેણીએ કેતનના ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ગત રાતે તેણીનું મોત નિપજતાં ભગવતીપરામાં રહેતાં પિતા ધીરજભાઇ ધનજીભાઇ સોલંકી સહિતે દિકરીએ જાતે દવા નથી પીધી પણ તેને પીવડાવી દેવામાં આવી છે તેવો આક્ષેપ કરતાં અને બીજી તરફ હોસ્‍પિટલમાંથી કેતન સાગઠીયા પણ ગૂમ થઇ જતાં પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.  તારા પિતા ગુજરી જશે, તેને જીવતા રાખવા હોય તો વિધી કરાવવી પડશે તેમ કહી ભુવાએ મારી બહેનને ફસાવી હતી. એ પછી તે તેની સાથે જતી રહી હતી. અગાઉ મે મહિનામાં પણ ભુવાના ત્રાસને લીધે મારી બહેને ઝેર પીધુ હતું ત્‍યારે ચિઠ્ઠી પણ લખી હતી. હવે તેણીને ઝેર પાઇ મારી નાખવામાં આવ્‍યાની અમને શંકા છે. તેમ રડતાં રડતાં મૃતકની કુટુંબી બહેને આક્ષેપો સાથે કહ્યું હતું. તો મૃતકના પિતાએ પણ ઘટનાની ન્‍યાયી તપાસની માંગણી કરી હતી.

 કોમલબેન કેતનભાઇ સાગઠીયા (ઉ.વ.૨૬) નામની યુવતિએ ગત ૧૩/૩ના હોળીના દિવસે સાંજે છએક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત રાતે તેણીનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ ગોૈતમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

જો કે કોમલબેનના પિતા ધીરજલાલ સાગઠીયાએ આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે મારી દિકરી કોમલબેનને દોઢેક વર્ષ પહેલા કેતન ભુવાજીએ ફસાવી હતી અને તેને ભગાડી ગયો હતો. તેણી લગ્ન વગર જ કેતન સાથે રહેતી હતી. મારી દિકરીને કંઇક કરી મુક્‍યું હોવાની શંકા છે. તે જાતે દવા પીવે તેવી નહોતી, તેણીને દવા પીવડાવી દીધાની અમને શંકા છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે બે વર્ષ પહેલા માતાજીનો માંડવો હતો તેમાં કેતન ભુવાજી તરીકે આવ્‍યો હતો. એ પછી મારી દિકરી સાથે ઓળખાણ કેળવી હતી અને તેને ફસાવી હતી. તે લગ્ન વગર જ મારી દિકરીને રાખતો હતો.

કોમલબેન એક ભાઇ અને ત્રણ બહેનમાં મોટી હતી અને જ્‍યારે તેણીને ભગાડી તે વખતે તે નર્સિંગનો અભ્‍યાસ કરતી હતી. પિતા ધીરજલાલ સાગઠીયા આરએમસીમાં સોલીડ વેસ્‍ટ વિભાગમાં ફરજ બજાવે છે. તેણે આક્ષેપ કર્યો હતો કે કેતને અગાઉ પણ એક છોકરીને ફસાવી હતી અને આ કારણે ગુનો નોંધાતા જેલમાં પણ ગયો હતો. મારી દિકરીને દાખલ કરી ત્‍યારથી તે હોસ્‍પિટલમાં ભેગો જ હતો, ગત રાતે દિકરીનું મૃત્‍યુ થયા બાદ તે નીકળી ગયો હોઇ અમને વધુ શંકા ઉપજી છે. તેમ વધુમાં ધીરજલાલે જણાવતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા પોલીસે તજવીજ કરી હતી.

બીજી તરફ મિડીયા સમક્ષ મૃતક કોમલબેનની કુટુંબી બહેને રડતાં રડતાં જણાવ્‍યું હતું કે એકાદ વર્ષ પહેલા મારી બહેનને આ કેતન ભુવાએ ફસાવી હતી. તેણે કહેલું કે તારા પિતા ગુજરી જશે, તેની વિધી કરવી પડશે. આથી મારી બહેન તેની પાસે દાણા જોવડાવવા ગઇ હતી અને ફસાઇ ગઇ હતી. એ પછી અમારા ઘરેથી જતી રહી હતી અને ભુવાના ઘરે રહેવા માંડી હતી. ત્‍યાં ૧મેના રોજ તેણે ઝેરી દવા પીધી હતી અને કેતન ભુવાનો ત્રાસ હોવાનું તેમજ પૈસા ખાઇ ગયાનો આક્ષેપ તે વખતે ચિઠ્ઠીમાં કર્યો હતો. અમે તેને પરત અમારી ઘરે લાવ્‍યા બાદ તે ફરીથી ૯મેના રોજ જતી રહી હતી. તેના ત્રણ મહિના પછી પોતાને ખુબ ત્રાસ હોવાની જાણ અમને કરી હતી. અમે તેને ફરી તેડવા ગયા હતાં પણ તેને ભુવાએ આવવા દીધી નહોતી. મારી બહેનના શરીર પર ચાંભા છે, મારકુટ થયાના નિશાન લાગે છે. ભુવાએ અગાઉ પણ બે લગ્ન કર્યા છે. અમારી દિકરીની જેમ બીજી દિકરી ન ફસાય તે માટે આકરી કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તેમ વધુમાં તેણીએ કહ્યું હતું. તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. (૧૪.૬)

(3:02 PM IST)