તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ...હેપ્પી એનીવર્સરી'...ચિઠ્ઠી લખીને કરણનો આપઘાત
અઢારમી ફેબ્રુઆરીએ લગ્નને એક વર્ષ પુરૂ થયું હતું: બકાલુ વેંચી ગુજરાન ચલાવતો હતો : કૃષ્ણનગર રોડ ભોલેનાથ સોસાયટીનો બનાવઃ ૨૪ વર્ષના યુવાને ઘર પાસે બકાલુ ભરવા ભાડે રાખેલા રૂમમાં પગલુ ભર્યુઃ પિત્રાઇ ભાઇ આટો મારવા આવતાં લટકતો મળ્યોઃ કારણ અકળઃ પતરીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: શહેરમાં આત્મહત્યાના વધુ એક બનાવમાં એક પરિવારના આધારસ્તંભ અને બે બહેનના એકના એક ભાઇએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી છે. કૃષ્ણનગર મેઇન રોડ પર ભોલેનાથ સોસાયટીમાં આ બનાવ બન્યો છે. બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં યુવાને ‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ, હેપ્પી એનીવર્સરી' એવુ ચિઠ્ઠીમાં લખી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હજુ ગયા મહિને જ તેના લગ્નની પહેલી મેરેજ એનીવર્સરી હતી.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ આનંદ બંગલા ચોક ગુરૂપ્રસાદ ચોકથી આગળ ડાલીબાઇ છાત્રાલય સામે ભોલેનાથ સોસાયટીમાં રહેતાં કરણ મુકેશભાઇ પતરીયા (ઉ.વ.૨૪) નામના યુવાને સાંજે ઘર નજીક બકાલુ ભરવા માટે રૂમ ભાડેથી રાખી હોઇ તેમાં પંખામાં દોરી બાંધી દેહ લટકાવી દેતાં ૧૦૮ના ઇએમટી ઘનશ્યામભાઇ પારમારે તપાસી મૃત જાહેર કરતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કે. જી. ઝાલા અને રાહુલભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ કરણ શાકભાજીનો ધંધો કરતો હતો. તે બે બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો અને એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતાં. પત્નિનુ઼ નામ રશ્મી છે. ગત અઢારમી ફેબ્રુઆરીએ તેની મેરેજ એનીવીર્સરી હતી. કરણના માતા ગાયત્રીબેન અને પત્નિ પણ કારખાને કામે ગયા હતાં. પોતે સાંજે ઘર નજીક બકાલુ ભરવા માટે રાખેલી રૂમમાં ગયો હતો. આ પછી તેનો કુટુંબી ભાઇ ત્યાં આટો મારવા જતાં તેણે ભાઇને લટકતો જોતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કરણને કોઇ તકલીફ નહોતી. તેણે શા માટે આ પગલુ ભર્યુ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોઇ અંતિમવિધી બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે.
કરણે આપઘાત પુર્વે એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ, હેપ્પી એનીવર્સરી' એવુ લખી સાથે સ્માઇલી દોરી છે. આ સિવાય ચિઠ્ઠીમાં કંઇ લખ્યું નથી. બનાવને પગલે પતરીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૫)
(11:02 AM IST)










