તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ધોરણ-૮ની ૧૩ વર્ષની બાળાને વડાળીના ૨૨ વર્ષના જયેશ સાપરાએ ફસાવીઃ અપહરણ કરી બળાત્કાર
એક વખત કેટરર્સમાં કામે ગઇ હોઇ સંપર્ક કેળવી સોશિયલ મિડીયા થકી વાતો કરીઃ ૧૫મીએ ભગાડી વાડીએ લઇ ગયોઃ ત્યાં બળજબરી આચરી બીજા દિવસે પરત મુકી ગયોઃ આજીડેમ પોલીસે સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૯: દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મુળ અન્ય રાજ્યના અને હાલ રાજકોટ રહેતાં મજૂર પરિવારની ૧૩ વર્ષની દિકરીને તેણી કેટરર્સમાં એક વાર કામે ગઇ હોઇ ત્યાં સપંર્ક કરી લલચાવી ફોસલાવી સોશિયલ મિડીયા પર વાતચીત કરી બાદમાં વડાળીના ૨૨ વર્ષના શખ્સે ધુળેટીના બીજા દિવસે ભગાડી જઇ વડાળીમાં વાડીની સીમમાં લઇ જઇ બળાત્કાર ગુજારી લેતાં અને બીજા દિવસે પરત મુકી ભાગી જતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો.
આ બનાવમાં આજીડેમ પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી ત્રંબાના વડાળીના જયેશ રણછોડભાઇ સાપરા (ઉ.વ.૨૨) વિરૂધ્ધ અપહરણ, બળાત્કાર, પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ માહિતી મુજબ ફરિયાદી હાલ રાજકોટ રહી મજૂરી કરે છે. તેની તેર વર્ષની દિકરી એકાદ વખત કેટરર્સમાં કામે ગઇ હતી. એ વખતે તેણીને વડાળીના જયેશ સાપરાએ વાતચીતના બહાને મોબાઇલ નંબર આપી ફસાવી હતી. પછી સોશિયલ મિડીયા થકી વાતો ચાલુ કરી હતી. ધોરણ-૮માં અભ્યાસ કરતી આ બાળા બાદમાં ધુળેટીના બીજા દિવસે ૧૫મીએ સવારે તેણી પરિક્ષા આપવા ગયા બાદ ગૂમ થઇ ગઇ હતી. શોધખોળ કરવા છતાં પરત ન આવતાં પોલીસમાં ગૂમની નોંધ કરાઇ હતી. આ પછી એવી ખબર પડી હતી કે તે વડાળીના કોઇ જયેશ સાથે ફોનમાં વાત કરતી હતી.
પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન બીજા દિવસે સવારે તેણી ઘરે આવી હતી. પરિવારજનોએ પૃછા કરતાં તેસમગ્ર હકિકત જણાવી હતી. તેણીને આજીડેમ ચોકડી નજીકથી રિક્ષામાં બેસાડી જયેશ પહેલા બગીચામાં લઇ ગયો હતો. બાદમાં વડાળીની સીમમાં વાડીએ લઇ જઇ ત્યાં એક રાત રોકાઇ તેણી સાથે દૂષ્કર્મ આચરી લીધુ હતું. આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ સી. એચ. પઢેરીયા, રાઇટર લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા સહિતે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લીધો છે. તે ખેત મજૂરી કરે છે અને કુંવારો છે. વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:38 PM IST)










