તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
રાજકોટના ૭પ૬ અસામાજીક તત્વોનું હિટલીસ્ટ બનાવાયું : તોળાતા પગલા
ચોરી - લુંટ જેવા મિલ્કત સંબંધી ગુનાઓ, સરાજાહેર હુમલાઓ, ધાક-ધમકી ખંડણી, દારૂ - જુગારના ધંધા અને બળાત્કાર - અપહરણ જેવા ગુનાઓને વારંવાર અંજામ આપતા ગુનેગારો યાદીમાં સામેલ : રાજયના પોલીસ વડા દ્વારા ૧૦૦ કલાકમાં ગુન્હેગારો ઉપર કડક કાયદાકીય કાર્યવાહીના આદેશ બાદ ધડાધડ કાર્યવાહી : વારંવાર ગુનાઓ આચરતા ગુનેગારો સામે આગામી દિવસોમાં હદપાર, પાસા, ગેરકાયદે મિલ્કતો તોડી પાડવા સહિતના પગલા લેવાશે : પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા

રાજકોટ, તા., ૧૯ : રાજયના ગૃહમંત્રી અને પોલીસ વડા દ્વારા તાજેતરમાં રાજયની કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર પોલીસની પકડ મજબુત બનાવવા અને લોકોને સલામતીનું વાતાવરણ બક્ષવા ૧૦૦ કલાકમાં કડક કાયદાકીય કાર્યવાહીના આદેશો સંદર્ભે રાજકોટ શહેરમાં વારંવાર જુદા જુદા ગુન્હાઓ આચરતા ૭પ૬ ગુન્હેગારોનું હિટલીસ્ટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાના નેજાતળે તૈયાર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ અસામાજીકો અને ગુન્હેગારો સામે હદપાર, પાસા અને ગેરકાયદે જમીન-મકાનના દબાણો હટાવવા જુદા જુદા વિભાગો સાથે મળી પગલા લેવામાં આવશે તેમ પોલીસ કમિશ્નરશ્રીએ આજે અકિલાને જણાવ્યું હતું.
પોલીસે સતાવાર રીતે આપેલી માહીતી મુજબ વારંવાર ચોરી, લુંટ જેવા મિલકત વિરોધી ગુન્હાઓ આચરતા રર૧, જાહેરમાં શરીરસબંધી ગુન્હાઓ જેવા કે હુમલાઓ અને મારકુટ આચરતા ૩૬ ગુન્હેગારો, વારંવાર ધાક-ધમકીઓ અને ખંડણી ઉઘરાવાના ગુન્હાઓ આચરતા ૧૧, ગેરકાયદે દારૂ ની પ્રવૃતિના અસંખ્ય ગુન્હાઓ આચરનાર ૩૦૧ આરોપી ઉપરાંત વારંવાર જુગાર રમતા-રમાડતા ઝડપાયેલા પ૭ અને અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ ૧૩૦ ગુન્હેગારોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહીતના અધિકારીઓ અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા ઉપરોકત ગુન્હેગારો સામે કાર્યવાહી કરવા જુદી જુદી ટુકડીઓની રચના કરવામાં આવી છે. (૪.૨૦)
(3:11 PM IST)










