<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

કોઠારીયા રોડ જુના ગણેશનગરના ભાવિક અને પિતાને વ્‍યાજ માટે મિત્ર દર્પણ અને શિવરાજસિંહની ધમકી

દવાખાનાના કામ માટે નાણાની જરૂર પડતાં યુવાને પિતાના વાહન પર મિત્ર દર્પણ થકી હુડકો ચોકડીના શિવરાજસિંહ પાસેથી ૧૦ ટકા વ્‍યાજે ૫૦ હજાર લીધા હતાં: બંનેએ પઠાણી ઉઘરાણી ચાલુ કરતાં આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૯: વ્‍યાજખોરીનો વધુ એક ગુનો નોંધાયો છે. કોઠારીયા રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને દવાખાનાના કામ માટે જરૂર હોઇ મિત્ર મારફત એક શખ્‍સ પાસે પિતાનું ટુવ્‍હીલર ગીરવે મુકી દસ ટકા વ્‍યાજે નાણા લીધા બાદ મિત્ર અને વ્‍યાજે આપનાર બંને સતત પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતાં હોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ જુના ગણેશનગર-૮માં વેલનાથ નિવાસ ખાતે રહેતાં ભાવીક કિરણભાઇ સિતાપરા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી શિવરાજસિંહ પરમાર અને દર્પણ પાનસુરીયા વિરૂધ્‍ધ વ્‍યાજખોરીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. જેમાં દર્પણ તેનો મિત્ર છે.

ભાવીક સિતાપરા પરિવાર સાથે રહે છે અને સોરઠીયા વાડી સર્કલ્‍ પાસે શ્રીરામ ટ્રાવેલ્‍સમાં ફોરવ્‍હીલનું ડ્રાઇવીંગ કરે છે. તેના પિતા કિરણભાઇ શિવાભાઇ સિતાપરા ઇમીટેશનનું કામ કરે છે. તેણે આગળ જણાવ્‍યું હતું કે મારે દવાખાનાના કામ માટે તેમજ બીજા માણસોને રૂપિયા આપવાના હોઇ જેથી ૧૭/૧ના રોજ સાંજે છએક વાગ્‍યે મારા મિત્ર દર્પણ પાનસુરીયાને ફોન કરી કહેલુ કે મારા પિતાના નામે જીજે૦૩એનએલ-૧૨૯૩ નંબરનું એક્‍સેસ-૨૦૨૪ મોડેલનું છે તે ગીરવે મુકી ૫૦ હજાર લેવા છે. જેથી તેણે મને હુડકો ચોકડી ખોડિયાર ટેકરી નજીક રહેતાં શિવરાજસિંહ પરમારને મળી લેવાનું કહેતાં હું રાજકોટ અમદાવાદ હાઇવે પર સર્વિસ રોડ પર ગયો હતો. જ્‍યાં શિવરાજસિંહ અને દર્પણ આવ્‍યા હતાં. આ વખતે શિવરાજસિંહે મને ૪૫ હજાર રોકડા આપ્‍યા હતાં અને ૧૦ ટકા વ્‍યાજના ૫ હજાર કાપી લીધા હતાં. તેમજ એક્‍સેસ વાહનની આરસી બૂક માંગી હતી. જે મારી પાસે ન હોઇ દર્પણ સાથે સમજી લેવાનું કહ્યું હતું. હું રૂપિયા લઇને નીકળી ગયા બાદ શિવરાજસિંહને બે અઠવાડીયાનું વ્‍યાજ ૫ હજાર તેના ગૂગલ પેથી આપ્‍યુ હતું. તેમજ દર્પણને રૂા. ૫૦૦ અલગથી ગૂગલ પેથી આપ્‍યા હતાં. આ પછી શિવરાજસિંહે મને અને મારા પિતાને ફોન કરી વ્‍યાજની કડક ઉઘરાણી ચાલુ કરી ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. તેમજ મારા પિતાને જો રૂપિયા નહિ આપો તો મારી નાખીશ તેવી ધમકી આપી દબાણ કર્યુ હતું.

 હું ટ્રાવેલ્‍સમાં ડ્રાઇવીંગ કરતો હોઉ બહારગામ નીકળી ગયો હતો. શિવરાજસિંહે મારી પાસે પઠાણી ઉઘરાણી કરતાં બીકને લીધે ઘરે પણ આવતો નહોતો. બાદમાં દર્પણે પણ મારા પિતાને ફોન કરી શિવરાજસિંહને રૂપિયા આપી દેવા દબાણપ કર્યુ હતું. છેલ્લે ત્રણ ચાર દિવસથી તે સતત ઘરે આવી હેરાન કરતો હતો. અંતે અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ભાવીકે કહેતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. રાણાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(3:23 PM IST)