<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

કોમલે કહેલું-પપ્‍પા હું એકલી પડી ગઇ છું, કેતને મારો ઉપયોગ કર્યો છે, મારા પર કાળા-ધોળા કરે છે!

મવડી માતાજીના માંડવામાં ગઇ ત્‍યારે મારી દિકરી ભુવા કેતનના વશમાં આવી ગઇ હતીઃ તે ઘરેથી ગઇ ત્‍યારે ભાડે રહેતી હોવાનું કહેલું, અમે તપાસ કરતાં કેતન ભુવાના ઘરે જ રહેતી હતીઃ અનહદ ત્રાસને લીધે મારી દિકરીએ આપઘાત કર્યો-પિતાની વ્‍યથા :દિકરી મેસેજ કરીને કહેતી-કેતન મને બહુ હેરાન કરે છે, મારે છે, ખોટુ બોલે છે અને બીજી વાઇફ સાથે વાતો કરે છેઃ તાલુકા પોલીસે આપઘાત કરનાર કોમલના પિતાની ફરિયાદ નોંધીઃ ભાગી ગયેલા ભુવા કેતનની શોધખોળ :ભુવો એવુ પણ કહેતો કે-હું કહું તેમ કરશો તો પૈસાનો વરસાદ થશે! આપઘાત કરવા મજબૂર થયેલી કોમલબેન, ફરિયાદ નોંધાવનાર તેના પિતા ધીરજલાલ સોલંકી અને આરોપી કેતન સાગઠીયા

રાજકોટ તા. ૧૯: ભગવતીપરામાં રહેતી નર્સિંગનો અભ્‍યાસ કરતી કોમલબેન નામની યુવતિએ મવડી વણકરવાસમાં રહેતાં કેતન ભુવાના ઘરે હોળીની સાંજે ઝેર પી લીધા બાદ સારવારમાં પરમ દિવસે મૃત્‍યુ થતાં પરિવારજનોએ તેની હત્‍યાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન તેણીને ભુવાએ ભારે ત્રાસ આપી મરવા મજબુર કર્યાનો ગુનો તાલુકા પોલીસે દાખલ કરી ભાગી ગયેલા ભુવાની શોધખોળ હાથ ધરી છે.

આપઘાત પુર્વે કોમલબેને પિતાને મેસેજ કરીને અનેક ચોંકાવનારી વિગતો જણાવી હતી. તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે આપઘાત કરનાર કોમલબેનના પિતા ભગવતીપરા-૧૨ બાપા સિતારામ મઢુલી સામે રહેતાં ધીરજલાલ ધનજીભાઇ સોલંકીની ફરિયાદ પરથી મવડી ગામ ગેલ પાનવાળી શેરી વણકરવાસ-૩માં રહેતાં અને પોતાને ભુવા તરીકે ઓળખાવતાં કેતન સાગઠીયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૮ મુજબ કોમલબેનને એકાદ વર્ષથી પોતાની સાથે રાખી અવાર-નવાર મારપીટ કરી ત્રાસ આપી મરવા મજબૂર કરતાં તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો ગુનો નોંધ્‍યો છે.

ધીરજલાલ સોલંકીએ જણાવ્‍યું હતું કે મારે ત્રણ દિકરી અને એક દિકરો છે. જેમાં કોમલેબેન (ઉ.વ.૨૬) મોટી હતી અને નર્સિંગનો અભ્‍યાસ કરતી હતી. કોમલબેન એક વર્ષ પહેલા મવડી ગામમાં માતાજીના માંડવામાં ગઇ હતી ત્‍યારે ભુવા તરીકે કેતન સાગઠીયા ત્‍યાં હતો.

ત્‍યારથી મારી દિકરી તેના પ્રભાવમાં આવી ગઇ હતી. ત્‍યારે કેતને મારી દિકરીને કહેલુ કે તારા પપ્‍પા ધીરજલાલ ઉપર મેલીવિદ્યા છે અને તે વહેલા મરી જશે. જેથી મારી દિકરી કોમલબેન આ કેતનમાં વશમાં આવી ગઇ હતી, એ પછી મારી દિકરી કોમલબેનને કેતન કહેતો કે હું જેમ કહું તેમ કરશો તો પૈસાનો વરસાદ થશે. આ બધી વાત મને મારી દિકરીએ કરી હતી. તેણી કેતનના વશમાં આવી ગઇ હતી. છેલ્લા એકાદ વર્ષથી તે અમને કહેતી કે હું ભાડેથી રહુ છું. પણ અમે તપાસ કરતાં અમારી આ દિકરી કેતન સાઠીયા સાથે મવડી વણકરવાસ-૩માં કેતનના મકાનમાં જ રહેતી હોવાની ખબર પડી હતી.

ત્‍યારબાદ દિકરીના ચાર-પાંચ દિવસે મારી પત્‍નિ પર ફોન આવતા હતાં અને તે કહેતી હતી કે કેતન મમને મારે છે, હેરાન પરેરાશન કરે છે. એ પછી આજથી દસકે મહિના પહેલા મારી દિકરીએ કેતનના ત્રાસથી ઝેરી દવા પી લીધી હતી. ત્‍યારે મને મોબાઇલમાં વ્‍હોટ્‍સએપ મેસેજ કર્યો હતો કે-પપ્‍પા હું એકલી પડી ગઇ છું, કેતન સાગઠીયા મને બહુ હેરાન કરે છે, મેં કેતનનો ભરોસો કર્યો છે, તેણે મારો ઉપયોગ કર્યો છે, તેને બીજી વાઇફ છે. તે તેની સાથે વાતો કરે છે. મારી સાથે ખોટુ બોલે છે અને મારી ઉપર કાળાધોળા દોરા કરે છે. મને મુકતો નથી. બહુ જ હેરાન પરેશાન કરે છે. આથી અમે ત્‍યારે મારી દિકરીને અમારા ઘરે લઇ આવ્‍યા હતાં. એ પછી તે તેના મિત્રને ત્‍યાં જવું છે તેમ કહીને ફરીથી કેતન સાગઠીયા સાથે રહેવા જતી રહી હતી.

ત્રણ ચાર મહિના પહેલા ફરીથી દિકરી કોમલબેને મને ફોન કરી કહેલુ કે કેતન બહુ મારકુટ કરે છે અને હેરાન પરેશાન કરે છે. જેથી મારા પત્‍નિ ભાવનાબેન, મારા ભાભી શારદાબેન, દયાબેન, ભત્રીજી દિવ્‍યા, ભાવેશ બધા કેતનના ઘરે જઇ તેને સમજાવવા ગયા હતાં. પણ ત્‍યારે કેતને અમારી દિકરીને આવવા દીધી નહોતી અને કહેલુ કે તમારી દિકરીને નહિ આવવા દઉ. કેતન મારી દિકરીને સતત મારકુટ કરી હેરાન પરેશાન કરતો હોઇ અને ત્રાસ આપતો હોઇ તેણી મરી જવા માજબુર થઇ હતી અને હોળીની સાંજે ઝેરી દવા પી લીધા બાદ સારવારમાં મોત થયું હતું. તેમ વધુમાં ધીરજલાલ સોલંકીએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં એએસઆઇ જી. કે. પરમારે ગુનો નોંધતા વધુ તપાસ પીએસઆઇ કે. એચ. કારેણાએ   આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૯)

(3:28 PM IST)