તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ચક્રબહાદુરને પત્નિ સાથે રૂબરૂ અને મનોજને ફોનમાં ઝઘડો થયોઃ બંનેએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી
આકાશવાણી ચોક ત્રણ માળીયા અને સાધુવાસવાણી રોડ ગોપાલ ચોકમાં આપઘાતની બે જુદી જુદી ઘટના :30 વર્ષનો નેપાળી યુવાન એક મહિના પહેલા જ પત્નિ સાથે રાજકોટ આવ્યો હતોઃ આવતીકાલે પરત નેપાળ જાય એ પહેલા મામાના ઘરે પગલુ ભર્યુઃ બીજા બનાવમાં યુપીના 25 વર્ષના યુવાનને વતનમાં રહેતી પત્નિ સાથે ફોનમાં ચડભડ થતાં મોત મેળવ્યું :નેપાળી ચક્રબહાદુરને તો આવતીકાલે પરત નેપાળ જવાનું હતું: એ પહેલા પરલોકની વાટ પકડી

રાજકોટ તા. 19: આપઘાતના બે અલગ અલગ બનાવમાં બે યુવાનને પોતાની પત્નિ સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી હતી. આકાશવાણી ચોક ત્રણ માળીયા ક્વાર્ટરમાં મામાના ઘરે રોકાયેલા નેપાળી યુવાનને સાંજે તેની પત્નિ સાથે માથાકુટ થતાં પત્નિ દોટ મુકી નીચેના રૂમમાં ગયા બાદ આ યુવાન લટકી ગયો હતો. જ્યારે સાધુ વાસવાણી રોડ ગોપાલ ચોકમાં રૂમ રાખીને રહેતાં મુળ યુપીના યુવાનને વતનમાં રહેતી પત્નિ સાથે ફોનમાં ચડભડ થયા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જાણવા મળ્યા મુજબ આકાશવાણી ચોક ભગતસિંહજી ગાર્ડન પાસે ત્રણ માળીયા ક્વાર્ટર બ્લોક નં. 39/743માં રાતે ચક્રબહાદુર ડબલસિંગ વિશ્વકર્મા (ઉ.વ.30) નામના નેપાળી યુવાને પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ 108ના ઇએમટી નરેશભાઇએ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ પીએસઆઇ એ. વી. ગોંડલીયાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. બી. કારેથાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર ચક્રબહાદુર ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. તેની પત્નિનું નામ સુસ્મિતા છે અને સંતાનમાં બે પુત્રી છે. તેના મામા ચંદનસિંગે જણાવ્યું હતું કે ભાણેજ ચક્રબહાદુર અને તેની પત્નિ તથા નાની દિકરી એક મહિના પહેલા જ નેપાળથી રાજકોટ આવ્યા હતાં. ભાણેજ નાના મવા સર્કલ પાસે ચોકીદારીની નોકરીમાં રહ્યો હતો. હોળીના તહેવાર વખતે તે મારા ઘરે આવ્યા બાદ અહિ જ રોકાયો હતો. હવે તેને રાજકોટ રહેવું ન હોઇ તેનો ભાઇ નેપાળથી બંને પતિ-પત્નિ-બાળકીને તેડવા રાજકોટ આવવા રવાના થઇ ગયો હતો. જે આવતી કાલે ગુરૂવારે રાજકોટ પહોંચવાનો હતો. દરમિયાન સાંજે અમે કરીયાણુ લેવા ગયા ત્યારે ભાણેજ ચક્રબહાદુર અને તેની પત્નિ ઉપરના રૂમમાં એકલા હતાં. બંને વચ્ચે ઝઘડો થતાં તેની પત્નિ નીચે આવી ગઇ હતી. પછી ભાણેજે આપઘાત કરી લીધો હતો. બંને વચ્ચે માથાકુટ થતાં તેણે આ પગલુ ભર્યુ હતું.
બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ ગોપાલ ચોક બાલમુકુંદ-1માં ભાડાના રૂમમાં રહેતાં અને કલર કામની મજૂરી કરતાં મુળ ઉત્તરપ્રદેશના મનોજ બાબુભાઇ રાજભર (ઉ.વ.25) નામના યુવાને રાતે રૂમમાં શર્ટથી ગળાફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યાની જાણ 108ના ઇએમટી નરેશભાઇએ કરતાં યુનિવર્સિટીના પીએસઆઇ ડી. બી. કારેથાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર મનોજ ચાર ભાઇમાં નાનો હતો. તેની પત્નિ કુતુલ અને એક પુત્ર વતનમાં રહે છે. તેના ભાઇ રાજુભાઇએ કહ્યું હતું કે હું તેને સાંજે સતત ફોન કરતો હતો પણ તે ફોન રિસીવ કરતો નહોતો. આથી મેં કાકાના દિકરાને તેના રૂમ પર તપાસ કરવા મોકલતાં મનોજ લટકતો મળ્યો હતો. રાજુભાઇએ કહ્યું હતું કે મારા ભાઇ મનોજને વતનમાં તેની પત્નિ સાથે કોઇ વાતે ફોન પર વાતચીત દરમિયાન ઝઘડો બોલાચાલી થયા હતાં. આ પછી તેને માઠુ લાગી જતાં આપઘાત કરી લીધો હતો. આ બંને બનાવમાં એક સરખા કારણો સામે આવ્યા હતાં. જો કે એકને રૂબરૂમાં પત્નિ સાથે ઝઘડો થયો હતો અને બીજા યુવાનને ફોનમાં ચડભડ થઇ હતી. એ પછી બંનેએ પોતપોતાના રૂમમાં ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી હતી. આ બનાવથી બંનેના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.
(4:27 PM IST)










