<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

નાકરાવાડીમાં કેબીઝેડ ફેક્‍ટરીમાં ભીષણ આગઃ મોટુ નુકસાન : જુઓ વિડીયો

વેફર્સ-નમકીનની કંપનીમાં તેલ સહિતનો મોટો જથ્‍થો હતોઃ કંપનીમાં ૨૫૦ કર્મચારીઓ કામ કરે છેઃ સદ્દનસિબે કોઇ જાનહાની નથીઃ કંપનીમાં બે શેડ ખાક થઇ ગયાઃ ત્રીજા શેડમાં પણ આગ પ્રસરી ગઇ હતીઃ બપોરના દોઢ સુધી પણ આગ લબકારા મારતી હતી

કેબીઝેડ કંપનીમાં લાગેલી આગના દ્રશ્‍યો તસ્‍વીરોમાં જોઇ શકાય છે. ધૂમાડાના ગોટા દૂર દૂરથી જોવા મળતાં હતાં. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લેવા કાર્યવાહી કરી હતી તે દ્રશ્‍યો પણ જોઇ શકાય છે. આગનું સ્‍વરૂપ ભયંકર હતું તે પણ તસ્‍વીરોમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪: શહેરના કુવાડવા રોડ પર નવાગામ સાત હનુમાન પાછળ આવેલા નાકરીવાડીમાં કેબીઝેડ નામની વેફર્સ, નમકીનની ફેક્‍ટરીમાં ભીષણ આગ ભભુકતાં રાજકોટથી ફાયર ફાયટરના આઠ બંબા દોડી ગયા હતાં. આગમાં બે શેડ સંપુર્ણ ખાક થઇ ગયા હતાં અને ત્રીજા શેડમાં પણ આગ ફેલાવા માંડી હોઇ ફાયર બ્રિગેડે કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતાં. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દુર સુધી જોવા મળ્‍યા હતાં. લોકોના ટોળા મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં અને પોલીસ પણ દોડી ગઇ હતી. વેફર્સ, નમકીન બનાવતી આ ફેક્‍ટરી હોઇ અંદર તેલ સહિતનો જ્‍વલનશીલ પદાર્થ પણ વધારે હોવાથી આગ વધુ ઝડપથી પ્રસરી ગઇ હતી. આગમાં મોટી નુકસાની થઇ છે. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નહોતી.

જાણવા મળ્‍યા મુજબ નાકરાવાડીમાં  આવેલી કેબીઝેડ નામની કે. બી. ઝાલાની ફેક્‍ટરીમાં સવારે આગ ભભૂક્‍યાની જાણ સત્‍યજીતસિંહ નામની વ્‍યક્‍તિએ કરતાં રાજકોટથી ફાયર ફાયટરની ચાર ગાડીઓ દોડી ગઇ હતી. આગ વધુ ફેલાઇ ગઇ હોઇ વધુ ગાડીઓ દોડાવાઇ હતી. જાણવા મળ્‍યા મુજબ આ ફેક્‍ટરીમાં વેફર્સ, નમકીનનું ઉત્‍પાદન કરવામાં આવે છે. આગમાં વિશાળ ફેક્‍ટરીના બે શેડ ખાક થઇ ગયા હતાં અને મોટી નુકસાની થયાનું જણાવાયું હતું. બનાવની જાણ થતાં તાલુકા મામલતદાર કે. એસ. મકવાણા, એસીપી બી. વી. જાધવ, કુવાડવા પીઆઇ બી. પી. રજયા, તેમજ ડી. સ્‍ટાફ, એફએસએલ વેન સહિતના પહોંચી ગયા હતાં. આગ વેફર્સ નમકીનના કારખાનામાં લાગી હતી. જે જોત જોતામાં આખી ફેક્‍ટરીના શેડમાં ફેલાઇ ગઇ હતી.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગ એક શેડમાંથી આગળ વધી બીજામાં ફેલાઇ ગઇ હતી અને બાદમાં ત્રીજા શેડમાં પ્રસરી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમો દિવાલમાં બાકોરૂ પાડીને આગ બુઝાવવા કામે લાગી હતી. નમકીન બનાવવાના વિભાગ અને કેન્‍ટીન વિભાગમાં આગ વધુ આગ ફેલાઇ ગઇ હતી અને મોટી નુકસાની થઇ હતી.

ફેક્‍ટરી ખાતે હાજર સત્‍યજીતસિંહે જણાવ્‍યું હતું કે આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી. વેફર્સ નમકીન બનાવવામાં આવતાં હોઇ તેલનો જથ્‍થો વધુ હોય છે. ફેક્‍ટરીમાં ૨૫૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. જો કે સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ નુકસાની મોટી થઇ છે. ફાયર બ્રિગેડે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને પાંચ કલાકે કાબુમાં લીધી હતી. આમ છતાં બપોરે દોઢ વાગ્‍યે થોડા થોડા લબકારા ચાલુ હતાં. સવારે આગ લાગતાં જ કર્મચારીઓ ફટાફટ બહાર નીકળી ગયા હતાં. મશીનરી, પેકેજીંગ, શેડ બધુ બળી ગયું હતું.

અકિલા ન્યુઝ : રાજકોટના કુવાડવા રોડ સ્થિત KBZ નમકીન કંપનીમાં આગ લાગવાનો મામલો, ફાયર ટિમને મેજર કોલ મળતા ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી હતી બાદમાં ફાયર ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. : કેમેરામેન : સંદીપ બગથરીયા : રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(6:35 PM IST)