News of Monday, 24th March 2025
કૃણાલ ચાંદ્રા સાથે ૯૬.૯૬ લાખની ઠગાઇમાં ભાવનગર, લાઠી, સિહોરના ૪ ગઠીયા ઝડપાયાઃ પગેરૂ સુરત તરફ
લાઠીના વિજય ધનવાણીયાને ટેલીગ્રામમાં બેંક એકાઉન્ડ ભાડે શોધી આપવાનો મેસેજ આવ્યા બાદ તેણે સિહોરના કિશોર, ભાવનગરના યુવરાજસિંહ અને રાજુ ઉર્ફ મેમરી સાથે મળી બોગસ પેઢી ઉભી કરી જીએસટી નંબર મેળવી બેંકોમાં એકાઉન્ટ ખોલાવ્યા'તાઃ તેમાં ફ્રોડની રકમ જમા થતી હતીઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ચિરાગ પટેલની રાહબરીમાં પીઆઇ બી. બી. જાડેજાની ટીમની કામગીરી : ચારેય આરોપીના રિમાન્ડ મળતાં પોલીસ સુરત, ભાવનગર તરફ તપાસ કરવા જશે

રાજકોટ તા. ૨૪: શહેરના એરપોર્ટ રોડ પર પેટ્રીયા સ્યુટ હોટલ નજીક રહેતાં અને નવાગામમાં અતુલ એન્ટરપ્રાઇઝ નામે મારૂતી કંપનીના ઓટોપાર્ટનું વેરહાઉસ ધરાવતાં કૃણાલભાઇ જયંતિભાઇ ચાંદ્રા સાથે શેર બજારમાં રોકાણના નામે ઓનલાઇન લિંક મોકલી કરોડોનો નફો બતાવી ૯૬ લાખની ઠગાઇ કરવાના ગુનામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે ભાવનગર, લાઠી, સિહોરના ૪ ભેજાબાજોને દબોચી લીધા છે. આ ચારેય શખ્સોના રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવતાં આ ચારેયએ માત્ર રાજકોટમાં જ નહિ પરંતુ શેર બજારની લિંકના નામે દિલ્હી, તેલંગણા, બેંગ્લોરમાં પણ આ રીતે ઠગાઇ કર્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ચારેય ટેલીગ્રામ મારફતે અલગ અલગ લોકોને ફસાવવા લિંક મોકલતાં હતાં અને રોકાણ પર મોટો નફો બતાવતા હતાં. એ પછી રોકાણકારને મોટી રકમનું રોકાણ કરવા લલચાવી ફસાવી લેતાં હતાં. સુરત અને ભાવનગર તરફ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.
આ કારસ્તામાં સાયબર ક્રાઇમ પોલીસે રાજુ ઉર્ફ મેમરી વજુભાઇ સોલંકી (ઉ.૩૯-રહે. લક્ષ્મી બેકરીની સામે, દિપક ચોક આગળ આનંદનગર મફતનગર), યુવરાજસિંહ મહેશભાઇ મોરી (ઉ.૨૫-રહે. પ્લોટ નં. ૧૩/૧૪-ઇ, ક્રિષ્ના સોસાયટી, જે. સી. ભવન પાસે ઘોઘા જકાતનાકા નજીક ભાવનગર), કિશોર ઉર્ફ ક્રિશ કાબાભાઇ ઉલવા (ઉ. ૨૯-રહે. પ્લોટ નં. ૮૪, ગાયત્રી પાર્ક, પાંજરાપોળ પાસે સિહોર) તથા વિજય વજુભાઇ ધનવાણીયા (ઉ.૩૪-રહે.રામાપીર મંદિર પાસે લાઠી રોડ પીપળવા જી. અમરેલી)ને ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા છે.
રિમાન્ડ પર રહેલા ચારેય શખ્સોની હાથ ધરાયેલી પૂછતાછમાં ઓનલાઈન છેતરપિંડીનું આંતરરાજ્ય કારસ્તાન ખુલવાની આશા જન્મી છે. રાજકોટમાં અતુલ એન્ટરપ્રાઈઝ મારૂતિ કંપનીના ઓટોપાર્ટસનું વેરહાઉસ ધરાવતાં કળણાલભાઇ ચાંદ્રા ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરતાં હતાં ત્યારે શેરબજારમાં વ્યાપાર-રોકાણની લિન્ક જોવા મળી. હતી જેમાં ચાંદ્રાએ સર્ચ કરતાં નફા-રોકાણના ધારા-ધોરણો દર્શાવ્યા હતા અને ઉદ્યોગપતિ કળણાલ ચાંદ્રાને લિન્ક ક્લિક કરતાં જ અન્ય એક ગ્રુપમાં જોડાયો હતો તેમાં તેણે રોકાણ કરતાં મોટી રકમની લાલસા દેખાડાઈ હતી જેથી પ્રથમ વખત કળણાલભાઇ ૨૦,૦૦૦નું રોકાણ કર્યું હતું જેમાં કળણાલભાઇને ત્રણ હજારનું વળતર મળતાં તે વધુ રોકાણ કરવા લલચાઇ ગયેલ અને તેમાં તેને મોટી રકમનો નફો બતાવતો હતો.
જો આ રકમ ઉપાડવી હોય તો અલગ-અલગ ટેક્સ ચૂકવવા પડશે કહીને જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કટકે કટકે ૯૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને છેતરપિંડી આચરી હતી જે અંગે ત્રણ દિવસ પહેલાં તા.૧૯ના રોજ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બેન્ક એકાઉન્ટ નંબરના આધારે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાયો હતો. સાયબર ક્રાઈમ એસીપી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એમ. કૈલા, બી.બી.જાડેજા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનીકલ સોર્સ, એનાલીસીસ મારફત વિગતો મેળવી ચારેય આરોપીને દબોચી લીધા હતાં.
રિમાન્ડ પર રહેલા શખ્સોની પૂછતાછ અને તેઓ પદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા કબજે થયેલા કેટલાક દસ્તાવેજી પૂરાવાના આધારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ભેજાબાજ શખ્સોએ રાજકોટના ઉદ્યોગપતિ સાથે ૯૬ લાખની છેતરપિંડી આચર્યા ઉપરાંત આ શખ્સો દ્વારા ઓનલાઈન રોકાણ કે અન્ય લાલસા સાથે આંતરરાજ્ય કરોડોનું કૌભાંડ આચરાયું હોવાની પ્રાથમિક વિગતો પોલીસને સાંપડી છે. ભેજાબાજ ગેંગ દ્વારા રાજકોટ ઉપરાંત દિલ્હી, તેલંગણા, બેંગ્લોર તેમજ અન્ય રાજ્યના શહેરોમાં પણ આવી રીતે લિન્ક મારફતે શેરબજાર અને અન્ય ધંધામાં રોકાણથી મોટો નફો આપવાની લાલસા અને ઓનલાઈન આવો મોટો નફો બતાવીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હોવાની શક્યતાને આધારે વધુ તપાસ થઇ રહી છે.
તપાસમાં ખુલ્યા મુજબ વિજયને ટેલીગ્રામ પર મેસેજ મળ્યો હતો કે બેંક એકાઉન્ટ ભાડે શોધો તો કમિશન મળશે. આથી તેણે રાજુ ઉર્ફ મેમરીને વાત કરી હતી. રાજુએ બીજા બે શખ્સો યુવરાજસિંહ અને કિશોર ઉર્ફ ક્રિશ સાથે મળી શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ઉભી કરી તેના પ્રોપરાઇટર તરીકે રાજુનું નામ રાખી યુવરાજસિંહ અને કિશોરને બેંકોમાં એકાઉન્ટ ખોલવામાૂં મદદ કરી હતી. એ પછી ફ્રોડના નાણા આ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં. આ એકાઉન્ટમાં રાજકોટના ફ્રોડના ૨૮ લાખ સહિત એકાદ કરોડના ટ્રાન્જેક્શન માલુમ પડયા હતાં. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર સુરત તરફ હોવાની અને એકાદ શખ્સ ભાવનગર તરફ હોવાની માહિતી પરથી પોલીસ તપાસનો દોર તે તરફ લંબાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરી અને ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી ચિરાગ પટેલની સુચના અંતર્ગત પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ પી. જી. આલ, હેડકોન્સ. યજુર્વેદસિંહ જાડેજા, કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા, કોન્સ. કિશોરભાઇ રંગાણીએ આ કામગીરી કરી હતી.
(4:34 PM IST)










