News of Monday, 24th March 2025
યુનિફોર્મ સિવિલ કોડઃ બે હાઇલેવલ અધીકારીઓ રાજકોટમાં કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક શરૂઃ સૂચનો પણ મંગાશે
મીટીંગમાં કલેકટર-પોલીસ કમિશ્નર-એસપી-યુનિ.ના વીસી-કોલેજના આચાર્યો-ધાર્મિક સંસ્થાના વડાઓ હાજર : ધારાસભ્યો-સાંસદોની ઉપસ્થિતિઃ યુસીસી અંગે માર્ગદર્શન-કાયદાની રૂપરેખા અપાશે...

રાજકોટ તા. ર૪: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ જાહેરાત કરી છે કે, રાજયમાં ‘યુનિફોર્મ સિવિલ કોડ' અથવા UCC (UNIFORM CIVIL CODE) લાગુ કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઇ છે. આ કમિટીના બે સભ્યો-હાઇલેવલ અધીકારીઓ પૂર્વ વીસી શ્રી દક્ષેશ ઠાકર તથા સ્વામીની સંસ્થાના શ્રી ગીતા મીશ્રા, રાજકોટ કલેકટર ખાતે આવી પહોંચતા કલેકટર શ્રી પ્રભવ જોષીએ તેમનું સ્વાગત કર્યું હતું, આ પછી મીટીંગ બપોરે ૧ર-૩૦ વાગ્યે કલેકટર કચેરીના ત્રીજા માળે આવેલ કોન્ફરન્સ હોલ ખાતે શરૂ થઇ છે.
યુનિફોર્મ સિવિલ કોડ એ એક એવો કાયદો છે જે ભારતના તમામ નાગરિકોને તેમના ધર્મ, જાતિ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે લાગુ પડે છે. હાલમાં, ભારતમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત અને દત્તક જેવા વ્યકિતગત બાબતોને લગતા કાયદાઓ વિવિધ ધર્મો અને સમુદાયો માટે અલગ-અલગ છે. યુસીસી લાગુ થવાથી આ તમામ બાબતોમાં તમામ નાગરિકો માટે એકસમાન કાયદો અમલમાં આવશે. આ મહત્વની મીટીંગમાં પોલીસ કમિશ્નર, યુનિ.ના વીસી, ધારાસભ્યો-સાંસદો, વિવિધ કોલેજના આચાર્યો, વિવિધ ધાર્મિક સંસ્થાના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે, રાજય સરકારે બનાવેલ કમિટીના સભ્યો આ યુસીસી કાયદો શું છે, તેનું માર્ગદર્શન-સમજણ આપશે, તેમજ તમામ હાજર આગેવાનો પાસેથી સૂચનો પણ લેશે, મીટીંગમાં યુસીસી અંગે હાઇલેવલ સમીક્ષા થઇ રહી છે.
(2:53 PM IST)










