<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ડિમોલીશનના અલ્‍ટીમેટમ બાદ હવે મિલ્‍કત ધારકોને રૂબરૂ તેડુ : નવી નોટીસો પાઠવી

મનપાના ટાઉન પ્‍લાનીંગ વિભાગ દ્વારા ૩૦ર નોટીસ આપી છેઃ સુપ્રિમ કોર્ટે ડિમોલીશનની કાર્યવાહી ફોલોઅપ કરવા કહયું: મિલ્‍કત ધારક હાજર નહિ થાય તો વાંધો નથી એમ સમજી કાર્યવાહી કરાશે

રાજકોટ,  તા., ૨૪ : શહેરમાં ગત વર્ષે બનેલ  ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બાદ મનપાએ ફાયર સેફ્‌ટી અને બાંધકામ પરમીશન અંતર્ગત કડક કામગીરી હાથ ધરી હતી. કોમર્શીયલના બિલ્‍ડીંગોને સીલ કરવાની તથા રહેણાકના બિલ્‍ડીંગોને નોટીસો આપવાની કાર્યવાહી હાથ ધરાયેલ અને તે દરમિયાન ગેરકાયદેસર બાંધકામો માટે ૩૦૨ ડિમોલીશનની નોટીસ આપવામાં આવેલ.

 આજ સુધી કોઈ જાતની કાર્યવાહી ન થતાં અંતે સુપ્રીમ કોર્ટની ડિમોલેશનની પ્રોસીઝર ફોલો કરવા માટે હવે અગાઉ અપાયેલ ૨૬૦-૨ની તમામ ડિમોલેશનની નોટીસોના ફરી તપાસ કરવાના આદેશ જારી કરવામાં આવ્‍યા છે. અને સાથે સીટી ઈજનેરને જવાબદારી સોંપી નોટીસ તેમજ ડોકયુમેન્‍ટ સાથે ઝોનવાઈઝ હાજર રહેવાની સુચના અપાતા ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં દોડધામ મચી ગયેલ છે.

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામમાં નોટીસો આપવામાં આવેલ પરંતુ નોટીસ અપાયેલ પૈકી ૩૦ ટકાથી વધુ બાંધકામનું આજ સુધી ડિમોલેશનથયું નથી. ત્‍યારે જ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર એટલાન્‍ટિસ રહેણાકની બિલ્‍ડીંગમાં દુર્ઘટના સર્જાતા તંત્રએ ફરી વખત એ જ કાર્યવાહી શરૂ કરી છે. અને ટીઆરપી ગેમઝોન બાદ આપવામાં ાવેલ ડીમોલેશનની નોટીસોમાં ફરી તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મ્‍યુનિસિપલ કમિશનરે આદેશ આપતા હવે ત્રણેય જોનના સીટી ઈજનેરોએ નવી નોટીસ અને ડોકયુમેન્‍ટ સાથે જવાબ આપવાનો રહેશે તેમજ જરૂરત પડ્‍યે નોટીસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવી પડશે. સુપ્રીમ કોર્ટની ડિમોલેશનની પ્રોસીઝર ફરી વખત ફોલો કરવામાં આવશે જેના લીધે ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં ટીઆરપી ગેમઝોન બાદ થયેલ ભ્રષ્ટાચાર ફરી વખત બહાર આવે તેવી સંભાવના જોવાઈ રહી  છે. ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટમાં બાંધકામ ક્ષેત્ર અને ટીપી શાખાની કામગીરી પણ ઠંડી અવસ્‍થામાં હોવાની સ્‍થિતિ વચ્‍ચે અગ્નિકાંડની તારીખથી તા.૩૧-જાન્‍યુ. રપ સુધીમાં મનપાએ ગેરકાયદે બાંધકામ રોકવાની ૨૬૦-૧ મુજબની ૧૨૨૧ અને ૨૬૦-૨ હેઠળ ગેરકાયદે બાંધકામ દુર કરવાની ૩૦૨ નોટીસ આપ્‍યાનું જાહેર કરાયું છે.

આ વર્ષમાં ૧૫૨૩ નોટીસમાંથી માત્ર ર૬ બાંધકામના ડિમોલીશન થયા છે! જનરલ બોર્ડમાં આપવામાં આવેલી માહિતી મુજબ વોર્ડ નં.૨માં ૨૬૦-૧ મુજબ ચાર નોટીસ, ત્રણ ડિમોલીશન, વોર્ડ નં. ૧૩માં ૨૪ નોટીસ અને બે ડિમોલીશન, વોર્ડ નં.૩માં ૪ નોટીસ અને એક ડિમોલીશન, વોર્ડ નં.૧૪માં પાંચ નોટીસ, વોર્ડ નં.૧૭માં આઠ નોટીસ અને બે ડિમોલીશન કરાયા છે. એકંદરે સેન્‍ટ્રલ ઝોનમાં ૫૫ નોટીસ સામે ૧૦ ડિમોલીશન કરાયા છે. તો વોર્ડ નં.૭માં એક કેસમાં કોર્ટ મેટર હોવાનો જવાબ અપાયો છે.

જયારે ટાઉન પ્‍લાનીંગ વિભાગ દ્વારા  વેસ્‍ટ ઝોનમાં ૮૮ નોટીસ સામે માત્ર ત્રણ ડિમોલીશન કરવામાં આવ્‍યા છે. સૌથી વધુ નોટીસ વોર્ડ નં.૧૧ના મવડીમાં ૬૩, વોર્ડ નં.૮માં ૧૧, વોર્ડ નં.૧૦માં ૪, વોર્ડ નં.૯ અને ૧૨માં ત્રણ-ત્રણ, વોર્ડ નં.૧માં ત્રણ નોટીસ અપાઇ છે. ઇસ્‍ટ ઝોનમાં ૧૩૮૦ નોટીસ સામે માત્ર ૧૩ ડિમોલીશન કરવામાં આવ્‍યા છે. સૌથી વધુ નોટીસ કોઠારીયા રોડના  નિલકંઠ સિનેમા પાછળના અને આજુબાજુના વોર્ડ નં.૧૬માં ૧૦૧૪ આપવામાં આવી છે અને ત્‍યાં એક પણ ડિમોલીશન કરવામાં આવ્‍યું નથી.

મોરબી રોડના વોર્ડ નં.૪માં ૩૪ નોટીસમાંથી ૧૦ ડિમોલીશન, વોર્ડ નં.૫માં ૧૫માંથી એક, વોર્ડ નં.૬માં ૨૪૬ નોટીસમાંથી માત્ર એક, વોર્ડ નં.૧૮માં ૭માંથી માત્ર એક ડિમોલીશન કરાયું છે. વોર્ડ નં.૧૫માં ૬૪ નોટીસમાંથી કોઇ ડિમોલીશન કરાયા નથી.  આ સિવાય કોર્પોરેટરોની ફરિયાદોનો પણ પૂરતો નિકાલ નહીં કરાયાનું દેખાયું છે અને હવે તમામ ૩૦૨ નોટીસમાં ફરી તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે.

હવે ત્રણેય ઝોનમાં અગાઉ અપાયેલ ડિમોલેશનની નોટીસો માટે નવી કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્‍યા છે. જેના માટે ત્રણેય સીટી ઈજનેરને નવી નોટીસ અને ડોકયુમેન્‍ટ સાથે હાજર થવાની સુચના અપાઈ છે. જેમાં અગાઉ અપાયેલ નોટીસમાં જવાબ હાજર હશે તો આસામીઓને વાંધો નથી તેમ સમજીને કાર્યવાહી કરવામાં આવશે. નહીં તો સીટી ઈજનેર વિરુદ્ધ પગલા લેવાય તેવી પણ સંભાવના છે.

(4:54 PM IST)