<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

૧૯.૮૯ લાખનું એમડી મંગાવનાર જામનગરનો ગેરેજ સંચાલક અઝરૂદ્દિન ઉર્ફ અઝરૂ ઝડપાયો

રાજકોટ જંકશન સ્‍ટેશનેથી ઝડપાયેલી યાસ્‍મીનની પુછતાછ બાદ નામ ખુલ્‍યું હતું :મુંબઇના નિઝામ પાસેથી ત્રીજી વખત ડ્રગ્‍સ મંગાવ્‍યું હતું: પોતે પણ નશાનો બંધાણીઃ ૧-૧ ગ્રામની પડીકીઓ બનાવી ૨૫૦૦ લેખે વેંચતો હતોઃ જામનગરના કેટલાકના નામ ખુલવાની શક્‍યતા : પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ બી. જે. જાડેજા અને ટીમની કાર્યવાહીઃ હવે મુંબઇના નિઝામની શોધખોળ

રાજકોટ તા. ૨૪: શહેરના જંકશન રેલ્‍વે સ્‍ટેશન પરથી જામનગરની યાસ્‍મીન સેતાને રેલ્‍વે એસઓજી, એલસીબીની ટીમે ૧૯,૮૯,૦૦૦ના ૧૯૮.૯ ગ્રામ એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી લીધી હતી. યાસ્‍મીન સાથે એક સગીર પણ સામેલ હતો. પુછતાછમાં તેણીએ આ એમડી ડ્રગ્‍સ જામનગરના અઝરૂના કહેવાથી મુંબઇના નીઝામ પાસેથી લાવ્‍યાનું કબુલ્‍યું હતું. દરમિયાન રાજકોટ રેલ્‍વે પોલીસે આગળની તપાસ શરૂ કરી આ પદાર્થ મંગાવનારા જામનગરના અઝરૂને પણ પકડી લીધો છે. ગેરેજ સંચાલક એવો આ શખ્‍સ પોતે નશાનો બંધાણી છે અને તે ૧ ગ્રામની પડીકી બનાવી ૨૫૦૦-૨૫૦૦ લેખે વેંચે છે. મુંબઇના નિઝામ પાસેથી તેની આ ત્રીજી ખેપ હતી, જામનગરના કેટલાક શખ્‍સો પાસેથી પણ ડ્રગ્‍સ લેતો હોવાનું ખુલ્‍યું હોઇ વિશેષ તપાસ યથાવત રખાઇ છે.

રેલ્‍વે એસઓજી અને એલસીબીની ટીમે જામનગરની યાસ્‍મીન અને એક સગીરને એમડી સાથે ઝડપી લીધા બાદ આગળની તપાસ રાજકોટ રેલ્‍વે પોલીસે હાથ ધરી હતી. જામનગર, મુંબઇના બે શખ્‍સોના નામ ખુલ્‍યા હોઇ રેલ્‍વે પોલીસે જામનગરના અઝહરૂદ્દીન ઉર્ફ અઝરૂ કાસીમભાઇ દરજાદા (ઉ.વ.૩૭-રહે. ખોજાવાડ, મચ્‍છી પીઠ પાસે, ખોજા ક્‍લબ કાસીમ મંજીલ)ને ઝડપી લીધો છે. તેની પુછતાછ થતાં તેણે કબુલ્‍યું હતું કે પોતે પણ ડ્રગ્‍સનો નશો કરવાની આદત ધરાવે છે. અગાઉ એક શખ્‍સ મારફત મુંબઇના નિઝામનો પરિચય થયો હોઇ તેના મારફત તેણે ડ્રગ્‍સ મંગાવવાનું ચાલુ કર્યુ હતું. આ રીતે તેણે ત્રીજી વખત નિઝામ પાસેથી જથ્‍થો મંગાવ્‍યો હતો. પોતે એમડી ડ્રગ્‍સની ૧-૧ ગ્રામની પડીકીઓ બનાવી ૨૫૦૦-૨૫૦૦માં વેંચે છે. જામનગરના કેટલાક શખ્‍સો પાસેથી પણ તે માદક પદાર્થ લેતો હોવાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ થઇ રહી છે. પોલીસ હવે મુંબઇના સપ્‍લાયર નિઝામને શોધી રહી છે.

રેલ્‍વે પોલીસ વડા પરિક્ષીતા રાઠોડ, ઇન્‍ચાર્જ અધિક્ષક સી. પી. મુંધવાની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, એએસઆઇ ભગવાનભાઇ, વેજાભાઇ, હેડકોન્‍સ. મેહુલભાઇ, જયવિરસિંહ, કોન્‍સ. વિષ્‍ણુભાઇ, મહિલા કોન્‍સ. અસ્‍મીતાબેન, ટેકનીકલ વિભાગના એએસઆઇ પ્રવિણભાઇએ આ કામગીરી કરી હતી.

(4:00 PM IST)