<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

તું કેમ ફિલ્‍ડમાં જાતો નથી, સામા જવાબ દેવાનો એટીટયુડ કાઢી નાંખજે કહી નિલેષભાઇ રાઠોડને ઝાપટ મારી ધમકી

માધાપરમાં ફાયનાન્‍સ કંપનીમાં માથાકુટઃ મુળ પોરબંદર છાંયાના નિલેષભાઇ રાઠોડ હાલ ભગતસિંહજી ગાર્ડન :પાસે પરિવાર સાથે રહે છેઃ ગાંધીગ્રામ પોલીસે યુવરાજસિંહ જાડેજા વિરૂધ્‍ધ એટ્રોસીટી, ધમકી, હુમલાનો ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૫: માધાપરમાં આવેલી ફાયનાન્‍સ કંપનીમાં લોન ઓફિસર તરીકે નોકરી કરતાં મુળ પોરબંદર છાંયાના અને હાલ રાજકોટ રહેતાં યુવાનને આ કંપનીના સુપરવાઇઝરે તું કેમ ફિલ્‍ડમાં જતો નથી, તારા સામા બોલવાનો એટીટયુડ કાઢી નાંખજે...કહી ગાળો દઇ ઝાપટ મારી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી આજે તો મારી જ નાંખવો છે કહી ધમકી દેતાં પોલીસે એટ્રોસીટી, હુમલો, ધમકીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ યોજના ક્‍વાર્ટર સુરેશભાઇ માખેચાના મકાનમાં ભાડેથી રહેતાં નિલેષભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૨) નામના યુવાનની ફરિયાદ પરથી યુવરાજસિંહ જાડેજા વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ કરી છે.

નિલેષભાઇ રાઠોડ માધાપર ગામમાં આવેલી એસએમએફજી ગ્રામશક્‍તિ ફાયનાનસ કંપનીમાં લોન ઓફિસર તરીકે એકાદ વર્ષથી નોકરી કરે છે. તે મુળ પોરબંદરના છાયા ગામના વતની છે. હાલ પરિવાર સાથે રાજકોટ રહે છે.

નિલેષભાઇએ જણાવ્‍યું હતું કે સોમવારે ૨૪મીએ હું ઓફિસ ખાતે મારુ કામ કરતો હતો ત્‍યારે અમારી ફાયનાન્‍સ કંપનીના સુપરવાઇઝર અધિકારી યુવરાજસિંહ જાડેજાએ મને ‘તું ફિલ્‍ડમાં કેમ જાતો નથી, અને ફિલ્‍ડમાં જાય છે તો પાછો સાંજ સુધી આવતો નથી, તારો સામા જવાબ દેવાનો એટીટયુડ કાઢી નાખજે' તેમ કહી ગાળો દીધી હતી. બાદમાં તેણે મારી પાસે આવી કહેલ કે-તમે રાઠોડ એટલે કઇ જ્ઞાતિના? જેથી મેં મારી જ્ઞાતિ જણાવતાં તેણે જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી મને ઝાપટો મારી દીધી હતી. મેં તેને આવુ બોલવાની ના પાડતાં તેણે મારી બોચી પકડી-આજે તો તને મારી જ નાખવો છે કહી ધમકી આપી હતી.

આ વખતે ઓફિસમાં કામ કરતાં ભરતભાઇ, જ્‍યોતિન્‍દ્રભાઇ, મહેશભાઇ મઢવી, મહેશભાઇ વોરા સહિતના ભેગા થઇ ગયા હતાં અને યુવરાજસિંહને પકડીને દુર લઇ ગયા હતાં. આ પછી પણ તેણે ગાળો દેવાનું ચાલુ રાખ્‍યું હતું. જેથી હું બહાર નીકળી ગયો હતો અને પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો. તેમ વધુમાં નિલેષભાઇએ પોલીસને જણાવતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. જાડેજાએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. (૧૪.૬)

(2:24 PM IST)