<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

હરિપરના તરાવડા ગામે ખાડામાં ન્‍હાવા પડેલા ૧૦ વર્ષના દિનેશનું ડુબી જતાં મોત

બાજુના ખાડામાં બીજા ત્રણેક મિત્રો ન્‍હાતા હતાં: દિનેશ બહાર ન આવતાં ઘરે જઇ જાણ કરીઃ સરપંચે જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચીઃ મૃતદેહ પોલીસને સોંપ્‍યોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૫: બળબળતો ઉનાળો શરૂ થઇ ગયો હોઇ લોકો ઠંડક મેળવવા પોતપોતાની રીતે પ્રયાસ કરતાં હોય છે. ઘણા લોકો નદી, તળાવો, પાણીના ખાડામાં ન્‍હાવા પડતાં હોય છે. જો કે ન્‍હાવાની મજા ઘણીવાર જોખમી અને જીવલેણ બની જતી હોય છે. આવી જ એક ઘટનામાં લોધીકાના હરિપર તરાવડા (ચીભડા) ગામે રહેતાં દસ વર્ષના બાળકનું પાણીના ખાડામાં ન્‍હાવા જતાં ડુબી જવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ હરિપર તરાવડા ગામેની સીમમાં રહેતાો એક બાળક પાણી ભરેલા ખાડામાં ડુબી ગયાની જાણ થતાં સરપંચ દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડના સ્‍ટેશન ઓફિસર શ્રીજાની, લીડીંગ ફાયરમેન નરેન્‍દ્રસિંહ, ફાયરમેન અજયભાઇ મકવાણા, ગોૈતમભાઇ મેટાળીયા, વિજયભાઇ સોહલા, યિપુષભાઇ વડાલીયા, જયભાઇ વાળા, મગનભાઇ રાવલીયા, પરવેઝભાઇ સહિતે પહોંચી ખાડામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્‍યો હતો.

તપાસમાં ખુલ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર બાળકનું નામ દિનેશ લાલુભાઇ મખોડીયા (ઉ.વ.૧૦) છે. તે માતા-પિતા સહિતના પરિવાર સાથે તરાવડામાં રહેતો હતો. તેના માતા-પિતા છુટક મજૂરી કરે છે. માસુમ દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. લોધીકા પોલીસ મથકના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ દિનેશ અને બીજા ત્રણેક મિત્રો પણ ન્‍હાવા ગયા હતાં. તેના મિત્રો જે ખાડામાં ન્‍હાવા ગયા હતાં તે ઉડો નહોતો, જ્‍યારે દિનેશ જેમાં પડયો હતો તે ખાડો ઉંડો હોઇ તેડુબી ગયો હતો. દિનેશ બહાર ન આવતાં મિત્રોએ ઘરે જઇને જાણ કરતાં પરિવારજનોએ સરપંચને જાણ કરી હતી. એ પછી ફાયર બ્રિગેડ અને પોલીસે કાર્યવાહી કરી હતી.

તસ્‍વીરમાં બાળકનો નિષ્‍પ્રાણ દેહ અને તેને ખાડામાંથી બહાર કાઢનારા ફાયર બ્રિગેડની ટીમ જોઇ શકાય છે.

(2:52 PM IST)