<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

જુના રાજકોટમાં અસંખ્‍ય મકાન-ફલેટ ઓફિસો વેચાવાના છેઃ પરંતુ ખરીદનાર મળતા નથી!!

મધ્‍ય (જુના) રાજકોટવાસીઓને (નવા) વિકસીત પશ્‍ચિમ રાજકોટ તરફ રહેવાનો ક્રેઝ ટ્રાફિક સમસ્‍યા સાથે ફલેટ,કોમ. કોમ્‍પમાં પાર્કિગ, લીફટ, સફાઇ- મેઇન્‍ટેનન્‍સ જેવી સમસ્‍યાઓએ સર્જીકલ સ્‍થિતિ : જૂના રાજકોટમાં ધર્મેન્‍દ્રરોડ, પરાબજાર, ઘીકાંટા રોડ, ગરેડીયા કુવા રોડ, રઘુવીરપરા, કંદોઇબજાર, દરજી બજાર, દાણાપીઠ, મોચી બજાર, લોહાણાપરા, કંસારા બજાર, ગુજરીબજાર, નવાનાકા દિવાનપરા, સાંગણવા ચોક, કોટક શેરી જેવા વિસ્‍તાર સંપૂર્ણ છુટક-હોલસેલ વેપારના હલ બની ગયા. : એક સમયે ફકત રહેણાંક માટે શ્રેષ્‍ઠ ગણાતા પંચનાથ પ્‍લોટ, સરદારનગર, રામકૃષ્‍ણનગર, જુના-નવા જાગનાથ પ્‍લોટમાં રહેતા લોકો પણ નવા રાજકોટ તરફ વસવાના મુડમાં.

 

રાજકોટ તા.૨૫: આજથી પાંચ દાયકા પહેલા જુના રાજકોટના કહેવાતા રૈયાનાકા-બેડીનાકા કોઠારીયાનાંકાથી લઇ સદરબજાર સુધીમાં વેપાર સાથે રહેણાંક મકાનો પણ હતા. સમય જતાં આ રહેણાંક વિસ્‍તારોમાં વેપારી પ્રવૃતિઓથી વધતી ગઇ છુટક તેમજ હોલસેલ વસ્‍તુના વેપારીઓની સંખ્‍યા પણ વધતી ગઇ અગાઉ જુના રહેણાંક મકાનો કે જે ૨૫૦ થી ૩૦૦ વારના હોય તેવા મકાનો સમય જતા વેચાવા લાગ્‍યા અને આવા ગીચ વિસ્‍તારમાં પણ વેપારી પ્રવૃતિઓ માટે કોમર્શીયલ કોમ્‍પલેક્ષ બનવા લાગ્‍યા છે.

છેલ્લા એક દસકામાં ધર્મેન્‍દ્રરોડ, ગરેડીયા કુવારોડ, વચ્‍ચેની કડીયા નવલાઇન તરીકે ઓળખાતી શેરીઓમાં મોટા રહેણાંક મકાનોની જગ્‍યાએ ૩ થી ૪ માળના કોમર્શીયલ કોમ્‍પલેક્ષ બની જતાં અસંખ્‍ય વેપારીઓની છુટક જથ્‍થાબંધ વેપારી પેઢીઓ ખુલવા લાગતા વધુને વધુ લોકો ખરીદી માટે અન્‍ય વિસ્‍તારોમાંથી આવતા હોય તેમજ ઓફિસ દુકાનમાં કામ કરતા મીનીમમ ૩ થી ૪ માણસોમાં વાહનો હોય એટલે વાણીજય પ્રવૃૃતિ વધવાની સાથે વાહનોની સંખ્‍યા વધતા પાર્કિગની સમસ્‍યા પણ  ઉભી થવા પામી છે.

આમ તો જુના રાજકોટનો તમામ વિસ્‍તાર વ્‍યાપારી વિસ્‍તારજ હતો અને સાથો સાથ દરેક રોડ પર થોડા-થોડા અંતરે મકાનો પણ (રહેણાંક) વિસ્‍તાર પણ હતો. ઘણા લોકોને ઘર દૂકાન સાથે પણ હતા.

પરંતુ કહેવત છે કે સમય સાથે પરિવર્તન થતું હોય છે અને કરવું જ જોઇએ દસકામાં તે વિસ્‍તારમાં રહેતા અસંખ્‍ય લોકોએ મોટા મકાન વેચીને નવા વિકસીત રાજકોટ પશ્‍ચિમ તરફ  કાલાવડ રોડ, જામનગર રોડ, ૧૫૦ ફૂટ રોડ, સાધુવાસવાણી રોડ, રૈયારોડ,  રેલનગર, અટલસરોવર આસપાસ પછી બીજા ૧૫૦ ફૂટ રીંગ રોડ તરફ રહેવાનું પસંદ કરી રહયા છે.

જૂનારાજકોટમાં રહેતા અનેક પરિવારોને દુકાન સાથે મકાન હતા તે મકાન જૂની બાંધણીના ફકત ૩ થી ૪ ફૂટ પહોળાઇની ડેલી વાળા હતા તેમાં માંડ એકાદ સ્‍કૂટર રહી શકતું હતું. જયારે બીજુ સ્‍કૂટર કે કાર ફોરવ્‍હીલ પાર્ક કરવાનો પ્રશ્‍ન સર્જાય અને બહાર ફોર વ્‍હીલ પાર્ક કરી શકાય નહિ આમ ત્‍યાં રહેતા મકાનમાલિકોને પોતાનાજ વાહનો પાર્ક કરવાની સમસ્‍યા સર્જાતા સમય સાથે પરિવર્તન માટે મન મનાવી લઇને મકાન વેચી નાખ્‍યા છે.

હાલ પણ જૂના રાજકોટ ધર્મેન્‍દ્ર રોડ, ઘીકાંટા રોડ, ગરેડીયાકુવા રોડ, રઘુવીરપરા, દિવાનપરા, લોહાણાપરા, મોચીબજાર, રૈયાનાકા, બંગડી બજાર, કંદોઇબજાર, દરજીબજાર, ગુજરી બજાર, કંસારા બજાર જેવા વ્‍યાપારી વિસ્‍તારમાં અસંખ્‍ય મકાનો વેચવાના છે. પરંતું રહેણાંક માટે પાર્કિગ સમસ્‍યાને કારણે અનુકુળ નહોય આવા મકાનો ઝડપથી વેચાતા નથી પરંતુ જો કોઇને વેપાર માટે જરૂરીયાત હોય ત્‍યારે જ મકાન વેચાય છે પરંતુ જુના રાજકોટમાં વસતા મકાન માલિકોને ખાસો સમય રાહ જોવી પડે છે. તુરંત મકાન વેચાતું નથી.

ઓફિસો વેચવા માટે પણ આજ સ્‍થિતિ છે.

જૂના રાજકોટના ગીચ વિસ્‍તારમાં કોમર્શીયલ કોમ્‍પમાં પણ અનેક ઓફિસો વેચવા માટે માલિકોએ પ્રયત્‍ન પણ કર્યા  છે પણ આશરે ૧૫-૨૦ વર્ષ જૂના કોમ્‍પલેક્ષમાં  લીફટનો પ્રશ્‍ન સફાઇનો પ્રશ્‍ન, નિયમીત મેન્‍ટેનન્‍સનો પ્રશ્‍ને તેમજ સૌથી વધુ પાર્કિગનો પ્રશ્‍ન હોવાથી આવી  કોમ્‍પલેક્ષની ઓફિસો વેચાતી નથી અને ભાડેથી પણ કોઇ રાખવા તૈયાર નથી.

૨૦ વર્ષ જૂના બિલ્‍ડીંગના ફલેટો પણ ઝડપી વેચાતા નથી.

જૂના રાજકોટમાં સરેરાશ ૧૫-૨૦ વર્ષ પહેલાના ફલેટો બન્‍યા હોય ત્‍યારે જેતે સમયે ફોર વ્‍હીલ વાહનનો ક્રેઝ ન હોવાથી પાર્કીગની જગ્‍યા ટૂવ્‍હીલર પુરતી જ રાખીને બાંધકામ કરેલ હોય પરંતુ સમય જતા હવે બીલ્‍ડીંગ જૂના થઇ ગયા લીફટ ન હોય અથવા મેન્‍ટેનન્‍સ થતું નહોય સફાઇનો અભાવ ઘણા ફલેટોમાં રહીસો મેઇન્‍ટેનન્‍સ સમય સર  આપતા ન હોય એટલે ફંડના અભાવે આવા બિલ્‍ડીંગનું મેઇનટેનન્‍સ બરોબર જળવાતું ન હોય અનેક લોકોએ જૂના રાજકોટમાં પોતાના ફલેટ વેચાણ માટે બજારમાં મૂકયા હોય અનેક વખત જાહેરાતો પણ આપતા હોવા છતાં ફલેટ વેચાતા નહોય ફલેટ બંધ કરીને અન્‍ય નવા રાજકોટ તરફ રહેવા આવી ગયા છે.

મેઇન્‍ટેનન્‍સના અભાવે ફલેટો લોકો ઝડપથી ભાડે પણ રાખતા નથી.આમ જૂના રાજકોટમાં ૧૫-૨૦ વર્ષ જૂના બિલ્‍ડીંગામાં અનેક ફલેટો વેચવા અથવા ભાડે આપવા માટે હાલ ખાલી પડયા છે.

(2:54 PM IST)