News of Tuesday, 25th March 2025
ચોમાસા પહેલાં સર્વેશ્વર ચોક નાલાનું કામ નિપટાવવું જરૂરી
છેલ્લાં દસ દિવસથી નાલાનું કામ કોઈ કારણોસર ઠપ્પ થઈ જતાં અનેક તર્ક વિતર્ક : જો ચોમાસા પહેલાં કામ નહી નિપટે તો જળબંબાકારની સ્થિતિની શકયતા :બે વર્ષથી માઠી બેસતાં ચોક આસપાસની દુકાનો તથા કોમ્પ્લેક્ષના ઓફીસ ધારકોમાં જબરો ઉચ્ચાટઃ બે આખલાની લડાઈમાં હિતધારકોનો ખો નીકળી રહયો છે : ટનાટન-ઝડપી કામગીરી શરૂ કરવા માંગણી

રાજકોટ : તા.૨૫ રાજકોટના હૃદયસમા અને અમદાવાદના મીની સીજી રોડ તરીકે ઓળખાતા યાજ્ઞીક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકના દુર્ઘટનાગ્રસ્ત નાલાનું પુનઃનિર્માણનું કામકાજ દે ધનાધનની સ્પીડે શરૂ થયા બાદ ઓચિંતું છેલ્લાં દસેક દિવસથી કામ ઠપ્પ થઈ જતાં એવી ભીતી સેવવામાં આવી રહી છે કે જો ચોમાસા પહેલાં આ નાલાના નવનિર્માણનું કામ નહી નિપટે તો સમગ્ર ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશ. સર્વેશ્વર ચોક નાલાની આસપાસની દુકાનો અને કોમ્પ્લેક્ષ ઘારકોની માંગણી છે કે વહેલી તકે આ કામ પુરું થવું જોઈએ કે જેથી ધંધા રોજગાર પુનઃ ધમધમતા થઈ શકે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર કોઈ બાબતે મ્યુનિ.કોર્પોરશન અને નાલાનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટર વચ્ચે કથિત રીતે વિવાદ સર્જાતા છેલ્લાં દસેક દિવસથી નાલાનું કામકાજ ઠપ્પ કરી દેવામાં આવતાં એવી શંકા ઉભી થઈ છે કે જો આ વિવાદ લાંબો ચાલ્યો તો ચોમાસા પહેલાં નાલાના નવિનીકરણનું કામ પુરું નહીં થાય અને સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જશે એવી સ્થિતિ પણ ઉભી થવાની શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે સર્વેશ્વર ચોકમાં મેહુલ્સ કિચન પાસેથી જુનો સ્લેબ તોડી નવા સ્લેબની કામગીરી હાલ એલજીના શો રૂમ સુધી પુરી કરવામાં આવી છે એટલે કે ૫૦ ટકા જેટલું કામ પુરું થયું છે તેવું સ્થળ તપાસ કરતાં માલૂમ પડયુ હોવાનું હિત ધારકોનું કહેવું છે.
આ અંગે આ ચોકના દુકાનદારો અને કોમ્પ્લેક્ષના ઓફીસ ધારકોનું કહેવું છે કે છેલ્લાં દસ દિવસથી કામ ઠપ્પ છે અથવા તો ગોકળગાયની ગતિએ ચાલી રહયું છે. જે રીતે કામ થાય છે તે જોતાં સંઘ કાશીએ કયારે પહોંચશે એ નકકી નથી. જો આ જ રીતે કામગીરી ચાલશે તો ચોમાસું તો ઠીક દિવાળી પણ બતાડી દયે તેવી શકયતા છે. આ લોકોનું કહેવું છે કે બે આખલા વચ્ચેની લડાઈમાં અમારો ખો નીકળી રહયો છે. અમારા કામ ધંધા ચોપટ થઈ રહયાં છે અને આવા સંજોગોમાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર આંતરીક લડાઈમાં વ્યસ્ત છે. આંતરીક વિવાદ અને લડાઈ બાજુએ મુકી પ્રજાના હિતમાં વહેલી તકે કામ પુરું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
નાલાની કામગીરી દિવાળી પછી શરૂ થઈ છે અને સમગ્ર ચોક આડે પતરા નાખી આડસો ઉભી કરી દેવામાં આવી છે જેના કારણે આ ચોક વિસ્તારની તમામ દુકાનો અને ઓફીસોમાં અવર જવરની મુશ્કેલી ઉભી થઈ છે એટલું જ નહીં વાહન પાર્કીંગની પણ સમસ્યા સર્જાય છે. એટલું જ નહી નાના ધંધાર્થીઓના ધંધા ઠપ્પ થઈ જતાં તેઓને જબરું આર્થિક નુકશાન થઈ રહયું છે. આવી સ્થિતિમાં પ્રજાલક્ષી અભિગમ અપનાવી અને માનવતાના ધોરણે કોર્પોરેશન અને કોન્ટ્રાકટરે વિવાદ નિપટાવી કામકાજ વહેલી તકે પુરું થાય એ તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ એવી માંગણી ઉઠી છે.(૨૩.૨૨)
(3:35 PM IST)










