News of Wednesday, 26th March 2025
રાજી ખુશીથી પગલુ ભરુ છું...લખીને છઠ્ઠા માળેથી ૨૪ વર્ષના ભાવિક ટોપીયાની મોતની છલાંગ
જુના મોરબી રોડ પર સેફ્રોન હાઇટ્સમાં બનાવઃ મઘરવાડાથી અઢી મહિના પહેલા જ અહિ રહેવા આવેલા ટોપીયા પરિવારે એકનો એક દિકરો ગુમાવતાં અરેરાટીજુના મોરબી રોડ પર સેફ્રોન હાઇટ્સમાં બનાવઃ મઘરવાડાથી અઢી મહિના પહેલા જ અહિ રહેવા આવેલા ટોપીયા પરિવારે એકનો એક દિકરો ગુમાવતાં અરેરાટી માતા સાથે શાકભાજી લેવા જવાની વાત થઇ અને અચાનક પગલુ ભર્યુઃ યુવાન સંત કબીર રોડ પર ઇલેક્ટ્રીક ચીજવસ્તુની દુકાન ધરાવતો હતોઃ તેના પિતા ઇમિટેશનનું કામ કરે છેઃ કારણ અકળ રહેતાં તપાસ યથાવત

રાજકોટ તા. ૨૬: શહેરના જુના મોરબી રોડ પર સેફ્રોન હાઇટ્સમાં રહેતાં અને સામા કાંઠે ઇલેક્ટ્રીક ચીજવસ્તુની દુકાન ધરાવતાં ૨૪ વર્ષના યુવાને સાંજે છઠ્ઠા માળની ગેલેરીમાંથી કુદીને આપઘાત કરી લીધો હતો. યુવાને એક સ્યુસાઇડ નોટ લખી છે જેમાં કોઇનો વાંક નથી, હું મારી જાતે આ પગલુ ભરી રહ્યો છું તેવું લખ્યું છે અને દુકાનના હિસાબની વિગતો લખી છે. માતા સાથે તેને શાકભાજી લેવા જવાનું હતું ત્યાં જ અચાનક તેણે મોતની છલાંગ લગાવી દીધી હતી. આ પરિવાર મુળ કુવાડવાના મઘરવાડાનો વતની છે.
જાણવા મળ્યા મુજબ જુના મોરબી રોડ પર સેફ્રોન હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતાં ભાવીક વિજયભાઇ ટોપીયા (ઉ.વ.૨૪) નામના યુવાને છઠ્ઠા માળેથી છલાંગ મારતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ ૧૦૮ મારફત થતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. સી. સોઢા અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન એક બહેનથી નાનો અને અપરિણીત હતો. તેના પિતા વિજયભાઇ ટોપીયા ઇમિટેશનનું કામ કરે છે. જ્યારે ભાવિક સંત કબીર રોડ પર ઇલેક્ટ્રીક ચીજવસ્તુની દુકાન ચલાવતો હતો.
સાંજે ભાવીક અને તેના માતાને શાકભાજી લેવા જવાનું હોઇ આ અંગે વાતચીત થઇ હતી. પરંતુ બાદમાં અચાનક જ ભાવીક છઠ્ઠા માળેથી કુદી ગયો હતો. પોલીસે તપાસ કરતાં એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યું છે કે-કોઇનો કંઇ જ વાંક નથી, રાજીખુશીથી આ પગલુ ભરુ છું. તેમજ દૂકાનના હિસાબની વિગતો પણ લખી હતી. પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી છે. પરિવારજનો પણ કારણ જાણતાં ન હોઇ અંતિમવિધી બાદ પોલીસે તેમના નિવેદન નોંધશે. આ પરિવાર મુળ મઘરવાડાનો વતની છે. બે અઢી મહિના પહેલા જ અહિ ફલેટ ખરીદ કર્યો હોઇ રહેવા આવ્યા છે. એકના એક દિકરાના અકાળે મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.
ફલેટના રહેવાસીઓમાં પણ શોક વ્યાપી ગયો હતો. રહેવાસીઓએ કહ્યું હતું કે ભાવીક ખુબ જ સરળ સીધા સ્વભાવનો હતો. તેણે આવુ પગલુ ભરી લેતાં અમે પણ વિચારમાં મુકાઇ ગયા છીએ. પોલીસે તપાસ યથાવત રાખી છે. તસ્વીરમાં જ્યાં કરૂણ ઘટના બની તે સેફ્રોન હાઇટ્સ એપાર્ટમેન્ટ, ભાવીકનો નિષ્પ્રાણ દેહ, એકઠા થયેલા લોકો અને ભાવિકનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.
(2:39 PM IST)










