<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

નગીનબાપા વિદ્યાવિહારી હતા, વ્યોમવિહારી હતાઃ પૂ.મોરારીબાપુ

વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટને નચિકેત એવોર્ડ અર્પણ થયોઃ તેમના ૩ પુસ્તકોનું વિમોચન થયું:બાપુનો હાથ હોય અને બાપાનું નામ જેની સાથે જોડાયેલ હોય એ એવોર્ડ મને મળે તો મારો આનંદ બેવડાઇ જાય છેઃ કૃષ્ણકાંત ઉનડકટ આ પ્રસંગ મારા દિલની નજીક છેઃ એવોર્ડ મારા ઘરમાંથી અપાતો હોય એવી મને લાગણી થાય છેઃ મોરારીબાપુ નગીનબાપા મારા માટે વાત વિસામો હતાઃ આજે તો કોની સાથે બેસવું અને વાત કરવી એ સમસ્યા છેઃ મોરારીબાપુ

રાજકોટ : નગીનબાપા વિદ્યાવિહારી હતા, વ્યોમવિહારી હતા. એમની સ્મૃતિમાં નચિકેત એવોર્ડ અપાય છે, આ પ્રસંગ મારા દિલની નજીક છે. મારા 'ઘર'માંથી અપાતો હોય એવી મને લાગણી થાય છે. નચિકેત ૨૦૨૫ એવોર્ડ વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનડકટને અપાયો એ પ્રસંગે શ્રી મોરારીબાપુનાં આ ઉદ્ગાર બધાને સ્પર્શી ગયા હતા.

કે.જી.ધોળકિયા સ્કૂલનાં ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ સમારંભમાં સંદેશની સુરત આવૃત્તિનાં નિવાસી તંત્રી, લેખક, વકતા કૃષ્ણકાંત ઉનડકટને મોરારીબાપુનાં હસ્તે નચિકેત એવોર્ડ એનાયત થયો હતો. રૂ . સવા લાખની રાશિ, ટ્રોફી અને રામનામી અર્પણ થયા હતા. આ પ્રસંગે કૃષ્ણકાન્તનાં ત્રણ પુસ્તકો જિંદગી તું મને ગમે છે , નો રીગ્રેટસ અને સ્વનું સાંનિધ્યનું વિમોચન પણ થયું હતું. મંચ પર નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિના સભ્ય અને મુંબઈ સમાચારનાં મેગેઝીન એડિટર ભરત ઘેલાની, જાણીતા પત્રકાર લેખક વર્ષાબેન પાઠક , નગીનદાસજીની પુત્રીઓ હર્ષાબેન અને ઉષાબેન ઉપસ્થિત હતા.

શ્રી મોરારીબાપુએ પોતાની પ્રસન્નતા વ્યકત કરતા જણાવ્યું હતું કે,  નગીનબાપા આ એવોર્ડનું નામ નચિકેત આપેલું , નચિકેત પ્રશ્નો પૂછતા અને એ વ્યોમવિહારી હતા એમ જ નગીનબાપા વિદ્યાવિહારી અને વ્યોમવિહારી હતા. એ જે લખતા સાધાર લખતા એમનામાં મેં સબળતા, સરળતા અને સજળતા જોયા છે , આ મારી અનુભૂતિ છે. એ શતાયું નહિ જટાયુ હતા. એમની સાદગી મને બહુ સ્પર્શી છે. એમના ઝભ્ભાના ખિસ્સામાં મેં ક્યારેય કોઈ પૈસા હોય એવું જોયું નથી. એમની સાથે મેં બહુ સત્સંગ કર્યો છે. ક્યારેક મહાવીર તો ક્યારેક બુદ્ધ તો ક્યારેક ઇસુ વિષે એમની પાસે સાંભળતો રહેતો. આજે તો કોની સાથે બેસવું ને વાત કરવી એ સમસ્યા છે. બાપા મારી માટે વાત વિસામો હતો. સ્મૃતિકારે તો કહ્યું છે કે, યુદ્ધ હોય ત્યાં લોકો એકઠાં થાય  છે. લગ્ન હોય કે મરણ લોકો એકઠાં થાય છે. મારા અને બાપા વચ્ચે સબંધો પર લોકો સવાલ ઉઠાવતા રહેતા પણ સત્ય સ્પષ્ટ હોય છે અને સત્યસ અસ્પષ્ટ. સત્યનો ખોટો વિરોધ થાય ત્યારે પણ લોકો ભેગા થતા હોય છે.

બાપુએ ઉમેર્યું હતું કે, આજે તો એવોર્ડ પણ વેચાય છે. પણ મને આનંદ છે કે, આજે કૃષ્ણકાંત જેવા કસાયેલા પત્રકાર લેખકને આ એવોર્ડ આપાય છે. આજે આપણે એમની વંદના કરી રહ્યા છીએ. મને આ એવોર્ડ મારા ઘરમાંથી અપાતો હોય એવું લાગે છે.

એવોર્ડનો પ્રતિભાવ આપતા કૃષ્ણકાંત ઉનડકટે ભીના અવાજે જણાવ્યું હતું કે, બાપુનો હાથ હોય અને બાપાનું નામ જેની સાથે જોડાયેલું હોય એ એવોર્ડ મને મળે તો મારો આનંદ આજે બેવડાઈ જાય છે. મારી પત્રકારત્વની સફર નરસિંહ (જુનાગઢ)થી નર્મદ ( સુરત)સુધીની રહી છે. મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ  આવ્યા છે. પણ શબ્દોએ મને ટકાવ્યો છે. અને હા, એક વાત જરૂ ર કહીશ કે, લખવાથી લેખક નથી થવાતું પણ વાંચવાથી લેખક થવાય છે. દરેક પાસે પોતાની અનુભુતી છે પણ નસીબદાર છીએ કે અમારા પાસે શબ્દો અને એની અભિવ્યકિત છે. રાજકોટમાં અમને આ એવોર્ડ અપાય છે, આ શહેરે મને ઘણું બધું આપ્યું છે. જીવનસાથી જ્યોતિથી માંડી ઘણા મિત્રો આપ્યા છે. હસમુખ ગાંધીથી માંડી હરકિસન મહેતા સાથે કામ કરવાનો મોકો મને મળ્યો છે. અહી ઉપસ્થિત ભરતભાઈ ઘેલાણી અને વર્ષાબેન પાસેથી હું ઘણું શીખ્યો છું. અમને લખવા થયો છે. જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી લખવાનું છે અને જ્યાં સુધી લખવાનું છે ત્યાં સુધી જીવવાનું છે.

આ પ્રસંંગે જાણીતા પત્રકાર – લેખક વર્ષાબેન પાઠકે નગીનદાસ સંઘવી વિષે હળવી વાતો કરી હતી. એમને કહ્યું કે, અમે અવારનવાર નગીનભાઈને મળતા અને દરેક વખતે કૈક ભાથું મેળવીને ઉભા થતા. સૌથી વધુ એમની સરળતા બધાને સ્પર્શતી કારણ કે એ મોટા સાથે કે પછી બાળક સાથે પણ સહજ રહી શકતા હતા. એમના માટે લખવું એ એક વ્યસન હતું અને એમણે કદી કોઈને વ્યસન બાબતે સલાહો આપી નહોતી. એ હસતા તો બહુ ખુલ્લા મને હસતા હતા. એમની સાથે હોઇએ તો એમના જ્ઞાનનો કદીય ભાર લાગતો નહોતો. મહુવા ગુરુકુળનો -સંગ યાદ કરતા એમણે કહ્યું હતું કે, હું ત્યાં નગીનભાઈને મળવા ગયેલી, ચર્ચા પછી બ્રેક લઇ હું જરા બહાર નીકળી તો એમણે કહ્યું કે, વર્ષા તાઈ સિગાર પીવી હોય તો પીજે. પણ મેં પીધી નહોતી, મારી પાસે હતી પણ નહિ અને એ રીતે મહુવા ગુરુકુલના પર્યાવરણ અને પવિત્રતાને મેં જાળવી રાખ્યા હતા.     (પાછળથી મોરારીબાપુએ એમના પ્રવચનમાં કહ્યું હતું કે, વર્ષાદીદી તમે મને કહ્યું હોત તો હું સિગારેટ મગાવી દેત, હું ઘણીવાર કહું છું હું કોઈને સુધારવા નહિ સ્વીકારવા આવ્યો છું.)

કૃષ્ણકાંતનો પરિચય આપતા કૌશિક મહેતાએ જણાવ્યું હતું કે, આ માણસે વ્યાવસાયિક જિંદગીમાં બહુ સંઘર્ષ કર્યો છે. અનેક પડકારો અને પ્રલોભનો આવ્યા છે પણ એ જરાય ડગ્યો નથી. એની પત્રકારત્વની કારીકીર્દી સીધી લીટીમાં આગળ વધી છે. એમના પિતાએ શરૂ  કરેલા 'શરૂ આત' દૈનિકથી શરૂ આત કરી રાજકોટ ચિત્રલેખા અને પછી દિલ્હી અને ફરી ગુજરાત. મોટાભાગના ગુજરાતી અખબારો અને સામયિકોમાં એણે કામ કર્યું છે. નાની ઉમરમાં તંત્રી બન્યા બાદ એની લેખક તરીકેની કારકિર્દી બહુ નોંધપાત્ર રહી છે. પત્રકાર તરીકે અનેક એકસકલુઝીવ સ્ટોરી આપી અને ચિંતની પળેનાં લેખક તરીકે એ ખ્યાતી મળી. આ કોલમના કારણે કેટલાકના જીવનમાં પરિવર્તન આવ્યા છે. દૂરબીન અને એકસ્ટ્રા કોમેન્ટ નામની રોજીંદી કોલમ તો સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે માહિતીનો સ્ત્રોત બની ગઈ છે. એમના ૨૮ પુસ્તકો થયા અને આજે એમાં વધુ ત્રણનો ઉમેરો થાય છે. એમના પુસ્તકો બહુ લોકપ્રિય છે, બેસ્ટ સેલર છે.

નચિકેત એવોર્ડ વિષે માહિતી મુંબઈ સમાચારનાં મેગેઝીન એડિટર ભરત ઘેલાણીએ આપી હતી. આ એવોર્ડનું નામ પણ નગીનદાસ સંઘવીએ આપ્યું હતું અને એ પાછળની પૂર્વભૂમિકા રજુ કરી હતી. સંચાલન વિશિષ્ટ શૈલીમાં યોગેશ ચોલેરાએ કર્યું હતું અને બાપુને એમણે યુનિવર્સિટી ઓફ તલગાજરડાનાં કુલપતિ ગણાવ્યા હતા. ધોળકિયા સ્કૂલનાં મિતુલ ધોળકિયા અને સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. જાણીતા લેખકો, સર્જકો અને અગ્રણી નાગરીકો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. (૩પ.૬)

(2:55 PM IST)